- રાજકોટમાં કલેકટર કચેરી ખાતે કાર્યક્રમમાં હાજર રહેલ રામ મોકરિયાએ પોતાના પ્રતિભાવ પાઠવ્યા
- છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો ચાલી રહી છે
છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. ત્યારે આ અંગે રાજકોટમાં ભાજપના સાંસદ રામ મોકરિયાએ ખોડલધામ ‘નરેશ’ના રાજકીય પ્રવેશ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, ઘરે બેસીને સમાજ અને વ્યવસાયનું કામ કરે તો એ બરાબર છે. જયારે આ મુદ્દે MLA ગોવિંદ પટેલે મૌન સેવી લીધું હતું અને મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું.
..એ તેની ઈચ્છાની વાત છે
રાજકોટમાં આજે કલેકટર કચેરી ખાતે પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ PM મોદી દ્વારા લાભાર્થી બાળકો માટે લાભો તથા સર્વિસીસ રીલીઝ કરવામાં આવી હતી. જ્યાં હાજર રહેલ રામ મોકરિયાએ વધુમાં મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલે હવે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તેઓ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે. અને પોતાની ઈચ્છા મુજબ તે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે. રાજકારણમાં આવવું કે નહીં એ તેની ઈચ્છાની વાત છે.
નરેશ પટેલ મગનું નામ મરી પાડતા નથી
નોંધનીય છે કે નરેશ પટેલ 100 દિવસથી રાજકારણમાં પ્રવેશવા-ના પ્રવેશવાની માઈન્ડગેમ રમી રહ્યા છે. તાજેતરમાં જ મીડિયા સાથે ગેટ ટુ ગેધરમાં પણ 31 મેના રોજ જાહેરાત કરીશ એવું જણાવ્યું હતું, પરંતુ સૂત્રોનું માનીએ તો આટલો સમય મહેનત કરી તો રાજકારણમાં તો નરેશ પટેલ જોડાશે જ. કોંગ્રેસના હાઇકમાન્ડે નરેશ પટેલને એવું જણાવ્યું છે કે પહેલા પાર્ટીમાં જોડાઇ જાવ, પછી આગળની વાત કરીશું. જ્યારે નરેશ પટેલની ઈચ્છા કોંગ્રેસનો મુખ્યમંત્રી તરીકેનો ચહેરો બનવાની છે.
વડીલોનું માનીને ખોડલધામમાં રહેશે
સમાજના સરવેમાં વડીલોએ સ્પષ્ટ કહ્યું હતું કે ખોડલધામ તમામ પક્ષો કરતાં મોટું છે, એટલે રાજકારણથી તો દૂર જ રહો, પરંતુ નરેશ પટેલની ઈચ્છા છે કે કોંગ્રેસમાં નહીં ગોઠવાય તો વડીલોને આગળ કરી સમાજ અને વડીલના નામે રાજકારણથી દૂર રહીને ફરી ખોડલધામમાં છે એવી રીતે જ સક્રિય રહેશે એવી જાહેરાત પણ કરી શકે છે.
