- સોખડા મંદિરથી 5 બસમાં બેસીને સંતો વડોદરા કોર્ટ જવા રવાના
વડોદરામાં હરિધામ સોખડા સંપત્તિ અને ગાદીનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી ગયો છે. સોખડા મંદિરના સંતો તેમનો સામાન લઇને મંદિરની બહાર નીકળી ગયા છે અને તેઓએ આખરે હરિધામ સોખડા છોડી દીધુ છે. કોર્ટ પર પહોંચેલા સોખડાના હરિભક્તે જણાવ્યું હતું કે, સંતો સુરત તરફ જશે અને સાધ્વી બહેનો અમદાવાદ તરફ જશે. આ ખુબ દુઃખદ ઘટના છે. કારણ કે, જે સંતોએ પોતાનું ઘર છોડીને હરિધામને પોતાનું ઘર બનાવ્યું હતું. એવા ઘણા સંતો છે, જેના બ્રિટીશ પાસપોર્ટ છે. જે સંતોની અંદર ત્યાર અને બલિદાનની ભાવના હોવી જોઇએ. પરંતુ અત્યારે સત્તા અને મહાત્વાકાંક્ષા એ કક્ષા વધી ગઇ છે. જેના કારણે સંતોને આજે બીજે જવુ પડ્યું છે.
સંતોની સુરક્ષાની જવાબદારી તેમના હરિભક્તોએ જ ઉપાડી
વડોદરામાં સોખડામાં સંતોને કોર્ટમાં હાજર કરવામાં આવી રહ્યા છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે, સંતોની સુરક્ષાની જવાબદારી તેમના હરિભક્તોએ જ ઉપાડી લીધી છે અને પોલીસે એક બાજુ છે પોલીસે સૂચના આપી છે કે, તમે શાંતિપૂર્વક સંતોને સંભાળી લો અમે તમારી સાથે સુરક્ષામાં છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિધામ સોખડામાં પણ જ્યારે કોઈ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે સુરક્ષાની જવાબદારી હરિભક્તો જ પડતા હોય છે, ત્યારે આ મામલે પણ હરિભક્તોએ જ સુરક્ષાની જવાબદારી લીધી છે.
સંતોઓને લઈને પાંચ બસ વડોદરા કોર્ટમાં પહોંચશે
બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સંતોને લઇને પોલીસ ફાકલો વડોદરા કોર્ટ તરફ જવા માટે નીકળી ગયો છે. સંતો અને સાધ્વીઓને વડોદરાની કોર્ટમાં લઈ જવા માટે સોખડા મંદિરથી વડોદરા કોર્ટમાં લાવવા માટે વડોદરા જિલ્લા એસપીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બસમાં કયા કયા સંતો અને સાધ્વી બેસે તેની યાદી પણ એસ.પીને સોંપવામાં આવી છે. થોડીવારમાં જ આ સંતોઓને લઈને પાંચ બસ વડોદરા કોર્ટમાં પહોંચી જશે
વડોદરા કોર્ટમાં પાર્કિંગ ફુલ થઇ ગયું
વડોદરા કોર્ટમાં સાધુઓને લાવવામાં આવે તે પહેલાં જ મોટી સંખ્યામાં હરિભક્તો આવી પહોંચ્યા છે, જેથી આખા કોર્ટ સંકુલના તમામ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ ફૂલ થઇ ગયું છે. વડોદરા કોર્ટમાં નો-પાર્કિંગ ઝોન પણ ફુલ થઇ ગયો છે. કોર્ટના મુખ્ય દ્વાર સુધી વાહનો પાર્કિંગ કરવામાં આવ્યા છે. વડોદરામાં નવી કોર્ટ બન્યા બાદ આ ઐતિહાસિક દિવસ હશે કે, જ્યારે કોઈ હાઇપ્રોફાઇલ કેસમાં બપોર સુધીમાં જ આખું પાર્કિંગ ફૂલ થઇ ગયું હશે.
હાઇકોર્ટ સમક્ષ આજે ત્રણ સાધુ હાજર થશે
ઉલ્લખનીય છે કે વડોદરાના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે હાઇકોર્ટ સમક્ષ આજે ત્રણ સાધુ હાજર થશે. સોખડા મંદિર ટ્રસ્ટના પ્રેસિડન્ટ અને ગુરુસ્વામી શ્રીહરિપ્રસાદજીનું નિધન તથા મંદિરના વહીવટી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એ બાદ હાલ સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, સેક્રેટરી જે.એન. દવે, ત્યાગવલ્લભદાસજી દ્વારા ગેરકાયદે રીતે બળજબરીપૂર્વક 400 જેટલા સાધુઓ અને 130થી જેટલી સાધ્વીઓને બંધક બનાવતાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી.
વડોદરા રૂરલના પોલીસવડા બંધક બનાવેલા તમામ હરિભક્તોને મુક્ત કરાવે
સ્વર્ગસ્થ સ્વામી હરિપ્રસાદજીના પર્સનલ સેક્રેટરી દ્વારા આ હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી, જેમાં રજૂઆત કરાઈ હતી કે ‘ગેરકાયદે રીતે અને બળજબરીપૂર્વક સાધુ- સાધ્વીઓને ગોંધી રાખવામાં આવ્યાં છે. તેમને બહાર નીકળવાની પરવાનગી નથી આપવામાં આવી’. એ મામલે હાઇકોર્ટે સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી, સેક્રેટરી જે.એન. દવે, ત્યાગવલ્લભદાસજીને નોટિસ પાઠવી વડોદરા જિલ્લા કોર્ટમાંથી વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે હુકમ કર્યો હતો. એ સંદર્ભે આજે બપોરે આ ત્રણ સાધુ કોર્ટ સમક્ષ હાજર થશે. ગઈકાલે સુનાવણી દરમિયાન કોર્ટે આ મામલે મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો હતો કે વડોદરા રૂરલના પોલીસવડા બંધક બનાવેલા તમામ હરિભક્તોને મુક્ત કરાવે. એ માટે માટેની બસ ટ્રાન્સપોર્ટ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે.
230 સંતો, બહેનો અને સેવકો હરિધામ મંદિરમાંથી વિદાય લેશે
હરિધામ-સોખડા મંદિર ગાદી વિવાદમાં પ્રબોધસ્વામી અને તેમના જૂથનાં 230 સંતો, બહેનો અને સેવકો આજે હરિધામ મંદિરમાંથી વિદાય લેશે. પ્રબોધસ્વામી અને તેમના 60 સંત સુરતના ભરથાણાના આત્મીયધામમાં રહેવા જવાના હતા, પરંતુ પ્રેમસ્વરૂપ જૂથ દ્વારા પ્રબોધસ્વામીને ચેતવણી આપી છે કે જો તેઓ ભરથાણાના આત્મીયધામમાં રહેવા જશે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે પ્રબોધસ્વામી જૂથના 60 સંત, 68 સાધક બહેનોઅને 102 સાધક હરિધામ મંદિર છોડશે.
મંદિરની બહાર બેસીને રામધૂન બોલાવી
બીજી તરફ, પ્રબોધ સ્વામી જૂથના ભક્તો પાંચેક લક્ઝરી અને ગાડીઓમાં સવાર થઈને બુધવારના રોજ હરિધામ મંદિરમાં પહોચ્યા હતા. મંદિરમાં ભક્તોને પ્રવેશ પર પાબંદીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. પ્રબોધસ્વામી જૂથના 100 જેટલા ભક્તોને પ્રવેશ ન મળતાં મંદિરની બહાર બેસીને રામધૂન બોલાવી હતી. આ ઉપરાંત પ્રેમસ્વરૂપ જૂથ દ્વારા મંદિર છોડવું હોય તો કાયદેસરની કાર્યવાહી પૂરી કરીને જ જવા દઈશું, એવી ગર્ભિત ધમકી પણ આપવામાં આવી છે, જે અંગેનાં પોસ્ટરો મંદિરમાં મંગળવારથી લગાવી દેવામાં આવ્યાં છે.
પ્રેમસ્વરૂપ-ત્યાગવલ્લભ જૂથ દ્વારા બંધબારણે મીટિંગ યોજી
બુધવારના રોજ સવારથી જ મુંબઈથી આવેલા બે વકીલ સાથે પ્રેમસ્વરૂપ-ત્યાગવલ્લભ જૂથ દ્વારા બંધબારણે મીટિંગ યોજવામાં આવી હતી. એમાં પ્રબોધસ્વામી જૂથ દ્વારા જો મંદિર છોડવામાં આવે તો તેમને કઈ શરતોનું પાલન કરવું પડશે એ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું મંદિરનાં સૂત્રોએ જણાવ્યું હતું. બુધવારની રાતના 9 વાગ્યા સુધી પ્રબોધસ્વામી કે તેમના જૂથના સંતોને પ્રેમસ્વરૂપસ્વામી તરફથી કોઈ બોન્ડ કે શરતો અંગેનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો ન હતો. જ્યારે ગુરુવારે સવારે પ્રેમસ્વરૂપ જૂથ પોતાની શરતો મૂકે એવું અનુમાન છે.
પ્રબોધસ્વામી બોન્ડ પર સહી નહીં કરે તો હોબાળો થવાની સંભાવના
પ્રબોધસ્વામી જૂથના સંતોએ જણાવ્યું હતું કે હરિપ્રસાદસ્વામીએ અમને દીક્ષા આપી ત્યારે અમારી પાસે કોઈ બોન્ડ નથી લખાવ્યો. જ્યારે અમારા સંતો પાછળ પિતા તરીકે હરિપ્રસાદસ્વામીનું નામ લખાય છે. ત્યારે પ્રબોધસ્વામી કોઈ બોન્ડ પર સહી કરવાના મૂડમાં નથી. તો બીજી તરફ પ્રેમસ્વરૂપ જૂથ દ્વારા જ્યાં સુધી બોન્ડ પર સાઈન નહિ કરે ત્યાં સુધી પ્રબોધસ્વામી જૂથને મંદિરની બહાર જવા દેવાના મૂડમાં નથી. એવામાં ગુરુવારે ચોકકસ મંદિરમાં હોબાળો થવાની સંભાવના છે.
સોશિયલ મીડિયામાં પણ પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામી જૂથના ભક્તો સામસામે
પ્રબોધસ્વામીનાં સંતો-બહેનોને મંદિરમાંથી કાઢવાના નિર્ણય અંગે સોશિયલ મીડિયામાં પણ પ્રબોધસ્વામી-પ્રેમસ્વામી જૂથના ભક્તો સામસામે આવી ગયા છે. એમાં ‘હું પ્રબોધસ્વામી સંતો, ભક્તો અને બહેનો સાથે છું,’ એ લખવાની હોડ શરૂ થઈ છે. ઉપરાંત હરિપ્રસાદસ્વામીજીએ વર્ષ 1979માં હરિધામ સ્ટાફને એલર્ટ કર્યા હતા કે ત્યાગવલ્લભથી બચીને રહેજો,’ એવી પોસ્ટ પણ મૂકવામાં આવી છે.
