- ઝેરી એસિડની ગંભીર અસર થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાઈ
સુરતના લિંબાયતમાં વાલીઓની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. એક કિશોરી વિદ્યાર્થિનીએ ફાંસો ખાધા બાદ પણ મોત નહિં મળતા એસીડ ગટગટાવ્યું હતું. આપઘાતના પ્રયાસના કારણમાં પ્રેમી સાથે ફરવા જવા પર પરિવારે પ્રતિબંધ લગાડતા કિશોરીએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવતાં પરિવાર દોડતું થઈ ગયું હતું. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છેલ્લા ઘણા સમયથી શાળાએ જવાનું કહી બોયફ્રેન્ડ સાથે ફરવા ઉપડી જતી હોવાની હકીકત સામે આવતા પરિવારે નજર કેદ કરવા મજબૂર બન્યું હતું. જેથી માઠું લાગી આવતાં કિશોરી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવક સાથે નીકળી જતી હતી
પરિવારે જણાવ્યું હતું કે, એક અઠવાડિયાથી ત્રીજા નંબરની બહેનની શંકાસ્પદ કામગીરી બાદ કંઈ ખોટું થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા ખબર પડી હતી કે, કોઈ યુવક સાથે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળતી બહેન ફરવા ઉપડી જતી હતી. તમામ હકીકતોની તપાસ કર્યા બાદ 16 વર્ષની બહેનને નજર કેદ કરવા મજબૂર બન્યા હતા. 5 ભાઈ-બહેનો અને માતા-પિતા મળી 7 જણાના પરિવારમાં પહેલો આવો બનાવ બનતા બધા જ વિચારમાં પડી ગયું છે.
આપઘાતનો પ્રયાસ કર્યો
ગુરૂવારના રોજ માતાએ ઠપકો આપી બહાર ન જવા દેતા બહેન ગુસ્સામાં આવી ગઈ હતી. આ ઉંમરે લફરાંને લઈ પરિવાર બહેનને નજર કેદ રાખતો હતો. શુક્રવારે બોયફ્રેન્ડ સાથે બહાર જવાનું કહેતા તું.. તું.. મે..મે.. થઈ ગયું હતું. બસ એ જ વાતનું ખોટું લગાડી બહેને પહેલા ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ એસિડ પી લેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ એની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
