એક્સક્લૂઝિવ:અમદાવાદમાં ભૂલથી પરીક્ષાના ખોટા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થિનીને પોલીસે પોતાની ગાડીમાં બેસાડી સાચા કેન્દ્ર પર પહોંચાડી

By Abhishek Raghuvanshi
3 Min Read
અમદાવાદમાં ભૂલથી પરીક્ષાના ખોટા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થિનીને પોલીસે પોતાની ગાડીમાં બેસાડી સાચા કેન્દ્ર પર પહોંચાડી|અમદાવાદ,Ahmedabad - Divya Bhaskar
  • વિદ્યાર્થીઓને પેપર આપવાની કામગીરી પૂર્ણ થવાના આરે હતી ત્યારે જ વિદ્યાર્થી પોતાના કેન્દ્ર પર પહોંચી હતી

ગુજરાત માધ્યમિક બોર્ડ તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજથી પરીક્ષા શરૂ થઇ ગઈ છે. પરીક્ષાર્થીઓ પોતાના ઘરેથી વાહન પર નીકળીને પરીક્ષા કેન્દ્ર પર જવા રવાના થાય અને રસ્તામાં તેમને ટ્રાફિક નડે કે તેમનું વાહન બગડી જાય અથવા તો ખોટા કેન્દ્ર પર પહોંચે તો તેમને પરીક્ષા કેન્દ્રએ નિયત સમયે પહોંચવામાં મુશ્કેલી પડે નહીં એ માટે પોલીસે રાજ્યમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય લીધો છે. અમદાવાદમાં પરીક્ષાના ખોટા કેન્દ્ર પર પહોંચેલી વિદ્યાર્થિનીને પોલીસે સાચા કેન્દ્ર પર પહોંચાડી એને પેપર આપવાથી વંચિત રહેતાં ઉગારી લીધી હતી.

વિદ્યાર્થિની જોધપુરની જગ્યાએ પ્રહલાદનગર કામેશ્વર સ્કૂલમાં પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય કોન્સ્ટેબલોની મદદથી એક વિદ્યાર્થિની પેપરથી વંચિત રહેતાં બચાવી લીધી છે. એક વિદ્યાર્થિની ધોરણ 10ની પરીક્ષા માટે પ્રહલાદનગર કોર્પોરેટ વિસ્તારમાં આવેલી કામેશ્વર વિદ્યાવિહાર શાળામાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી, જોકે હકીકતમાં આ વિદ્યાર્થિનીનો નંબર જોધપુર વિસ્તારની કામેશ્વર વિદ્યાલય બંને શાળાના નામ મળતાં હોવાથી વિદ્યાર્થીની ભૂલથી પ્રહલાદનગર શાળામાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી. જોકે પોલીસની મદદથી આ વિદ્યાર્થિની સમયસર તેના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી.

પરીક્ષા 10 વાગે શરૂ થવાની હતી અને સમય પણ ખૂબ ઓછો હતો
જ્યારે આનંદનગર પોલીસ સ્ટેશનના PI સહિત અન્ય કોન્સ્ટેબલ સુરક્ષા વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરવા કોર્પોરેટ રોડ પર આવેલી કામેશ્વર વિદ્યાવિહાર સ્કૂલમાં પહોંચ્યા ત્યારે તેમને ભૂલથી આ પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચેલી વિદ્યાર્થિની અંગે જાણ થઈ. પરીક્ષા 10 વાગે શરૂ થવાની હતી અને સમય પણ ખૂબ ઓછો હતો, જેથી આ વિદ્યાર્થિની પોતાની રીતે તેના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચે એની શક્યતાઓ સામે પડકાર હતો. જોકે આનંદનગર પોલીસ સ્ટેશનના PI સહિત અન્ય કોન્સ્ટેબલોએ પોલીસની ગાડીમાં આ વિદ્યાર્થીને બેસાડી જોધપુર કામેશ્વર સ્કૂલમાં તેનો નંબર હતો ત્યાં સમયસર પહોંચાડી હતી. જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપવાની કામગીરી પૂર્ણ થવાના આરે હતી.

અમદાવાદમાંથી પણ 1,73,142 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે
અમદાવાદમાંથી પણ 1,73,142 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ તમામ કેન્દ્રો પરીક્ષા માટે તૈયાર છે. 2 વર્ષ બાદ આજે પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવશે. કેન્દ્ર પર પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થી પોતાના સાથે કોઈ સાહિત્ય કે કાપલી લઈને આવ્યા હોય તો અંતિમ સમયે પણ એમાં મૂકી શકે. બીજી બાજુ વડોદરામાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ-નગારાંના તાલે આવકારવામાં આવ્યા હતા.

- Advertisement -
Exit mobile version