એક જ ક્ષણમાં જાહોજલાલીમાંથી ભાડાના મકાનમાં આવી ગયાં, દરવાજો ખોલ્યો ને પરિવારની લાશો અને લોહીના ખાબોચીયા ભરાયેલા હતા

By Abhishek Raghuvanshi
4 Min Read
  • ગોધરાકાંડમાં માંડ માંડ બચેલા સઇદખાન પઠાણ સાથે દિવ્યભાસ્કરની વાતચીત
  • ‘ટોળાઓના ડરથી પૂર્વ સાંસદ અહેસાન જાફરીના ઘરમાં છુપાયા હતા’
  • ‘ઘટનાને 20 વર્ષ થયા પણ આજેય મારા હિંદુ મિત્રની યાદ આવે છે’

અમદાવાદના ગુલબર્ગ સોસાયટીમાં એક સમયે જાહોજલાલી હતી. અહિયાં પૂર્વ સાંસદ સહિત રૂપિયાદાર લોકો રહેતા હતા. પોતાની શાખ અને સન્માનથી અહિયાં રહેતા લોકોના દૂર દૂર સુધી વખાણ થતા હતા.પણ 28 ફેબ્રુઆરી 2002ના રોજ કઇક એવું બન્યું કે, એક સમયે જ્યાં કિલ્લોલ થતા હતા ત્યાં આજે આગથી બળેલી દિવાલો છે. એ યાતનાની યાદોને આજ દિન સુધી સહન કરી રહેલા અને તે દિવસના રમખાણોમાં બચી ગયેલા લોકો પૈકી એક વ્યકિતએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીત કરી અને તેઓ કઇ રીતે એ દિવસે બચ્યા અને કઇ સ્થિતિમાં ક્યાંથી ક્યાં આવી ગયા તે અંગેની દાસ્તાન જણાવી છે.

‘હું તો બચી ગયો પણ ઘરના 10 લોકોના મોત થયાં’
આ વાત છે સઇદખાન પઠાણની, જે ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડના દિવસે ત્યાં જ હતા. તેઓ બચી ગયા પણ તેમના ઘરના 10 લોકોના મોત હિંસક હુમલામાં થયા હતા. આ હુમલામાં તેઓએ જણાવ્યું કે, બનાવના દિવસે સવારથી જ લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. મારુ ઘર પૂર્વ સાંસદ અહેસાન જાફરીના ઘરની બાજુનું જ હતું. અમે પરિવારના સભ્યો એક જ ઘરમાં રહેતા હતા. તે દિવસે સવારે 10 વાગે લોકોના ટોળા આવવા લાગ્યાં હતા. ધીમે ધીમે હિંસક ટોળુ સોસાયટીમાં ઘુસવા લાગ્યું હતું.

સઇદખાન પઠાણ ઘણા સમયથી ભાડાંના મકાનમાં રહે છે

‘ટોળાના ડરથી અમે બધા જાફરી સાહેબના ઘરે સંતાયા હતા’
ટોળાઓ લોકોની ચીચીયારીઓ વચ્ચે ઘરોમાં આગ લગાડવા લાગ્યા હતા. અમને એમ હતું કે, જાફરી સાહેબના ઘરે જઇશું તો બચી જઇશું. એટલે તેમના ઘરે બધા ભેગા થવા લાગ્યા હતા. પણ તે સમયે પાછળની તરફથી દિવાલ કુદીને ટોળું જાફરી સાહેબના ઘરમાં ઘુસ્યું. ત્યારે હું બાથરૂમમાં હતો. આ સમયે એક વ્યક્તિએ મને બાથરૂમમાં જોયો એમ કહીં બાથરૂમ પર તલવાર મારવા લાગ્યો હતો. તલવાર મને દેખાતી હતી પણ કોઇ વ્યક્તિ દેખાતો ન હતો. જેથી નજીકમાં એક પાઇપ હતી તે મેં તલવાર પર મારી તો તે વ્યક્તિ બુમો પાડતો પાડતો બહાર ભાગ્યો હતો.

‘પરિવારની લાશો ને લોહીના ખાબોચીયા ભરાયા હતા’
બાથરૂમમાંથી બહાર નીકળ્યા બાદ જોયું તો મારા પરિવારના લોકોની લાશો ત્યાં પડી હતી. તેમના લોહીના ખાબોચીયા ભરાયા હતા. થોડીવારમાં આગ લાગવા લાગી હતી. સાંજના 4 વાગવા આવ્યાં, ટોળા ઓછા થવાની જગ્યાએ વધારે બુમો પડવા લાગ્યાં હતા. ત્યારે પોલીસ અધિકારીઓ ત્યાં પહોચ્યા હતા. અમને પુછ્યું તમારે ક્યાં જવુ છે, અમને ત્યાંથી રેફ્યુજી કેમ્પમાં લઇ ગયા હતા.

- Advertisement -

’82 વર્ષે પણ મારા હિંદુ મિત્રને ભૂલી નથી શકતો’
આ યાદ આજે પણ ભૂલાવી ન શકનાર સઇદખાન 82 વર્ષે પણ તેના હિંદુ મિત્રને ભૂલી શક્યા નથી, સઇદખાન કહે છેકે, આ સોસાયટીમાં અમારા પરિવારની ખુબ શાખ હતી. આ વિસ્તારમાં હિંદુ ભાઇઓ સાથે અમારે ખુબ સારો સબંધ હતો. હું તેમના ત્યાં બેસતો અને તેમની તકલીફમાં સાથ આપતો હતો. મારા હિન્દુ મિત્રએ મને તે સમયે તીજોરી બનાવી દીધી હતી. જેમાં મારા દિકરાના લગ્ન આવતા હોવાથી દાગીના મુક્યા હતા. મારો મિત્ર કાયમ કહેતો કે, આ તીજોરીની યાદ તને કાયમ રહેશે, પણ આ તીજોરી તે દિવસે ટોળાએ તોડી નાખી અને આગ ચાંપી તેમાંથી દાગીના લઇ ગયા હતા.

‘મારો મિત્ર મારી સાથે નથી પણ તેની યાદ સાથે છે’
પણ મારા મિત્રની યાદ આજે પણ મારી સાથે છે. એ બળેલી તીજોરી હું પાછી લઇ આવ્યો છું તેને કલર કરાવ્યો છે. મારો મિત્ર તો આજે નથી પણ તેની યાદ મારી સાથે છે.સઇદખાને વધુમાં જણાવ્યું કે, હું જાહોજલાલી જીવતો હતો, મારા બાળકો મારી પત્ની માટે કઇ કરવા માંગતો હતો, પણ આજે ભાડાના મકાનમાં રહું છું અને જીવનના છેલ્લા દિવસો પસાર કરી રહ્યો છું.

Exit mobile version