- વક્તૃત્વ સ્પર્ધામાં વિષય સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયો હતો
- કચેરીથી સૂચનાઓ આવે ત્યારે અમારે એનો માત્ર અમલ કરવાનો હોય : શાળા-સંચાલિકા
- જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાશેઃ હર્ષ સંઘવી
- આ મારા અધિકારક્ષેત્રમાં આવતું નથીઃ વલસાડ કલેક્ટર
વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય પર ગાંધીની નિંદા કરનાર તથા ગોડસેને હીરો તરીકે ચિતરનાર બાળકને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયો હતો. નોંધનીય છે કે ધોરણ-5થી ધોરણ 8ના 11થી 13 વર્ષનાં બાળકો માટે સ્થાનિક સરકારી કચેરી દ્વારા પસંદ કરાયેલા 3 પૈકી ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ પર વકતૃત્વ અપનારા બાળકને વિજેતા જાહેર કરાતાં અને સ્થાનિક સરકારી કચેરી દ્વારા આવો વિષય અપાતાં વિવાદ સર્જાયો છે. વિવાદ થતાં જ વલસાડ જિલ્લા રમત-ગમત અધિકારી મિતાબેન ગવલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સમગ્ર મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે તેવી ખાતરી આપી હતી.
વિવાદ અંગે વલસાડ કલેક્ટરે હાથ અધ્ધર કર્યા
વલસાડ કલેક્ટર ક્ષીપ્રા અગ્રેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ રમત-ગમત વિભાગના અંતર્ગત આવતી બાબત હોય રમત-ગમત વિભાગ આ સંદર્ભે પગલાં લેશે. આ મારા અધિકારક્ષેત્રમાં આવતું નથી. જે-તે વિભાગ આ અંગે કોલ લેશે. આ વિવાદમાં પગલાં લેવા અંગે ખાસ કંઇ ન કહીને જે-તે વિભાગ પર ઢોળીને હાથ અધ્ધર કરી લીધા છે.
વિષયને લઇને ભારે વિવાદ
બાળપ્રતિભા સ્પર્ધા અંતર્ગત યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયેલા વિષયને લઇને ભારે વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે સરકારી અધિકારીઓ દ્વારા પ્રાથમિક શાળાના 7થી 12 વર્ષનાં બાળકો માટે પણ વિષયોની પસંદગી સ્થાનિક સ્તરેથી કરાઈ હતી.
વિષયોની પસંદગી જે-તે કચેરી દ્વારા કરવામાં આવી : શાળા-સંચાલિકા
કુસુમ વિદ્યાલય શાળા-સંચાલિકા અર્ચનાબેન દેસાઈએ આ અંગે જણાવ્યું છે કે જિલ્લાની બાળ પ્રતિભા શોધ રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા વક્તૃત્વ સ્પર્ધા હતી, જેનું સમગ્ર આયોજન જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. માત્ર શાળાએ પોતાની પ્રિમાઇસિસ સ્પર્ધા કરવા માટે આપી હતી. સમગ્ર આયોજન સરકાર દ્વારા વલસાડની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે અને વિષયોની પસંદગી પણ સરકાર દ્વારા જે-તે કચેરી દ્વારા કરવામાં આવી છે, જેની શાળાને કોઇપણ પ્રકારે જાણ ન હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વક્તૃત્વ સ્પર્ધામાં મેં થોડી માહિતી મેળવી તો મારી જાણમાં આવ્યું છે કે 24 કલાક પહેલાં એટલે કે એક દિવસ પહેલાં જે-તે સ્પર્ધકોને વિષયની જાણ કરવામાં આવી હતી. બ વિભાગમાં મને તો આકાશમાં ઉડતું પક્ષી જ ગમે, વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં અને ત્રીજો વિષય હતો મારો આદર્શ નાથુરામ ગોડસે. આ ત્રણ વિષય હતા. આ વિષયની જાણકારી મેં હમણા લીધી છે. ઉપરની કચેરીથી સૂચનાઓ આવે તેનો અમારે માત્ર અમલ કરવાનો હોય છે અને સહયોગ આપવાનો હોય છે. આમા અમે નિર્ણાયક તરીકે કે નિર્ણય લઇને કંઇ જ પ્રસ્તૃત કર્યું નથી.
ગયા વર્ષે જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમાથી વિવાદ થયો હતો
ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવાને લઇને વિવાદ જાગ્યો હતો. જામનગરમાં હિન્દુ સેના દ્વારા હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમાને સ્થાપિત કરી હતી. જે અંગે શહેર કોંગ્રેસને જાણ થતાં શહેર પ્રમુખ અને કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને પ્રતિમાને તોડી પાડી હતી. હિન્દુ સેના દ્વારા સ્થાપિત કરવામા આવેલી ગોડસેની પ્રતિમા કૉંગ્રેસના નેતાઓ દ્વારા તોડી નખાતા હિન્દુ સેના દ્વારા કૉંગ્રેસના શહેર પ્રમુખ અને કોર્પોરેટર ધવલ નંદા સામે ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા હિન્દુ સેનાના પ્રમુખ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી હતી.
