શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસીઓ ઉમટ્યા:હાર્દિકના પિતાના પૂણ્યતિથિ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માની ચોખવટ, હાર્દિક નારાજ નથી ને રાહુલ-સોનિયા-પ્રિયંકા સાથે જ કામ કરશે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • ધાર્મિક કાર્યક્રમમાં નૌતમ સ્વામીએ હાર્દિકને આશીર્વાદ આપતાં હિન્દુત્વવાદી પાર્ટીમાં જોડાવાની સલાહ આપી
  • બપોર સુધી ભાજપના​​​​​​​ મોટામાથાંઓની સૂચક ગેરહાજરી, ધાનાણી-જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસીઓ આવ્યા

વિરમગામઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા સ્વ. ભરતભાઈની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે વિરમગામમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના અનેક કોંગ્રેસી નેતાઓ સવારથી જ ઉમટી પડ્યા છે. આ ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમમાં અનેક સાધુ-સંતો પણ આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ હાર્દિકને હિન્દુત્વવાદી પક્ષમાં જોડાવાની સલાહ આપતાં ભગવાન સદબુદ્ધિ આપે તેવા આશીર્વાદ આપ્યા હતા. જ્યારે રઘુ શર્માએ પણ સ્પષ્ટતા કરી હતી કે હાર્દિક પટેલ બિલકુલ નારાજ નથી અને તેઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ખભે-ખભો મિલાવીને જ કામ કરશે. તેમનું ભવિષ્ય ઉજળું છે. જો કે, બપોર સુધી આ કાર્યક્રમમાં ભાજપના કોઈ મોટામાથા આવ્યા નહોતા.

બપોર સુધીમાં હજુ અનેક ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આવવાની શક્યતા છે. બીજીતરફ સાયલાના મહારાજ સહિત અનેક સાધુ-સંતો પણ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે. સાધુ-સંતોએ હાર્દિકને કેસરી કલરનો સાફો પહેરાવ્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યું કે, આજે મારા પિતાની પુણ્ય તિથિના કાર્યક્રમમાં આવેલા રાજકીય પક્ષના આગેવાનો અને આંદોલનના સાથીઓ તમામને આવકારું છું. મારી પાર્ટીના તમામ નો આભાર માનું છું.

કાર્યક્રમમાં નેતા-આગેવાનોનું આગમન શરૂ
કાર્યક્રમમાં વિરમગામ નગર પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ રીના પંડિયા, શહેર ભાજપ મંત્રી પ્રમોદ પટેલ, અમદાવાદ જિલ્લા પચાયતના સદસ્ય હરિ પરમાર, પૂર્વ ધારાસભ્ય હર્ષદ ઠક્કર, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી, વિરમગામ તાલુકા સદસ્ય નલિન કોટડીયા, યુથ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, તેજશ્રી બેન પટેલ, પરેશ ધાનાણી, સાયલાના મહારાજ, ભાજપના નેતા ચિરાગ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, પાસના પૂર્વ નેતા ચિરાગ પટેલ તેમજ અલગ અલગ સમુદાયના સાધુ-સંતો પણ આવ્યાં છે.

મુખ્યમંત્રી-સીઆર હાજરી આપે એવી ચર્ચા
આ ધાર્મિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ પણ હાજરી આપવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવાય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે અને ભાજપમાં જોડાય એવી વાતો ચાલી રહી છે, એ સમયે જ આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની હાજરીની ભારે હલચલ ચાલી રહી છે.

- Advertisement -
મહેમાનો માટે પાર્કિંગથી લઈને જમવા સુધીની સુવિધાઓ.

અમૃતવાણી, ભજન તથા સુંદરકાંડ પાઠ
વિરમગામ ખાતેની ઝાલાવાળી સોસાયટીમાં જ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યાં વિશાળ એસી ડોમમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અત્યારે ભજન ચાલી રહ્યા છે, બાદમાં રામધૂન, ગુરુજન અમૃતવાણી, ભજન તથા સુંદરકાંડ પાઠ પણ રાખવામાં આવ્યો છે. સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે.પાર્કિંગથી લઈને જમવા સુધીની તમામ સુવિધાઓ સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેથી આવનારા મહેમાનોને કોઈ તકલીફ ન પડે.

સવારથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
સાયલાના મહારાજ સાથે હાર્દિક પટેલ
રાજકીય નેતાઓ કાર્યક્રમમાં જોડાયા
Exit mobile version