“વેલેન્ટાઇન ડે”ના દિવસે મળ્યો મા-બાપનો પ્રેમ:રાજ્યમાં રિલેટિવ ઇન્ટર-કન્ટ્રી એડોપ્શનનો સૌપ્રથમ કિસ્સો, લંડનમાં રહેતાં માસા-માસીએ જ ભાણીને દત્તક લીધી

By Abhishek Raghuvanshi
7 Min Read
એશા તેના એડોપ્ટેડ માતા-પિતા સાથે.
  • વેલેન્ટાઈન ડે”ના દિવસે માતા-પિતાના પ્રેમની પુનઃહૂંફ મળતાં દીકરીએ તેને ગોડ ગિફ્ટ ગણી
  • સગાં માસા-માસીએ જ ભાણીને એડોપ્ટ કરતાં પટેલ પરિવારમાં આનંદ છવાયો

માતા-પિતાની નાનપણમાં છત્રછાયા ગુમાવતાં બાળકોના એડોપ્શનના અનેક કિસ્સાઓ સાંભળવા મળ્યા હશે, પરંતુ કિશોરી વયે પહોંચેલી દીકરીને એડોપ્ટ કરવાનો અને એ પણ રિલેટિવ ઈન્ટર કન્ટ્રી એડોપ્શનનો કિસ્સો ખેડા જિલ્લામાં બન્યો છે. મા-બાપ ગુમાવનારી સગીર દીકરીને માતા-પિતાનો સથવારો મળ્યો છે. પરદેશમાં સ્થાયી થયેલાં સગાં માસા-માસીએ જ ભાણીને એડોપ્ટ કરતાં પટેલ પરિવારમાં આનંદ છવાયો છે. આજે સોમવારે આ દીકરી માતા-પિતા સાથે UK જવા રવાના થશે. “વેલેન્ટાઈન ડે”ના દિવસે પોતાના જીવનમાં માતા-પિતાના પ્રેમની પુનઃ હૂંફ મળતાં આ દીકરીએ તેને આજે વેલેન્ટાઈનની ગોડ ગિફ્ટ ગણી છે.

સ્વર્ગસ્થ ઇલાબેન તથા ભદ્રેશભાઈ પટેલ.

મૂળ આણંદના મહેળાવના વતની અને છેલ્લાં ઘણાં વર્ષોથી UKમાં સ્થાયી થયેલા સત્યાવીસ ગામના પટેલ પરિવારે સમાજમાં ઉત્કૃષ્ટ અને પ્રેરણારૂપ દાખલો આપ્યો છે. આ પરિવારના જયેશકુમાર ઈશ્વરભાઈ પટેલ અને તેમની પત્ની રાગિણીબેન વર્ષોથી લંડનમાં સ્થાયી છે. તેમના પરિવારમાં એક દીકરો અર્પિત (ઉં.વ. 30) અને દીકરી રોશની (ઉં.વ. 24) છે. જયેશભાઇ પરદેશમાં પોતે સર્વિસ કરે છે.

દીકરીના ઘરમાં ખુશીની લહેર ઊઠી.

જયેશભાઇના સાઢુભાઈ ભદ્રેશભાઈ રાવજીભાઈ પટેલ ખેડા જિલ્લાના મહુધાના વતની અને તેઓને સંતાનમાં એક દીકરી, આ દીકરીની લગભગ 5 વર્ષની ઉંમર હતી ને ભદ્રેશભાઈનું આકસ્મિક રીતે અવસાન થઈ ગયું હતું. એ બાદ સંપૂર્ણ જવાબદારી જયેશભાઇની સાળી ઈલાબેન પર આવી ગઈ હતી. દીકરીને ભણાવવાની સાથે આ તેનો ઉછેરો કર્યો અને એક પિતાની ખોટ કદી આ તેને પડવા દીધી નહોતી.

માતાનું પણ થયું હતું હાર્ટ-એટેકથી નિધન

- Advertisement -

દીકરી સમય જતાં કિશોર અવસ્થામાં પહોંચી અને આ સમયે ઈલાબેનનું પણ હાર્ટએટેકથી વર્ષ 2016માં દેહાંત થતાં સ્વર્ગસ્થ ભદ્રેશભાઈના પરિવાર પર આભ તુટી પડ્યુ હતું. આ સમયે બેબાકળી બનેલ અને કિશોર અવસ્થામાં પહોંચેલી દીકરીને જીવનના અડધા પાટે જ માતા-પિતા ગુમાવતા તેણી દુઃખમાં ખૂપી ગઈ હતી. તો વળી તેના કાકા-કાકી કે અન્ય કોઈ પરિજનો પણ નહોતાં. ફક્ત એક વૃદ્ધ દાદી હતા.

આ સમયે કૂદરતનો અવતાર બની જયેશભાઇ અને તેમની પત્ની રાગીણીબેને પોતાની બહેનની ભાણીનો હાથ થામી આજથી અમે તારા મમ્મી પપ્પા છે તેમ સમજાવી આ દંપતીએ આ દીકરીને દત્તક લેવાનો મનોમન વિચાર કર્યો હતો. જે માટેની પ્રોસેસ પણ જયેશભાઇ તથા તેમના પરિવારે શરૂ કરી દીધી હતી.

દીકરી આજે UK જવા રવાના‌ થશે

જયેશભાઇ પરદેશમાં સ્થાયી હતા અને તેમને આ દીકરીને એડોપ્ટ કરી ત્યાં લઈ જઈ તેનુ જીવન ખુશીઓથી ખુશખુશાલ કરવા આ એડોપ્ટની લાંબી લચક પ્રોસેસને પૂર્ણ કરી હતી. ત્યાંની ગર્વમેન્ટ અને એ બાદ અહીયાની સેન્ટ્રલ ગર્વમેન્ટે દ્વારા લીગલી તમામ પ્રોસેસ પૂર્ણ કરી નવા એક્ટ હેઠળ 14 વર્ષની દીકરીને એડોપ્ટ કરી લીધી હતી. જો કે આ એડોપ્ટની પ્રોસેસ ઘણી લાંબી ચાલી હતી. જેમાં અહીયા લોકલ લેવલ પરથી ડીસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન, CWC સહિત અનેક લોકો જયેશભાઇને મદદરૂપ બન્યાં હતાં. આ તમામ પ્રકારની એડોપ્ટની પ્રક્રિયા પૂર્ણ કરી પાસપોર્ટ કઢાવી આ દીકરી આજે પોતાના એડોપ્ટ કરેલા માતા-પિતા સાથે UK જવા રવાના‌ થનાર છે. ત્યારે પટેલ પરિવારે ભારતીય સંસ્કૃતિ મૂજબ દીકરીને કંકુ તીલક કરી ગોળધાણા ખવડાવી ‌નવા જીવનની શુભેચ્છાઓ પાઠવી છે.

જયેશભાઇ પટેલ, વાલી.

દીકરીના સારા ભવિષ્ય અને ઉજ્જવળ કારકીર્દિ માટે આ નિર્ણય લીધો : પિતા

જયેશભાઈ પટેલે આ તબક્કે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા સાઢુભાઈ અને તેમની પત્નીના અવસાન પછી મે અને મારી પત્નીએ આ કિશોર અવસ્થામાં પહોંચેલ દીકરીને એડોપ્ટ કરી તેના સારા ભવિષ્ય અને ઉજ્વળ કારકીર્દિ માટે આ નિર્ણય લીધો છે. તેણીને વેલેન્ટાઇન ડેના દિવસે જ અમે એને પરદેશ લઈ જઈ રહ્યા છે. આ પ્રક્રિયામાં અમોને CWCના તે સમયના ચેરમેન રાકેશ રાવ, ડીસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શનના મહેશભાઈ તથા કુણાલભાઈ અને પાસપોર્ટમાં મદદે આવેલા સંદિપભાઈ પરમારનો આ તબક્કે હું આભાર માનું છું તેમ કહ્યું છે.

પરિવારમાં એક સભ્ય નહી, પણ લક્ષ્મીનો ઉમેરો થયો : માતા

માતા રાગીણીબેને હરખભેર એડોપ્ટ કરેલી દીકરીને વધાવી હતી. તેમણે દિવ્ય ભાસ્કરની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારી બેનની ભાણીને આજે એડોપ્ટ કરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આજે તેણીને વેલેન્ટાઇન ડે ના દિવસ લંડન લઈ જઈએ છીએ. અમારા‌ પરિવારમાં એક સભ્ય નહી પણ વધુ એક લક્ષ્મીનો ઉમેરો થયો છે જેનાથી અમો‌‌ સૌ પરિજનો ખુશ છે.”

તો હાલ યુવાનીના ઉંબરે આવેલી 18 વર્ષીય દીકરી એશાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “તેણી આ રીલેશનથી ઘણી ઘણી ખૂશ છે. મારા માતા-પિતા (માસા-માસી)એ મને એડોપ્ટ કરી છે જે મારા માટે ખુશીની વાત છે. તેમનાથી મને અગાઉ પણ પ્રેમ અને હૂંફ મળ્યો છે અને હવે વિશેષ મળશે, આજે “વેલેન્ટાઇન ડે” છે, પ્રેમનો કોઈ દિવસ નથી હોતો. મારા માટે આ દિવસ ગોડ ગીફ્ટ બની ભગવાને મને આપ્યો છે. મારા કપરા સમયમાં મને પરિવારની હૂંફ પુરી પાડી કુટુંબના સર્વ સભ્યો અને ખાસ મારા ભવિષ્યને લઇને ચિંતાતુર બનેલ મારા 87 વર્ષિય દાદી વીરબાળાબાનો હું આભાર માનું છું.”

દાદી વીરબાળાબેન.

એડોપ્શનના ત્રણ પ્રકાર છે
(1) અનાથ, ત્યજેલ, સરન્ડર બાળકોનુ એડોપ્શન સંસ્થા દ્વારા
(2) રીલેટીવ/ફેમીલી એડોપ્શન
(3) સ્ટેપ પેરેન્ટસ એડોપ્શન

મળી આવેલા બાળકોના એડોપ્શન સમાજમાં સામાન્ય બાબત છે. જેઓનું એડોપ્શન સંસ્થાના માધ્યમ દ્વારા કાયદાકીય રીતે થાય છે. રીલેટીવ/ફેમીલી એડોપ્શનમા પણ માતા-પિતા ગુમાવનાર, અને માતા પિતા હોય તો પણ ફેમીલી એટલે કે લોહીના સંબંધો ધરાવતી વ્યક્તિ દત્તક લઈ શકે છે. તો‌ સ્ટેપ એડોપ્શનમા ડાયવોર્સ લીધેલા બાદ પુનઃ લગ્ન કરેલ યુગલના સંતાન માટેનો છે. રીલેટીવ / ફેમીલી એડોપ્શનમા રીલેટીવ ઈન્ટર કન્ટ્રી એડોપ્શનની અંદર બે દેશોની સંમતિ હોય છે. જેમા ઈન્ડિયામા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી, (કારા) ભારત સરકારની વેબસાઈટ (cara.nic.in) પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

આ બાદ જે તે દેશની ઓથોરાઈઝ એજન્સી સંસ્થા દ્વારા રીપોર્ટ આપવામાં આવે છે જે પછી CWCને સંમતિનો ઓર્ડર આપે છે આ પછી બાળ સુરક્ષા એકમ હોમ ઈન્કવાઈરી કરે છે. કારા દ્વારા NOC આપવામાં આવે છે , કોર્ટ પીટીશન દાખલ માટે કોર્ટ ઓડર આપિયા બાદ કારા કન્ફર્મેમેટીવ સર્ટીફીકેટ આપે તે બાદ પાસપોર્ટની પ્રક્રિયા થાય છે.

એક વર્ષ અગાઉ ઈટાલિયન દંપતીને નડિયાદમાંથી બાળકને દત્તક લીધો હતો
મહત્ત્વનું છે કે, હાલ ફોરેન જવા માટે કેટલાય ભારતીયો તરસે છે, કોઈના વિઝા કેન્સલ થાય તો કોઈક પરીક્ષામાં ફેલ થતાં પરદેશ જઈ નથી શકતા. પણ જ્યારે વ્યક્તિનું નશીબ આગળ આવે ને તો જીવનની તમામ પરીક્ષામાં સફળ થઈ જાય છે. એક વર્ષ અગાઉ ઈટાલીયન દંપતીને નડિયાદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમમાંથી બાળકને દત્તક લીધો હતો. સંસ્થામાં ઉછરેલા 300થી વધારે બાળકોને અગાઉ સ્પેન, અમેરિકા,યુ.કે, કેનેડા વિગેરે દેશોમાં દત્તક તરીકે આપવામાં આવ્યા છે.

Exit mobile version