લગ્નના 6 માસમાં પત્નીની હત્યા કરી:સુરતના કિમમાં ચપ્પુના અસંખ્ય ઘા મારી પતિએ પત્નીની હત્યા કરી, સાઇકલ લઈને ભાગતો પતિ CCTVમાં કેદ

By Abhishek Raghuvanshi
4 Min Read
  • લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામે 22 વર્ષીય પરપ્રાંતીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી હતી. 6 માસ પહેલાં જ લગ્ન થયા હતા. લગ્નગાળાના ટૂંકા સમયમાં ઝઘડા શરૂ થયા હતા. મળસ્કે પણ કોઈ કારણસર ઝઘડો થતાં આવેશમાં આવી પતિએ પત્નીની છાતીમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા બાદ તકિયાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો. એક સોસાયટીના સીસીટીવી કેમેરામાં હત્યારો સાઇકલ થોભાવી કમરે પટ્ટો બાંધતો સ્પષ્ટ નજરે પડતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.

ઘટના શું હતી?
ઓલપાડ તાલુકાના કિમ ગામને અડીને અંબિકાનગર(કઠોદરા) સોસાયટી છે, જ્યાં પરપ્રાંતીય પરિવાર સાથે પિતાના જ મકાનમાં કિરણબેન હરિશચંદ્ર નિશાદ (ઉં.વ 22) પોતાના પતિ સાથે રહેતી હતી. કિરણ નિશાદ અને પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ(મૂળ વિનાયકપુર, અયોધ્યા ઉત્તરપ્રદેશ, હાલ રહે અંબિકા નગર, કિમ -કઠોદરા) વચ્ચે 6 મહિનાના લગ્નના સમયગાળામાં અનેક વખત ઝઘડો અને મારપીટ થયાં કરતી હતી. સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કિરણબેનના પિતાએ તેના પતિને સાઇકલ લઈ બહાર જતા જોયા બાદ દીકરીના રૂમ તરફ જોતાં બહારથી તાળું મારેલું જણાયું હતું. કંઈક અજુગતું જણાતાં પિતાએ પડોશીઓને જાણ કરી હતી. તેમણે રૂમની બારી ખોલીને જોતાં દીકરી કિરણ નિશાદને મૃત હાલતમાં જોયા બાદ પિતા અને પડોશીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. મૃતકની છાતીમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. બાદમાં તકિયાથી મોઢું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી સાઇકલ લઈ ભાગી છૂટ્યો હતો.

મૃતક દીકરી પતિ સાથે પિતાના મકાનમાં જ રહેતી હતી.

પત્નીની હત્યા કરી પતિએ રૂમને તાળું મારી દીધું
મૃતક મહિલાના પિતાએ કિમ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બહારથી દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરતાં તપાસ શરૂ કરી હતી. એમાં હત્યામાં વપરાયેલું ચપ્પુ મૃતકની છાતીમાં ઘૂસેલી હાલતમાં મળ્યું હતું, જેને કબજે લઈ હત્યારા અંગે મૃતકના પરિવાર પાસેથી જરૂરી વિગતો લઈ તેને ઝડપી પડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ડોગ-સ્કવોડથી તપાસ શરૂ કરી છે. મૃતકના પિતા કમલેશ હરગોવિંદ ગોંડની ફરિયાદ લઈ હત્યારા પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ વિરુદ્ધ ઈપીકો કલમ 302 મુજબ હત્યાનો ગુનો નોંધી તપાસ પોલીસે હાથ ધરી છે.

6 મહિનાના લગ્નના સમયગાળામાં અનેક વખત ઝઘડો અને મારપીટ થઈ હતી.

જમાઇને ભાગતો જોઇ સસરા પહોંચ્યા તો દીકરી મૃત મળી
મૃતક પરિણીતા કિરણ અને હત્યારા પતિ હરીશચંદ્ર નિશાદ બન્નેના છ માસ અગાઉ જ લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો. આ લગ્નજીવનના છ માસના સમયગાળામાં બન્ને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાનું જાણવા મળે છે.ત્યારે હત્યાની રાત્રે કઈ બાબતે ઝઘડો થયો હોય કે પછી કઈ બાબતનો રોષ રાખી કિરણની હત્યા કરી દેવામાં આવી એ હાલ જાણી શકાયું નથી. હત્યાનું ખરું કારણ હત્યારો પકડાયા બાદ જ સામે આવશે.

- Advertisement -
હત્યા બાદ ઘર પાસે એકત્રિત પાડીશીઓ.

હત્યારા પતિને પકડવા 20 જવાનોની ટીમ બનાવાઇ
હત્યારા પતિને પકડવા એલસીબીના 12 અને એસઓજીના 8 પોલીસકર્મી મળી 20 પોલીસકર્મીએ દિવસભર વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે વિસ્તારમાં 9 જેટલા સીસીટીવી ચેક કરતાં હત્યારો સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો, જેમાં એક સોસાયટીના કેમેરામાં હત્યારો સાઇકલ થોભાવી કમરે પટ્ટો બાંધતો સ્પષ્ટ નજરે પડતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.

Exit mobile version