ગુજરાતની ડાયરા-ક્વીન ગીતા રબારી સુરતમાં પહેલી વખત નવરાત્રિમાં પોતાનું પર્ફોર્મન્સ આપી રહી છે. સુરતના વીઆઈપી રોડ વિસ્તાર પર આવેલા સીબી પટેલ ગ્રાઉન્ડ ઉપર ગીતા રબારીના ટહુકાથી ખેલૈયાઓ મંત્રમુગ્ધ થઈને ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા.
યુવતીઓ થનગનાટમાં જોવા મળ્યો
નવરાત્રિની શરૂઆતમાં જ સુરતી ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમા પર દેખાયો હતો. પરંપરાગત ચણિયાચોળી પહેરીને યુવતીઓ થનગનાટમાં જોવા મળી તો યુવકો પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ઉત્સાહભેર ગરબે ઝૂમ્યા હતા. નવરાત્રિની શરૂઆતમાં જ સુરતીઓએ પોતાનો મિજાજ બતાવ્યો હતો.
છેલ્લાં બે વર્ષની પણ કસર પૂરી કરવાનું મન બનાવ્યું
કોરોના સંક્રમણ નિયંત્રણ હોવાથી છેલ્લાં બે વર્ષથી એકસાથે મોટી સંખ્યામાં નવરાત્રિ રમી શક્યા ન હતા, પરંતુ જાણે આ વખતે સુરતીઓએ છેલ્લાં બે વર્ષની પણ કસર પૂરી કરવાનું મન બનાવ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે શરૂઆતના એક-બે દિવસમાં માહોલ થોડો શાંત જોવા મળતો હોય છે અને ઉત્સાહ પણ ઓછો હોય છે. આ વખતે તો શરૂઆતથી જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
નવરાત્રિનો ઉત્સાહ પહેલા દિવસથી જ બમણો
કચ્છની કોયલ તરીકે પ્રસિદ્ધ એવી ગીતા રબારી પોતાના અવાજથી સમગ્ર વિશ્વની અંદર છવાઈ ગઈ છે. ત્યારે સુરતમાં પહેલી વખત નવરાત્રિમાં પોતાનું પર્ફોર્મન્સ આપી રહી છે. અત્યારસુધીમાં નવરાત્રિમાં કોઈ સ્ટેજ પર્ફોર્મન્સ ગીતા રબારી દ્વારા આપવામાં આવ્યું નહોતું. આ વખતે પહેલીવાર સુરત શહેરમાં નવરાત્રિમાં સુરતીલાલાને પોતાના મધુર સ્વરથી મંત્રમુગ્ધ કરી રહી છે. એક તરફ નવરાત્રિના ઉત્સાહ અને બીજી તરફ ગીતા રબારીના તાલે ખેલૈયાઓ પણ દરેક ક્ષણને માણી રહ્યા છે.
