ગુજરાતનું તરભાણું છલકાયું:​​​​​​​રાજ્યમાં ત્રણ ઝોનમાં 100%થી વધુ વરસાદ, સૌથી વધુ કચ્છમાં 155.36%, હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી

By Abhishek Raghuvanshi
4 Min Read
https://timenews.today/img/2022/08/My-Video14.mp4

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં નિરંતર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી વધુ, જ્યારે મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણા 8 ઈંચ વરસાદ સાથે ટોપ પર છે, ત્યારે રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

24 કલાકમાં 148 તાલુકામાં મેઘમહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32 તાલુકામાં 2 ઇંચથી 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 148 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદની વાત કરી તો મહેસાણામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ મોરબીમાં 5.3 ઇંચ, બહુચરાજી તેમજ રાધનપુરમાં 5-5 ઇંચ વરસાદ તો વીસનગર અને ઇડરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ, વિજાપુર, અમીરગઢ, પોશીના, માણસા, જોટાણા સહિત મોટા ભાગના વિસ્તારોમાં 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં 10 તાલુકામાં 3થી 8 ઈંચ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ
મહેસાણામહેસાણા8
મોરબીમોરબી5
મહેસાણાબહુચરાજી4.8
પાટણરાધનપુર4.7
મહેસાણાવીસનગર4.4
સાબરકાંઠાઈડર4.3
પાટણપાટણ3.8
મહેસાણાવિજાપુર3.6
પાટણસરસ્વતી3.5
બનાસકાંઠાઅમીરગઢ3.5

મહેસાણામાં ધોધમાર વરસાદ
મહેસાણા જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં મહેસાણામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. વીસનગરમાં સાડાચાર ઇંચ, વડનગરમાં 3 ઇંચ વરસાદ, વિજાપુરમાં પોણાચાર ઇંચ વરસાદ, ઊંઝામાં અઢી ઇંચ વરસાદ, ખેરાલુમાં 3.5 ઇંચ વરસાદ, બેચરાજીમાં 5 ઈંચ, કડીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે અને જોટાણા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, મહેસાણા જિલ્લામાં 24 કલાક દરમિયાન 904 મિમી વરસાદ પડ્યો છે અને સીઝનનો 7,482 મિમી વરસાદ નોંધાયો છે.

- Advertisement -

સાબરકાંઠામાં 6 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ
24 કલાકમાં જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આઠમાંથી છ તાલુકામાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઇડરમાં સવાચાર ઇંચ નોંધાયો છે. પોશીનામાં પોણાચાર ઇંચ, હિંમતનગરમાં ત્રણ ઇંચ, પ્રાંતિજમાં અઢી ઇંચ, વિજયનગરમાં સવાબે ઇંચ, ખેડબ્રહ્મા, તલોદ અને વડાલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો 24 કલાકમાં ઇડર 110 મિમી, ખેડબ્રહ્મા 41 મિમી, તલોદ 42 મિમી, પ્રાંતિજ 62 મિમી, પોશીના 89 મિમી, વડાલી 43 મિમી, વિજયનગર 56 મિમી, હિંમતનગર 74 મિમી વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં બે-ત્રણ દિવસમાં અનેક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે. જેમા સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બનાસકાંઠા,સાબરકાંઠા પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી 24 કલાક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મોરબી, સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

નર્મદા ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલ્યા હતા.

સરદાર સરોવરની જળસપાટી 136 મીટરે સ્થિર
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતાં ડેમની સપાટીમાં વધારો નોંધાયો હતો. ત્યારે નર્મદા ડેમની જળસપાટી 136 મીટરે પહોચી છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યા છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આમ, નદીમાં કુલ – 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સીઝનમાં નર્મદા ડેમના બીજીવાર 23 ગેટ ખોલીને 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે કાંઠાનાં ગામોને સાબદા કરી દેવામાં આવ્યાં છે. ભરૂચ ડભોઇ ચાંદોદ સહિતના કાંઠાનાં ગામોમાં જળસપાટી વધતાં તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયાં છે.

Exit mobile version