સાહેબ મિટિંગમાં છે:અમદાવાદમાં AMCના અધિકારીઓની જિંદગી ‘મેટિની શો’; પબ્લિક સીધા સમસ્યાનો ઉકેલ માગે છે, સત્તાધીશો ઢોલ વગાડે ને હાઇકોર્ટ પસ્તાળ પાડે છે

By Abhishek Raghuvanshi
10 Min Read

અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓની અત્યારે બરાબરની માઠી બેઠી છે. એક બાજુ, વરસાદે આખા શહેરમાં ધોઈ નાખેલા રોડ, ભૂવા-ખાડાનું કમઠાણ ચાલે છે. તો બીજી બાજુ, રખડતાં ઢોર મુદ્દે હાઈકોર્ટ બરાબરની પસ્તાળ પાડી રહી છે અને માલધારીઓ ગાંઠતા નથી. ઢોલ જેવા બની ગયેલા AMCના અધિકારીઓને એક બાજુથી શાસક પાંખ વગાડે છે તો બીજી બાજુ પબ્લિક પણ કોઈ કસર છોડતી નથી. અધૂરામાં પૂરું, AMCએ તેના અધિકારીઓના મોબાઈલ નંબર જાહેર કરી દીધા છે, જેથી પબ્લિક તેમની સમસ્યા માટે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે. આ વાતનો જ બળાપો ઠાલવતા AMCના એક વરિષ્ઠ અધિકારી હાલમાં મળ્યા તો બોલી ઊઠ્યા, “અમારી જિંદગી તો અત્યારે મેટિની શો જેવી થઈ ગઈ છે. વહેલી સવારથી પાણી, ગટરનો કકળાટ શરૂ થઈ જાય છે અને બપોર સુધી તો ફરિયાદ નિવારણમાં જ સમય જતો રહે છે.”

GTUના કાર્યક્રમમાં CM જતા નથી, ખરેખર સાચું શું ?
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં (GTU) 15મી સપ્ટેમ્બરે 36મી નેશનલ ગેમ્સને લગતો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ આમંત્રિત હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ નર્મદાનાં વધામણાં કરવા ગયા ને હાજર રહી શક્યા નહીં. આવું ચોથીવાર બન્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ GTUના કાર્યક્રમમાં ના આવ્યા. આ કારણે નવીન શેઠની મુખ્યમંત્રી સાથે સ્ટેજ પર બેસવાની ઈચ્છા મનમાં જ રહી ગઈ. અગાઉ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન સ્પર્ધાના કાર્યક્રમમાં તો PM નરેન્દ્ર મોદી ડિજિટલી ઉપસ્થિત હતા. પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રીએ હાજર રહેવાનું હોય, પણ તેઓ હાજર રહી શક્યા નહોતા. હવે GTUમાં ચર્ચા એવી છે કે ભૂપેન્દ્રભાઈ સાટું વાળી રહ્યા છે, કારણ કે તેઓ જ્યારે ફક્ત ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, એક કાર્યક્રમમાં GTUમાં ગયા હતા. એ વખતે નવીન શેઠે પોતાની જ યુનિવર્સિટીના કાર્યક્રમને છોડી બીજે અન્ય કાર્યક્રમમાં ગયા હતા.

કમલમમાં ભાજપ જોડો ને મુખ્યમંત્રી નિવાસસ્થાને સમાજ જોડો અભિયાન
અત્યારે ભાજપના હેડક્વાર્ટર કમલમ અને મુખ્યમંત્રી નિવાસસ્થાને એક કોમન વસ્તુ છેલ્લા 20 દિવસથી જોવા મળી રહી છે. આ બંને જગ્યાએ એક મંડપ બાંધવામાં આવ્યો છે. દિવસ હોય કે રાત, આ મંડપને કોઈ અડતું નથી અને એ બંધાયેલો જ રહે છે. વાત જાણે એમ છે કે મુખ્યમંત્રી પોતાના નિવાસે બંધાયેલા મંડપમાં અવારનવાર અનેક સમાજના લોકો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજે છે. તો બીજી તરફ કમલમ ખાતે પણ બગીચાના ભાગે બંધાયેલા રહેતા મંડપમાં ભાજપના ભરતી સમારોહ યોજાય છે. અન્ય રાજકીય પક્ષમાંથી વંડી ઠેકીને ભાજપમાં જોડાતા નેતાઓ અને કાર્યકરોનું અહીં સ્વાગત કરવામાં આવે છે. આમ, કમલમ ખાતે ભાજપ જોડો અભિયાન અને મુખ્યમંત્રી નિવાસસ્થાને સમાજ જોડો અભિયાન ચલાવાઈ રહ્યું છે.

PMના જન્મદિને કર્મચારીઓએ વિરોધ તો કર્યો જ!
ગુજરાતની પ્રજા તો બિચારી શાંત બેઠી છે, પણ છેલ્લા અનેક દિવસોથી સરકારી કર્મચારીઓનાં આંદોલનો ચાલુ ને ચાલુ જ છે. આ તમામ આંદોલનો ચૂંટણી ટાણે સરકાર માટે માથાના દુખાવા સમાન બની ગયા છે, એટલે જ તો સરકારે પાંચ મંત્રીની એક કમિટીની તાબડતોબ નિમણૂક કરી, જેનો ટાસ્ક હતો પ્રધાનમંત્રીના જન્મદિવસ અગાઉ બધાં આંદોલનો સમેટી લેવા. આવું તો થયું નહીં, ઊલટાનું વર્ગ-3ના સરકારી કર્મચારીઓએ PMના જન્મદિને જૂની પેન્શન સ્કીમ બાબતે એક મોટી રેલી ગાંધીનગર જૂના સચિવાલય ખાતે કાઢી હતી. આ રેલીમાં સંગઠનના હોદ્દેદારોએ કર્મચારીઓ સાથે સરકારે છેતરપિંડી કરી હોવાના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આમ, સરકારનું આયોજન તો ઠીક, પાંચ મંત્રીની કમિટી પણ નિષ્ફળ સાબિત થઈ.

- Advertisement -

બદલીઓમાં ‘તારીખ પે તારીખ’ પડતાં IAS-IPS અધીરા થયા
હવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે નવેમ્બરના અંત કે ડિસેમ્બરના આરંભમાં જ થવાની છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમલદારોની બદલીના ભણકારા વાગે છે, પણ દર વખતે તેમાં મુદત પડી રહી છે. અત્યારસુધી બદલીઓ તો ઘણી થઈ, પણ બધી જુનિયર અધિકારીઓ સુધી સીમિત રહી છે. હવે ઉપરી અધિકારીઓના જીવ તાળવે ચોંટી રહ્યા છે, કારણ કે ભૂપેન્દ્રભાઈ એક વર્ષ પહેલાં CM બન્યા ત્યારથી બદલીની વાતો ચાલી રહી છે. જેટલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવે છે, બદલીની ચર્ચા ચકડોળે ચઢે છે, પરંતુ છેલ્લે ઠંડું પાણી ફરી વળે છે ને પાછી નવી તારીખ પડે છે. હવે તો સ્વતંત્રતા દિવસ પણ જતો રહ્યો ને PMનો બર્થ-ડે પણ… જોવાનું એ રહ્યું કે ચૂંટણી પહેલાંની છેલ્લી બદલીઓ ક્યારે થાય છે.

અમરેલીમાં અમિતભાઈ હિંમતનાં ઈન્જેક્શન આપી ગયા
આમ તો સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો કોંગ્રસનો ગઢ ગણાય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં અહીંની બધી બેઠકો કોંગ્રેસને મળી હતી. કદાચ આ કારણથી જ આ ચૂંટણીમાં અમરેલી જિલ્લા પર ભાજપનું ફોકસ છે. ભાજપના ચાણક્ય અમિત શાહે ખુદ આ જિલ્લાની કમાન સંભાળી છે અને હાલમાં જ તેઓ જિલ્લા ભાજપના આગેવાનોને મળી ગયા છે. ભાજપના આગેવાનો સાથેની ગુપ્ત બેઠકમાં કહેવાય છે કે અમિતભાઈ તેમની આગવી છટામાં હિંમતનાં ઈન્જેક્શન આપી ગયા છે. બંધબારણે ભાજપના આગેવાનોને મોટાભાઈએ જિલ્લાની બધી બેઠકો આ વખતે અંકે કરવા ફૂલ ફેઝમાં કામગીરી શરૂ કરવા આદેશ પણ આપી દીધો છે.

અમદાવાદના કોર્પોરેટરો PMના પ્રોગ્રામમાં જ નથી આવતા
વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાની વચ્ચે નિયમિત જવાનો મેન્ડેટ આપ્યો છે. તેમને પક્ષની કામગીરી અને વિકાસનાં કામો ગાઈવગાડીને પ્રજાને જણાવવા સ્પષ્ટ સૂચના છે, પરંતુ ઉપરના મેન્ડેટને ગાંઠે એ બીજા. અમદાવાદ મ્યુનિ.ના ભાજપના કોર્પોરેટરો તો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ કાર્યક્રમમાં ગેરહાજર રહે છે. આવામાં પાર્ટીના બીજા કાર્યક્રમોની તો વાત જ ક્યાં આવી. તાજેતરમાં જ આ બાબતની ગંભીર નોંધ ભાજપના પદાધિકારીઓ દ્વારા લેવામાં આવી હતી. કેટલાક કોર્પોરેટરોને નોટિસ આપી ખુલાસો મગાયો હતો. ભાજપના જ એક બોલકા કોર્પોરેટર થોડા સમય પહેલાં જ રિવરફ્રન્ટ પર IPS અધિકારીના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ PMના કાર્યક્રમમાં ડોકાયા પણ નહોતા.

આ તો ‘સાહેબ’ હતા તો ચિપનો પ્રોજેક્ટ ગુજરાત આવ્યો
ગુજરાતમાં વેદાંતા ગ્રુપે સેમી-કન્ડકટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. સરકાર અને કંપનીના તાઇવાનીઝ- ફોક્સકોન સાથે આ માટે કરાર પણ થયા છે. આમ તો આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં જવાનો હતો તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ ગુજરાતનું નસીબ ચમકી ગયું. રાજ્યના ઉદ્યોગ વિભાગના સિનિયર અધિકારીએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે આ પ્રોજેકટ કેન્દ્ર સરકારની ખાસ સ્કીમ હેઠળ આવી રહ્યો છે. તે જોતાં આ પ્રોજક્ટ પહેલાં તો સાકાર થાય તે દિશામાં પ્રયત્ન દિલ્હીથી ઉપલા લેવલે થયા. આખરે બે કંપની ફોક્સકોન અને વેદાંતાનું ફાઇનલ થયા પછી, ગુજરાતમાં પ્રોજેકટ આવે તે નક્કી થયું. ચિપ બનાવવાના પ્રોજેક્ટને ખરેખર તો મોટા સાહેબે જ ગુજરાત ડાઇવર્ટ કર્યો છે.

ઈન્દ્રનીલને ચૂંટણી પણ લડવી છે ને દોણી પણ સંતાડવી છે!
રાજકોટમાં વિધાનસભાની બે બેઠક પર આમ આદમી પાર્ટીએ (AAP) બે ઉમેદવાર જાહેર કરી દીધા છે. બાકી રહેલી બે બેઠક પર AAPના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટમાંથી જ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. પરંતુ મીડિયા પૂછે તો તેઓ સૂફિયાણી વાતો કરતા કહે છે કે હું તો પાર્ટી કહેશે એમ કરીશ, પાર્ટી ટિકિટ આપશે તો લડીશ. હાલમાં જ મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં બે બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, જેમાં મારું નામ સ્વાભાવિક છે, પણ પાર્ટીએ હજી સુધી નક્કી કર્યું નથી. પાર્ટી કહેશે તો લડીશ, બાકી મારી તો ચૂંટણી લડવાની ઈચ્છા નથી.

ઘાટલોડિયામાં કેજરીવાલની ‘ઓટોએન્ટ્રી’, ભાજપમાં ફફડાટ
આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગત સપ્તાહે શાનથી ‘અમદાવાદના રિક્ષાવાળા’ના મહેમાન બન્યા. મહેમાન તો બન્યા, પણ તે રિક્ષાવાળાની ઓટોમાં જ બેસીને ઘાટલોડિયા તેના ઘરે ગયા ને શાનથી જમ્યા પણ ખરા. હવે બધાને ખબર છે કે ઘાટલોડિયા એ મુખ્યમંત્રીનો મતવિસ્તાર છે. ભાજપનો ગઢ ગણાતા ઘાટલોડિયામાં આ રીતે AAP સુપ્રીમો આવ્યા તેનાથી ભાજપના નેતાઓ અને કાર્યકર્તા બંને અવાચક છે. રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે AAPના કાર્યકર્તા આવી રહ્યા હતા ત્યારે પોલીસ અને બીજા લોકોએ તેમને રોક્યા હતા. સોશિયલ મીડિયામાં આના વીડિયો ખાસ્સા વાઈરલ થયા હતા.

બીજાને ક્યાં શોધવા, અહીં કોંગ્રેસના જ કોંગ્રેસને હરાવવા મથે છે
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ટિકિટ માટે બધે ઉઠાપટક શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના કોંગ્રેસના એક ધારાસભ્યથી નારાજ યુવા કાર્યકરોએ હવે તેમની જ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આગામી ચૂંટણીમાં આ ધારાસભ્યને રિપીટ ના કરવા માગણી પણ કરી છે. કોટ વિસ્તારના આ ધારાસભ્યને કારણે એક યુવા નેતાની કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ કપાઈ હતી. હવે આ યુવા નેતાના સમર્થકો આ વાતનો ખાર રાખીને ધારાસભ્યની સામે પડ્યા છે. એટલું જ નહીં, યુવા કાર્યકરોએ અત્યારથી જ ધારાસભ્ય વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યું છે. તેઓ એક જ વાત કરે છે કે આ ધારાસભ્ય રિપીટ થશે તો કોંગ્રેસ હારશે એ નક્કી છે.
આંદોલનકારીઓને ભોજન-પાણી સરકાર જ આપે છે
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી આંદોલનો અને દેખાવોની વણઝાર ચાલી રહી છે. આ આંદોલનો કરી રહેલાં અનેક સંગઠનો એવાં હતાં, જે સતત એકસાથે અનેક દિવસો સુધી વિરોધ કાર્યક્રમો આપી રહ્યા હતા. એવામાં પંચાયત હસ્તકના આરોગ્યકર્મચારીઓના આંદોલન દરમિયાન પીવાના પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થા વાસ્તવમાં સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું આરોગ્યકર્મચારી સંગઠનના હોદ્દેદારોમાં ચર્ચાઈ રહ્યું હતું. હવે જો ખરેખર આ વાત સાચી હોય તો આંદોલન કરવામાં પીઠબળ હતું કે કેમ એ સવાલ થાય છે.

Exit mobile version