- આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડીગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા
- જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝકાળ વર્ષા
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડીગ્રી સુધી વધતાં ઠંડીમાંથી રાહત મળશે. જોકે ત્યાર બાદ તાપમાન પાંચ ડીગ્રી સુધી ગગડતાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે રાજ્યમાં હજુ 15 ફેબ્રૂઆરી સુધી ઠંડીનું પ્રભુત્વ રહેશે. આ પછી ઠંડીના જોરમાં તબક્કાવાર ઘટાડો થવા લાગશે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાઈ જતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં રસ્તા પર વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી. સામેની બાજુએથી આવતું વાહન દેખાતું જ ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝકાળ વર્ષા થઈ હતી.
અમદાવાદમાં 5 ડીગ્રી સુધી તાપમાનનો પારો ઊંચકાઈ શકે છે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડીગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 5 ડીગ્રી સુધી તાપમાનનો પારો ઊંચકાઈ શકે છે. બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે. 3 દિવસ તાપમાનનો પારો ચઢ્યા બાદ આ તારીખથી પારો નીચે આવશે. દરમિયાન આ પાંચ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ઠંડી, કોલ્ડ વેવ કે અન્ય પ્રકારની ચેતવણી ઉચ્ચારવામાં આવી નથી.
ગાંધીનગર સિવાય તમામ શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રીથી વધુ
સૂકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 8.2 ડીગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી, પણ એને બાદ કરતાં અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રીથી વધુ નોંધાતાં ઠંડીમાં ક્રમશ ઘટાડો થયો છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2થી 4 ડીગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે અમદાવાદનું મહત્તમ 30.4 ડીગ્રી અને લઘુતમ તાપમાન 10.0 ડીગ્રી નોંધાયું હતું.
ઉત્તર ગુજરાતમાં ઠંડી 2 ડીગ્રી ઘટી
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઠંડી 2 ડીગ્રી સુધી ઘટી હતી, જેને લઇ 8 દિવસ બાદ ઠંડીનો પારો 11 ડીગ્રી પાર પહોંચ્યો હતો. કાતિલ ઠંડીથી રાહત વચ્ચે દિવસનું તાપમાન પણ આંશિક વધતાં 29 ડીગ્રીની આસપાસ રહ્યું હતું, જેના કારણે બપોરના સમયે સામાન્ય ગરમીનો અનુભવ શરૂ થયો છે. ઉત્તર ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર આગામી ત્રણેક દિવસ રહેવાની સંભાવના છે. ભેજવાળા પવનને કારણે અંશત: વાદળછાયું વાતાવરણ બની શકે છે તેમજ તાપામાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. આગામી તા.3 ફેબ્રુઆરી સુધીમાં લઘુતમ તાપમાન 2થી 4 ડીગ્રી ઊંચકાઈ શકે છે.
જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝકાળ વર્ષા
બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. રાજકોટમં જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર પણ આજે સવારે ભારે ઝાકળ વર્ષા થઈ હતી. રોડ પર ઝાકળ પડવાને કારણે રોડ ભીના થઈ ગયાં હતાં. તે ઉપરાંત હાઈવે પર ધુમ્મસને કારણે વીઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર ઘટી ગઈ હતી. રાજકોટમાં અનેક જગ્યાએ ધુમ્મસને કારણે હિલસ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતાં.રાજકોટ, ગોંડલ, વીરપુર અને જસદણમાં આજે સતત બીજા દિવસે સવારે ઠેર-ઠેર તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થયો હતો. આજે રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ 100 ફૂટ દૂર વસ્તુ કે વાહન ન દેખાય તેવું ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી હાઈવે અને શહેરમાં વાહનચાલકોએ ફરજીયાત હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
પાટણમાં પણ ધુમ્મસની અસર જોવા મળી
પાટણ શહેરમાં આજે મંગળવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં શહેરનો હાઇવે વિસ્તાર ધૂમ્મસથી ઘેરાયો હતો. જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. શહેરમાં આજે મંગળવારે વહેલી સવારથી જ ધુમ્મસ છવાઈ જતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં રસ્તા પર વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી.ઉપરાંત ધૂમ્મસને કારણે સામેની બાજુએથી આવતું વાહન દેખાતું જ ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો
