અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન બોળીયા(ભરવાડ)નામના યુવકની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. વિધર્મીઓ દ્વારા કિશનની હત્યા કરવામાં આવી હોવાને પગલે સમગ્ર ધંધૂકામાં માલધારી અને ભરવાડ સમાજમાં રોષ ફેલાતા તંગદીલી સર્જાઈ હતી. સમગ્ર ધંધુકા બંધ થઇ ગયું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તેના માટે સમગ્ર જિલ્લા અને રેન્જની પોલીસ ધંધૂકામાં બોલાવવામાં આવી હતી. કિશન ભરવાડની હત્યાના બે દિવસ બાદ ધોળકા શહેરની પરિસ્થિતિ અને આ ઘટનાને પગલે DivyaBhaskarએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.
દરેક બજાર અને પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત
DivyaBhaskarની ટીમ ધંધુકા શહેરમાં પ્રવેશતા જ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. શહેરમાં પ્રવેશતા જ કેટલીક નોનવેજ અને ઇંડાની દુકાનો તેમજ અલગ અલગ દુકાનો જોવા મળી હતી. તમામ દુકાનો બંધ હતી. એકપણ દુકાનો ખુલ્લી જોવા મળી ન હતી. ત્યાંથી આગળ જતાં ધંધૂકા સીટી વિસ્તારમાં પ્રવેશતા જ સર્કલથી ધંધુકા એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા બજારની તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જ્યાંથી અમે આગળ વધ્યા હતા.
આગળ વધતા વધતા અમે ધંધૂકા નગરપાલિકા વિસ્તારમાં પહોંચ્યા હતા. શહેરના બજારોમાં કેટલીક દુકાનો બંધ હતી તો કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. કિશન ભરવાડની હત્યા બાદ શહેરમાં કેવી રીતે તંગદિલી ફેલાઈ હતી અને તેના બે દિવસ બાદ શાંતિ જોવા મળતી હતી. દરેક બજાર અને પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
કિશનની ઘરથી 50 મીટર દૂર જ હત્યા થઈ
ધંધૂકાની મુખ્ય બજારોમાંથી મૃતક કિશન ભરવાડના ઘર અને તેની જ્યાં હત્યા થઈ તે જગ્યા પર પહોંચ્યા હતા. કિશન ભરવાડનું મકાન અમદાવાદમાં આવેલા કોટ વિસ્તાર જેવા ધંધુકાના મોઢવાડ વિસ્તારમાં આવેલું છે. કિશનના મકાનની મુલાકાત લીધી ત્યારે તેનું નાનકડી ડેલીવાળું ઘર છે અને ઘરની બાજુમાં જ તેની ઝેરોક્ષની દુકાન આવેલી છે. મોઢવાડ વિસ્તારમાં ગલીની અંદર ઘરની 50 મીટર દૂર જ તેની હત્યા કરવામાં આવી હતી. જ્યાં હત્યા કરવામાં આવી હતી ત્યાં પોલીસે બેરીકેડ ગોઠવી દીધાં હતાં.
ફેસબુક પોસ્ટ કોઈ મુદ્દો નહોતો પણ મોટું સ્વરૂપ આપ્યું: સ્થાનિક
સ્થાનિક સંજયભાઈ આચાર્યએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કિશનભાઈની હત્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેનો દરેક લોકોએ સહકાર આપ્યો હતો. આ ઘટના બાદ હવે શહેરમાં એકંદરે શાંતિ છે. જો કે આ જે ઘટના બની તે ખોટું બન્યું છે. હત્યા શા માટે કરવામાં આવી હોવાના કારણ વિષે તેઓએ જણાવ્યું હતું કે ફેસબુક ઉપર કોઈ પોસ્ટ મૂકવામાં આવી હતી પરંતુ તેની તેઓએ માફી માગી લીધી હતી. આ કોઈ એટલો મોટો મુદ્દો નહોતો પરંતુ તેને મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું.
હવે થોડી શાંતિ જેવું છેઃ સ્થાનિક
પંકજભાઈ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે ઘટનાના બે દિવસ બાદ હવે થોડી શાંતિ જેવું છે પરંતુ થોડો ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ લાગી રહી છે. કિશનભાઈને કોઈની સાથે કોઈ દુશ્મની જેવું હતું નહીં અને તેઓ ખૂબ જ સારા વ્યક્તિ હતા.
