- પહેલી લહેરમાં 31 અને બીજી લહેરમાં 30 દિવસમાં 50 દર્દીના મોત થયા હતા
ગુજરાતમાં કોરોનાના કેસોએ રફતાર પકડી છે, પહેલી અને બીજી લહેરની સરખામણીએ માત્ર 23 દિવસમાં એક લાખ દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો પહેલી લહેરમાં 31 અને બીજી લહેરમાં 30 દિવસમાં 50 દર્દીના મોત થયા હતા, પરંતુ ત્રીજી લહેરમાં 23 દિવસમાં 50 દર્દીના મોત થયા છે. એટલે કે પહેલી અને બીજી લહેર કરતા કેસની સાથે કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ત્રીજી લહેરમાં 23 દિવસમાં દર 2120 કેસની સામે 1 મોત
રાજ્યમાં 26 ડિસેમ્બર 2021થી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ છે. 23 દિવસમાં ગુજરાતમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે અને સાથેજ 50થી વધુ દર્દીના મોત થયા છે. 26 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી 2022 સુધીના 23 દિવસમાં ગુજરાતમા 51 દર્દીના મૃત્યુ થયા છે. આ 23 દિવસમાં નોંધાયેલા 1,09,811 કેસની સામે દર 2153 કેસની સામે 1 મોત નોંધાયું છે.
બીજી લહેરના 30 દિવસમાં દર 439 કેસે એક મોત
22 ફેબ્રુઆરીથી ગુજરાતમાં બીજી લહેરની શરૂઆત થઇ. પહેલી લહેર કરતા બીજી લહેરનું સંક્રમણ રોકેટ ગતિએ વધવા લાગ્યું હતું. જોકે લહેરની શરૂઆતમાં કેસો વધારે નોંધાયા હતા પરંતુ તેની સામે મોતની સંખ્યા ઓછી હતી. પરંતુ એપ્રિલ મહિનાથી ગુજરાતમાં મોતનો આંકડો પણ જેટ સ્પીડે જોવા મળ્યો હતો. બીજી લહેરમાં 22 ફેબ્રુઆરીથી 24 માર્ચ સુધીના 30 દિવસમાં 23275 કેસ નોંધાયા હતા અને 53 દર્દીના મોત થયા હતા. આ 30 દિવસમાં નોંધાયલા કેસની સામે દર 439 કેસે એક મોત નોંધાયું હતું.
પહેલી લહેરમાં 31 દિવસમાં 52 મોત થયા
19 માર્ચે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો અને 22 માર્ચના રોજ પ્રથમ કોરોના દર્દીનું મોત સુરત ખાતે થયું હતું. 19 માર્ચથી 18 એપ્રિલ 2020 સુધીના 31 દિવસમાં 1376 કેસ જ નોંધાયા હતા પરંતુ તેની સામે 52 દર્દીના મોત થયા હતા. પહેલી લહેરમાં કોરોના મહામારીની સારવાર અને દવાના જાણકારી ઓછી હોવાથી કોરોના સામે લડવું મુશ્કેલ હતું અને તેના કારણે 31 દિવસમા ઓછા કેસ નોંધાયા હોવા છતાં 52 દર્દીના મૃત્યુ થયા હતા. આ સમયગાળામાં નોંધાયેલા 1376 કેસની સામે દર 26 કેસે એક દર્દીનું મોત થયું હતું.
