હવે ભાજપમાં ભંગાણ:માતરના ચર્ચિત ધારાસભ્યે લીંબાસી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા, જો માગણી નહિ સંતોષાય તો આજે રાજીનામું આપશે

By Abhishek Raghuvanshi
4 Min Read
  • કેસરીસિંહના પિતાને જમીનમાં પાણી બાબતે 4 ઈસમો સાથે માથાકૂટ થઇ હતી
  • એક ઈસમ સામે જ પગલાં લીધાં હોવાથી નારાજ, એને પણ જામીન વગર છોડ્યો હોવાનો આક્ષેપ
  • DYSP સાથે વિવાદ અને ખેડા એસપી સામે માસ્કની કામગીરી બાબતે પણ વિવાદમાં રહેલા છે

માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના પિતા જેસંગસિંહને જમીનમાં પાણી બાબતે ગત 8મી ફેબ્રુઆરીના રોજ 4 ઈસમો સાથે માથાકુટ થઇ હતી. જેમાં એક ઈસમે કેસરીસિંહના પિતાને પાવડો મારતા ઇજાગ્રસ્ત થયેલા કેસરીસિંહ સોલંકીના પિતાને સાત દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા માત્ર એક જ વ્યક્તિ સામે પગલાં લેવામાં આવ્યા હતા, જે અંગે કેસરીસિંહે વાંધો ઉઠાવ્યો હતો. ઉપરાંત એ વ્યક્તિને જામીન આપ્યા વગર છોડી દીધો હોવાના આક્ષેપો સાથે ધારાસભ્યએ જો યોગ્ય કામગીરી નહિ થાય તો રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતમાં શાસક પક્ષના ધારાસભ્યો હોવા છતાં પણ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો સાથે કેસરીસિંહ સોલંકી રોષે ભરાયા હતા. ગૃહરાજ્ય મંત્રી, મુખ્ય દંડક પંકજ દેસાઈ અને કેન્દ્રિયમંત્રી દેવુસિંહ ચૌહાણને રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા ધારાસભ્ય વધુ નારાજ થયા હતા. લીંબાસી પોલીસ ખેડા એસપી ઉપર દબાણ કરવાનો સ્ટંટ કે ખરેખર ધારાસભ્ય રાજીનામું આપશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળમાં જોવા મળી રહી છે.

હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે કેસરીસિંહ

હંમેશા વિવાદોથી ઘેરાયેલા આ કેસરીસિંહ અગાઉ શિવરાજપુર રિસોર્ટમાં જુગાર રમવાના વિવાદમાં પણ સપડાયા હતા. કેસરીસિંહ સોલંકી અગાઉ રાજ્યસભામાં ભરતસિંહ સોલંકીને મત આપવા, DYSP સાથે વિવાદ અને ખેડા એસપી સામે માસ્કની કામગીરી મામલે પ્રકાશમાં આવી ચુક્યા છે.

- Advertisement -

કોન્સ્ટેબલો ખુલ્લેઆમ દારૂના ધંધા કરાવતા હોવાના આક્ષેપો

આ અંગે માતરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે “એસપી, પીઆઈ, કોન્સ્ટેબલ સાથે મળીને તહોમતદારોને છાવરવાનું કામ કરી રહ્યા છે. 15 દિવસ થયાં છતાં પણ એક પણ તહોમતદારને તેમણે પકડ્યો નથી અને કાલે બપોરે મેં પોતે ફોન કરીને કહ્યું કે આ જગ્યા પર એક તહોમતદાર બેઠો છે, તમે એને પકડો. તો પોલીસ એને પકડીને તો લાવી પણ મીલી ભગતના કારણે વગર કોઈ જામીને તેને છોડી દેવામાં આવ્યો હતો. હું આવતીકાલે મારા જિલ્લાના પ્રમુખ મુખ્ય દંડક પંકજ દેસાઈ, વિપુલ પટેલને આ બાબતને લઈને મળવાનો છું. તેમજ વહેલી તકે આ ત્રણેય અધિકારીઓની તાત્કાલિક અસરે બદલી કરવી જોઈએ. મારા નજીકના ગામોની અંદર પણ ખુલ્લેઆમ એસપીના કહેવાથી, પીએસઆઈની છૂટના કારણે આ કોન્સ્ટેબલો ખુલ્લેઆમ દારૂના ધંધા કરાવી રહ્યા છે.”

માત્ર સ્ટંટ કે ખરેખર રાજીનામું આપશે તેવી ચર્ચાઓ

જો માંગણી ન સંતોષાઈ તો આજે રાજીનામું આપીશ – કેસરીસિંહ

તેમની માંગણી જો ન સંતોષાઈ તો એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે “જો મારી માંગણી નહિ સંતોષાઈ તો હું આવતીકાલે એટલે કે આજે ગુરૂવારે રાજીનામું આપવાનો છું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “નડિયાદમાં હાલમાં એસપી તરીકે ચાર્જમાં અર્પિતાબેન પટેલ, લીંબાસી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ, અને કોન્સ્ટેબલ વિપુલભાઈ એ ત્રણેય જણા કે જે ખુલ્લેઆમ ભલાડા ગામની અંદર નજીકના દિવસોની અંદર 45 પેટી દારૂ પકડાઈ, 35 પેટી દારૂ પકડાઈ હોવા છતાં પણ આ એસપીએ એમની મીલીભગતના કારણે એક પણ એક્શન લીધું નથી. ખુલ્લેઆમ આ હપ્તાઓ લઈ નડિયાદ લગી હપ્તાઓ પહોંચાડે છે અને બધા જ મળેલા છે. ત્યારે આ કેસની અંદર પણ તમે જુઓ તો જામીન મળ્યા નથી. તો પણ મેં રૂબરૂ જઈ કહ્યું હતું કે આ તહોમતદારને જામીન મળ્યા હોય તો મને એની કોપી આપો. પણ એસપીએ પીએસઆઈને કહી દીધું કે તમારે કોઈનું સાંભળવાનું નહિ હું કહું એટલું કરવાનું છે. એટલે આની અંદર પણ એમણે મોટા પાયે પૈસા લીધા હોય એવું મારું માનવું છે.”

Exit mobile version