રિપોર્ટ:જ્યાં જુઓ ત્યાં લમ્પીગ્રસ્ત પશુઓ, કોઈની 100માંથી 50 તો કોઈની 50માંથી 25 ગાય મરી ગઈ, પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

By Abhishek Raghuvanshi
4 Min Read
  • ગામમાં મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવ્સાય કરી ગુજરાન ચાલવે છે
  • લમ્પી વાયરસે ગામમાં હાહાકાર મચાવતાં પશુપાલકોની હાલત કફોડી બની

‘અમારે 100 ગાયો હતી, એમાંથી 50 મરી ગઇ.. જેમાંથી 30 ગાયો દુધ આપતી હતી એમાંથી અમારૂ ગુજરાન ચાલતું હતું. હવે અમારે શું કરવું? અમારી સ્થિતિ કફોડી બની ગઇ’ આ શબ્દો છે જલોયા ગામના પશુપાલક ભેમજીભાઈ રબારીના. જેમનું ગુજરાન માત્ર ગાયો ઉપર ચાલતું હતું. ત્રણ ભાઇઓ ભેગા મળીને પશુપાલનનો વ્યવસાય કરતા હતા, પરંતું લમ્પી વાયરસે ગાયોનો ભોગ લેતાં તેમની સ્થિતિ કફોડી બની ગઇ છે. ભારત પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠાના જલોયા ગામમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગામમાં જ્યાં જુઓ ત્યા લમ્પીગ્રસ્ત પશુઓ જોવા મળે છે. અનેક પશુઓના મોત થયા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે જલોયા ગામ જઇને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

181 ગાયોના મોત
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના 410 ગામોમાં લમ્પી વાયરસ ફેલાયો છે. તેમાં ભારત-પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા જલોયા ગામનો પણ સમાવેશ થાય છે. સરકારી આંકડા પ્રમાણે જિલ્લામાં કુલ 181 જેટલી ગાયોના મોત થયા છે. ત્યારે તેમાં મોટાભાગની ગાયો જલોયા ગામની છે. આ ગામમાં લોકો પશુપાલનનો વ્યવ્યાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે લમ્પીમાં પોતાના પશુઓ ભોગ બનતા સ્થાનિકોને ઘર કેમનું ચલાવવું તે સમજાતું નથી. ગ્રામજનો સરકાર આગળ સહાયની માંગ કરી રહ્યાં છે.

દરેક ઘરના પશુઓ લમ્પીગ્રસ્ત
ટીમ જ્યારે જલોયા ગામમાં પહોંચી તો જોવા મળ્યું કે, ગામમાં લગભગ દરેક ઘરના પશુઓ લમ્પીગ્રસ્ત છે. ગામમાં મૃત પશુઓના ઢગલા જોવા મળી રહ્યાં છે. તો સરપંચ પોતાના જેસીબી વડે ગાયોના મૃતદેહોને દફનાવવામાં મદદરૂપ બની રહ્યા છે. જે પશુઓ પર ઘર ચાલતું એ પશુઓ ટપોટપ મરતાં ગ્રામજનો રાતા પાણીએ રોઇ રહ્યાં છે.

100માંથી 50 ગાયો મરી ગઇ
જલોયાના ભેમજીભાઈ રબારી તેમના ત્રણ ભાઇઓ સાથે મળીને પશુપાલનનો વ્યવ્યાય કરે છે. તેમના 100 ગાયોનો વાડો હતો. જેમાંથી 50 ગાયોના મોત થતાં ભેમજીભાઇ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેમણે જણાવ્યું કે, મારી 100માંથી 50 ગાયો તો મરી ગઇ. એમાં પણ 30 ગાયો દુધ આપતી હતી, એમાંથી મારૂ ઘર ચાલતું હતું. હવે અમારે શું કરવું તે સમજાતું નથી. બાકી રહેલી ગાયો પણ લમ્પીગ્રસ્ત હોવાથી ડેરીએ દુધ આપી શકાતું નથી. જેથી આવક બંધ થઇ જતાં ઘર ચલાવવું મુશ્કિલ બન્યું છે.

- Advertisement -

ગયા મહિને ખરીદેલી ગાયો મોતને ભેટી
ગામના કાનજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે, મારી જોડે 40 ગાયો હતી. જેમાંથી 15 ગાયો મોતને ભેટી છે. હવે 25 બચી છે, એમાં પણ 5 ગાયો લમ્પીગ્રસ્ત છે. પેટેપાટા બાંધીને ભેગી કરેલી મૂડીમાંથી 10 ગાયો તો મે ગયા મહિને જ ખરીદી હતી. એ તમામ ગાયોના મરી ગઇ છે. હવે મારે શું કરવું? સરકાર કંઇક મદદ કરે એવી આશા રાખીએ છીએ.

ઘર ચલાવવું મુશ્કિલ બન્યું
ગામના પશુપાલકના પુત્ર નિકુલ દેસાઈએ જણાવ્યું હતું કે, ગામમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમારે 50 ગાયો હતી, એમાંથી 25 મરી ગઈ છે અને બાકી રહેલી ગાયો પણ લમ્પીમાં સપડાઇ છે. જેથી અમુક ગાયોએ દુધ આપવાનું બંધ કર્યું છે. જ્યારે અમુક આપે છે પણ દુધ ડેરીએ આપી શકાતું નથી. જેથી ઘર ચલાવવું મુશ્કિલ બન્યું છે.

સરકાર પાસે સહકારની આશા
જલોયાના અગ્રણી મહાદેવભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા ગામમાં લમ્પીએ હાહાકાર મચાવ્યો છે. સરકાર તરફથી કોઇ સહકાર મળતો નથી. અનેક ગાયો મોતને ભેટી છે. જ્યારે હજુ પણ દરરોજની અનેક ગાયો મરી રહી છે. જો આમ જ ચાલશે તો ગામ ખાલી થઇ જશે. જો સરકાર કંઇક સહકાર આપે તો અમે ગાયોને બચાવી શકીએ.

Exit mobile version