સ્કૂલ-સંચાલકની દાદાગીરી:અમદાવાદની ઉદગમ સ્કૂલમાં સ્કૂલ-બસ મામલે રજૂઆત કરવા જતાં વાલીઓને અટકાવવા બાઉન્સરો ગોઠવ્યા, પોલીસ પહોંચ્યા બાદ પ્રવેશ આપ્યો

By Abhishek Raghuvanshi
6 Min Read
  • ગઈકાલે ગરમીમાં બાળકોને દોઢ કલાક બેસાડી રાખતાં વાલીઓ વીફર્યા
  • રજૂઆત કરવા વાલીઓ ઉદગમ સ્કૂલ પહોંચ્યા હતા

અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલમાં ગઈકાલે(4 એપ્રિલ) યોગ્ય મેનેજમેન્ટના અભાવે મોર્નિંગ શિફ્ટના વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા બાદ ગરમીમાં દોઢ કલાક જેટલું બેસાડી રાખતાં વાલીઓ વીફર્યા હતા. બે શિફ્ટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટે એક જ બસ રાખતાં બાળકોને પહેલી બસની રાહ જોવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ત્યાર બાદ આજે અચાનક જ વિદ્યાર્થીઓને રજા આપી દેતાં વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા, પરંતુ સ્કૂલે 10 જેટલા બાઉન્સરો ગોઠવીને પ્રવેશ આપ્યો નહોતો. ત્યાર બાદ પોલીસ દોડી આવી હતી. પોલીસ પહોંચ્યા બાદ વાલીઓને પ્રવેશ આપ્યો હતો.

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી
ઉદગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યાં છે. જ્યારે ધોરણ 6થી 11ના વિદ્યાર્થીઓને આજે રજા આપી દેવામાં આવી છે તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓને સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ કરાયો છે.

સ્કૂલે ધમકી આપી મીડિયા સમક્ષ બોલશો તે LC નહીં આપીએ
ઉદગમ સ્કૂલમાં સવારથી વાલી અને સ્કૂલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે સ્કૂલ દ્વારા સવારથી જ વાલીઓને પ્રવેશ આપવામાં આવ્યો નહતો.જે બાદ સ્કૂલ મનમાની મીડિયાએ બતાવી હતી જેમાં વાલીઓ સ્કૂલ અંગે નિવેદન પણ આપ્યા હતા જે બાદ વાલીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અચાનક જ વાલીનું વર્તન બદલાઈ ગયું હતું અને સ્કૂલની જગ્યાએ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા હતા. જોકે આ અંગે એક વાલીએ જણાવ્યું હતું કે સ્કૂલના સંચાલક દ્વારા તેમને ધમકી આપવામાં આવી છે કે વાલી મીડિયા સમક્ષ બોલશે તેમના બાળકોને LC આપવામાં આવશે નહીં.જેથી બાળકો હેરાન ના થાય તે માટે વાલીઓએ સ્કૂલના શરણે થઈ ગયા હતા..

ગેટ પાસે રોકવામાં આવેલા વાલીઓ.

સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કર્યા, બાઉન્સરો ગોઠવ્યા
ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતાં સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ના કરી શકે. આ મામલે વાલીઓ રજૂઆત કરવા આવતાં તેમને રોકવા 10 કરતાં વધુ બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે.

- Advertisement -
પોલીસ આવી ત્યારે વાલીઓને સ્કૂલમાં પ્રવેશ આપ્યો.

આકસ્મિક સ્કૂલ બંધ કરવા DEOની મંજૂરી લીધી નહોતી
આ અંગે અમદાવાદ શહેર DEOએ કહ્યું હતું કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વમંજૂરી લેવાની રહે છે, આવી કોઈ સંચાલકો દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નથી.

સ્કૂલ બંધ કરવાની પરવાનગી મળી નહોતીઃ સ્કૂલ-સંચાલક
આ અંગે સ્કૂલ-સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે વાલીઓએ સ્કૂલ વહેલી ચાલુ કરવા માટે કહ્યું છે. ધોરણ 6થી 8ના વર્ગો કાલથી શરૂ કરીશું. અન્ય વર્ગ તબક્કાવાર શરૂ કરીશું. ગઈકાલે બસ મામલે સમસ્યા થતાં વિદ્યાર્થીઓને એક બાદ એક છોડવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટેશનમાં મોડું થયું હતું. સ્કૂલ-બસનો કેટલાકને અનુભવ નથી, એટલે ડ્રાઈવર અને અન્ય સમસ્યાઓ થઈ હતી. હાલ સ્કૂલ બંધ કરી હતી. અમને સ્કૂલ બંધ કરવાની સાંજે પરવાનગી આપી શકાય ન હતી.

ગઈકાલે બાળકોને અડધો કલાક વહેલા છોડી દીધા હતા
થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલમાં યોગ્ય મેનેજમેન્ટના અભાવે મોર્નિંગ શિફ્ટના વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા બાદ ગરમીમાં દોઢ કલાક જેટલું બેસાડી રાખતાં વાલીઓ વીફર્યા છે. બે શિફ્ટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટે એક જ બસ રાખતાં બાળકોને પહેલી બસની રાહ જોવા માટે મજબૂર બનવું પડ્યું હતું.

એટલું જ નહીં, બીજી શિફ્ટનાં બાળકો માટે ક્લાસ ખાલી કરવાના ચક્કરમાં બાળકોને અડધો કલાક વહેલા છોડી દેવાતાં તેમને લેવા માટે આવેલા વાલીઓએ તેમને શોધવા નીકળવું પડ્યું હતું. વાલીઓની ફરિયાદ હતી કે જો સ્કૂલ બે શિફ્ટ મેનેજ ન કરી શકાતી હોય તો તેણે ન કરવી જોઇતી હતી. બીજી શિફ્ટને લીધે મોર્નિંગ શિફ્ટના વિદ્યાર્થીઓને ભોગવવાનું આવ્યું છે. વાલીઓએ ડીઇઓ અને પોલીસ સુધી ફરિયાદો કરવાનાં સૂચનો કર્યાં હતાં. એક વાલીએ જણાવ્યું હતું કે મારું બાળક એક વાગ્યાને બદલે છેક બપોરે 2.30 વાગ્યે ઘરે આવતાં હેરાન થવાનો વારો આવ્યો હતો.

40 ડીગ્રી ગરમી વચ્ચે બસ મોડી પહોંચતાં બાળકો રડ્યાં, ઊલટી કરી
40 ડીગ્રી ગરમીમાં બાળકો બહાર ઊભાં હતાં અને 45 મિનિટ બાદ બસ આવી ત્યારે કેટલાંક બાળકો મળ્યાં ન હતાં તો કેટલાંક બાળકો રડવા લાગ્યાં, જ્યારે કેટલાંકને ઊલટી પણ થઈ હતી. આ તમામ અવ્યવસ્થાને કારણે બાળકોની બસ પણ સમયસર ઊપડી શકી ન હતી. વિદ્યાર્થીઓને 2 વાગ્યા સુધી તો બસમાં બેસાડવામાં અને એને ઉપાડવામાં સમય થયો હતો. બાળકો સમયસર ઘરે ના પહોંચતાં કેટલાક વાલીઓ ચિંતામાં સ્કૂલે આવી ગયા હતા અને બાળકોને ઘરે લઇ ગયા હતા. સ્કૂલ દ્વારા 2 શિફ્ટમાં બાળકોને બોલાવવામાં આવે છે અને ફી પણ એડવાન્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ પૂરી સગવડ આપવામાં આવતી નથી, જેને કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

વાલીઓએ સંતાનને શોધવા નીકળવું પડ્યું હતું
સૌથી આશ્ચર્યજનક વાત એ છે બીજી શિફ્ટનાં બાળકો આવવાનાં હોવાથી પહેલી શિફ્ટનાં બાળકોને 11.30 વાગ્યે જ ક્લાસ ખાલી કરી દેવા જણાવાયું હતું, જેથી બીજી શિફ્ટ 12 વાગ્યે શરૂ થઇ શકે. બાળકોને ભરગરમીમાં સ્કેટિંગ રિન્ક, કેન્ટીનના ફ્લોર પર અને બસમાં બેસી રહેવું પડ્યું હતું. મિસમેનેજમેન્ટને પગલે બાળકોને લેવા માટે આવેલા વાલીઓને તેમને શોધવા જવું પડ્યું હતું, જેને લીધે ફ્રન્ટ ઓફિસ પાસે બૂમાબૂમની સ્થિતિ જોવા મળી હતી.

અગાઉ બે શિફ્ટનો વિરોધ થયો હતો
ઉદગમે વધુ પૈસાની લાલચે જ્યારે બે શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે વાલીઓએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. એ સમયે વાલીઓને ચિંતા હતી કે બે શિફ્ટને લીધે બાળકોના અભ્યાસ પર અસર થશે. જોકે મેનેજમેન્ટે કોઇનું માન્યું નહોતું. બે શિફ્ટ શરૂ થતાં અરાજકતા ફેલાઇ હતી. બાળકોને ગરમીમાં દોઢ કલાક સુધી બસની રાહ જોવી પડી હતી.

Exit mobile version