હળવદની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ પર ત્રાસ:શિક્ષિકાઓ ઘરકામ કરાવતી અને ના પાડે તો ધમકાવતી, કંટાળીને હોસ્ટેલ છોડી ગયેલી 17 વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ

By Abhishek Raghuvanshi
2 Min Read
https://timenews.today/img/2022/09/My-Video14.mp4

હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓ દ્વારા અહીં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પાસે ઘરકામ કરાવવાની સાથે પોતાનાં બાળકો સાચવવાની વેઠ કરાવવામાં આવતી હોવાથી 17 બાળકી હોસ્ટેલ છોડી ચાલી ગઈ હોવાનીની ઘટના સામે આવી છે. જોકે એ બાદ પણ ઇન્ચાર્જ અધિકારી અને બે શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને દમદાટી મારી ત્રાસ ગુજારતાં હોસ્ટેલ છોડી ગયેલી 17 વિદ્યાર્થીનીની તબિયત બગડતા હળવદ સારવારમાં ખસેડવામાં આવી છે.

17 વિદ્યાર્થિનીઓની તબિયત બગડી.

17 જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ છોડીને ચાલી ગઈ
અત્યંત ગંભીર કહી શકાય એવી આ બાબત અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મેરુપર ગામે કેન્દ્ર સરકારની યોજના અન્વયે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને હોસ્ટેલ કાર્યરત છે, જેમાં આજુબાજુનાં ગામની 50 જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહી ભણે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અહી ધોરણ 8માં ભણતી બાળકીઓને વિદ્યાલયની કેટલીક શિક્ષિકાઓ દ્વારા પોતાનાં બાળકો સાચવવા અને ઘરના કામ કરવાની વેઠ આ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવાની સાથે ફૂટપટ્ટીથી મારઝૂડ કરવામાં આવતી હોવાથી હોસ્ટેલની ધોરણ 8માં ભણતી 17 જેટલી વિદ્યાર્થીનીઓ ગઈકાલે હોસ્ટેલ છોડીને નીકળી જતાં ત્રાસ ગુજારનારી શિક્ષિકાઓના પગ તળે રેલો આવ્યો હતો.

તમામ વિદ્યાર્થિનીઓ ડિપ્રેશનમાં આવી ગઈ.

અધિકારીઓએ પણ વિદ્યાર્થિનીઓ પર દમદાટી મારી
આ સમગ્ર બનાવ અંગેની જાણ પર ઇન્ચાર્જ અધિકારીને કરાતાં તેઓ દોડી આવ્યા હતા. જોકે આ અધિકારીએ પણ ત્રાસ ગુજારનારી શિક્ષિકાઓનો પક્ષ લઈ હોસ્ટેલ છોડી જનારી દીકરીઓને દમદાટી મારતાં આ દીકરીઓની તબિયત લથળી હતી અને હાલ આ તમામ દીકરીઓ ડિપ્રેશનમાં આવી જતાં સારવાર માટે હળવદ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

વોર્ડન અને હેડ ટીચર અમૃતાબેન સોલંકી.

વોર્ડનને પણ પરેશાન કરવામાં આવે છે
સમગ્ર બનાવ મામલે કસ્તુરબા ગાંધી વિદ્યાલય મેરુપરના વોર્ડન અને હેડ ટીચર અમૃતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં દીકરીઓને ખૂબ સારી રીતે રાખવામાં આવે છે, પરંતુ બે ટીચરો આ દીકરીઓને ત્રાસ આપતા હોવાથી આ ઘટના બની છે. હોસ્ટેલ છોડવા મામલે ઉપરી અધિકારીએ દીકરીઓને ટોર્ચર કર્યા હોવાથી આ 17 દીકરીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે વોર્ડન તરીકે તેઓ કરાર આધારિત નોકરી કરતા હોય તેમને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -
Exit mobile version