સતત બીજા દિવસે અનરાધાર:ઉપલેટામાં ભારે વરસાદથી રસ્તા પર ગોઠણસમા પાણી, ગઢાળાનો કોઝ-વે પૂરના પાણીમાં ગરકાવ, લોકોની અવર-જવર થંભી

By Abhishek Raghuvanshi
7 Min Read
  • ભાદર 2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, નદી કાંઠાના 37 ગામને એલર્ટ કરાયા

ઉપલેટામાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. અનરાધાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા છે તો ગઢાળા ગામના કોઝ-વે પર પૂરના પાણી ફરી વળતા લોકોની અવરજવર બંધ થઈ છે. ગોંડલમાં પણ આજે સતત ત્રીજા દિવસે મેઘસવારી આવી પહોંચી છે. આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના ભવનાથ, કૈલાશ બાગ, મહાદેવ વાડી, જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ગઈકાલે ધોરાજી, જામકંડોરણા અને લોધિકામાં ભારે વરસાદથી ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આથી ડેમ હેઠળના 37 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં ધીમીધારે વરસાદ
રાજકોટમાં આજે સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો, બાદમાં 11 વાગ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટ શહેરમાં ધીમીધારે વરસાદ.

ભાદર-2 ડેમની સપાટી 53.10 મીટર, હાલ 51.30 મીટર ભરાયો
ભાદર ડેમની કુલ સપાટી 53.10 મીટર છે અને હાલ 51.30 મીટર ભરાયો છે. ઉપરવાસ ભારે વરસાદને કારણે ડેમમાં 3362 ક્યુસેક પાણીની આવક ચાલું છે. આથી ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ હેઠળ આવતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર તાલુકાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠા વિસ્તારમાં આવતા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપાઈ છે. નદી કાંઠાના 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ગઢાળા ગામના કોઝ-વે પર પૂરના પાણી ફરી વળ્યા.

રાજકોટ જિલ્લામાં 27માંથી 24 જળાશયોમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લાના 27 પૈકી 24 જળસ્રોત ઉપર વરસાદ તેમજ 13માં નવાં નીરની આવક થઇ હતી. છાપરવાડી-2માં સૌથી વધુ 9.84 ફૂટની આવક નોંધાઇ હતી. જામનગર જિલ્લામાં 19 ડેમ પર વરસાદ અને 8 ડેમમાં નવાં પાણીની આવક થઇ હતી. ઊંડ-3માં સૌથી વધારે 9.84 ફૂટ નવાં પાણીની આવક વચ્ચે ડેમ 100 ટકા છલકાયો હતો. મોરબીમાં 6 ડેમમાં નવાં નીરની આવક નોંધાઇ હતી. જ્યારે દ્વારકા જિલ્લામાં 9 જળાશય પર વરસાદ અને 4માં નવાં પાણીની આવક નોંધાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 5 ડેમ પર વરસાદ અને 3માં નવાં નીર આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં 12 મીમી વરસાદ સાથે કુલ 6.90 ફૂટની નવાં નીરની આવક નોંધાઇ હતી.

- Advertisement -
ભારે વરસાદથી ઉપલેટાના રસ્તા પર પાણી ફરી વળ્યા.

સૌરાષ્ટ્રના 141 ડેમની સપાટીમાં 7.02 MCFTનો વધારો
સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદને પગલે 141 પૈકી મહત્ત્વના ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 7.02 મિલિયન ક્યુબિક ફીટ (MCFT)નો વધારો નોંધાયો છે. જામનગરનો ઊંડ-3 ડેમ 100 ટકા ભરાઇ ગયો છે, તો જામકંડોરણા પંથકનો ફોફળ-1 ડેમ ઓવરફ્લોની તૈયારીમાં હોઇ, નીચાણવાળા દૂધીવદર, ઇશ્વરિયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત કરાયા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી જિલ્લાના 35 ડેમમાં નવાં નીર આવ્યા છે, તો 69 જળસ્રોતો પર મેઘમહેર થઇ છે.

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

જામકંડોરણાનો ફોફળ ડેમ 90 ટકા ભરાયો
જામકંડોરણા તાલુકામાં સાડા ચાર ઇંચ કરતા પણ વધુ વરસાદ પડતા દૂધીવદર પાસે આવેલો ફોફળ-1 ડેમ 90 ટકા સુધી ભરાઈ ગયો છે. જળાશયની સપાટી 81.75 મીટરની હોઇ, હાલ 80.29 મીટરે પહોંચી છે. ડેમમાં 38,890 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ હોવાથી ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે. તાલુકાના દૂધીવદર, ઇશ્વરિયા, તરવડા અને વેગડી ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા, સાવચેત રહેવા સૂચિત કરાયા છે.

ઉપલેટામાં રસ્તા પર નદીની જેમ પાણી વહ્યું.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, વીજળીથી બચવના ઉપાયો

  • જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે શું કરવું
  • વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું.
  • તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો.
  • બારી-બારણા અને છતથી દૂર રહેવું.
  • વીજળીના વાહક બને તેવી કોઇ પણ ચીજવસ્તુથી દૂર રહેવું.
  • ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશ બેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું.
ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં.

ઘરની બહાર હોઈએ તો શું કરવું

  • ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું.
  • આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું.
  • ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું.
  • મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી જરૂર પડે મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવો.
  • મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો.
  • પાણી વીજળીને આકર્ષે છે, આથી પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ.
  • ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.

વીજળી પડવાની શક્યતા
જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, આ બધા વીજળી ત્રાટકવાના ચિહ્નો હોવાથી આ પરિસ્થિતિઓમાં જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

જામકંડોરણાની ફોફળ નદી બે કાંઠે થઈ.

વિજળી/ઈલેક્ટ્રિકથી શોક લાગ્યા પછી

  • લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા.
  • મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો.
  • કરંટ લાગનાર વ્યકિત દાઝી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું.
  • કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોચ્છવાસ તપાસી સીધા ડોક્ટરને જાણ કરવી.
  • દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાડવું નહી.
  • આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.
ઉપલેટામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

આકાશી વીજળી થતી હોય તે દરમિયાન રાખવાની સાવચેતીઓ

  • વીજળી જોયા પછી 30ની ગણતરી શરૂ કરવી, જો તમે 30ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા કડાકા પછી ઓછામાં ઓછા 30 મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો.
  • ઈલેક્ટ્રિક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો.
  • વણવપરાતા પ્લગ પ્લાસ્ટિક કવરથી ઢાંકી દેવા.
  • ઈલેક્ટ્રિકના ઉપકરણો પાણીની લાઈન તથા ભેજથી દૂર રાખવા.
  • વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું.
  • તંત્રની સુચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.
  • શોર્ટસર્કીંટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચો વાપરવી.
  • ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ.
  • ઈલેક્ટ્રિક કામના જાણકાર પાસે જ ઈલેક્ટ્રિક કામ કરાવવું.
  • ઈલેક્ટ્રિક કામ કરતી વખતે વીજળી અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું.
  • ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.
  • ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું.
  • તમામ ઈલેક્ટ્રિક ઉપકરણોના પ્લગ કાઢી લેવા.
  • ફિશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહીં.
  • ઈલેક્ટ્રિક થાંભલા/ટેલિફોન થાંભલાને અડવું નહીં.
  • બારી-બારણા અને છતથી દૂર રહેવું.
Exit mobile version