રાજકોટમાં મહિલા પોલીસકર્મીને ફોન કરી સતામણી કરતો, ચારિત્ર્યહીનતાનું આળ મૂકી બદનામ ને મારી નાખવાની ધમકી આપતો

By Abhishek Raghuvanshi
2 Min Read
  • એ-ડિવિઝન પોલીસે IPC કલમ 354(એ) તથા (ડી), 506 (2) મુજબ ગુનો દાખલ કર્યો

રાજકોટના રામનાથપરા પોલીસલાઇનમાં રહેતા અને ટ્રાફિક-પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ગત મંગળવારે ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળી આવી હતી. બાદમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. જોકે આ અંગે આરોપી કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખ સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાશિદ મહિલા કોન્સ્ટેબલનો ફોન નંબર મેળવી તેને વારંવાર ફોન કરી જાતીય સતામણી કરતો હતો તેમજ ચારિત્ર્યહીનતાનું આળ મૂકી બદનામ કરવાની ધમકી આપતો હતો.

મહિલા કોન્સ્ટેબલની ઇચ્છા વિરુદ્ધ મળવાનો પ્રયત્ન કરતો એ-ડિવિઝન પોલીસે IPC કલમ 354(એ) તથા (ડી), 506 (2) મુજબ ગુનો દાખલ કરી આરોપી કોન્સ્ટેબલ રાશિદની અટકાયત કરી છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે રાશિદ પોતાનું વ્યક્તિગત હિત સાધવા મહિલા કોન્સ્ટેબલની ઇચ્છા વિરુદ્ધ મળવાનો પ્રયત્ન કરી તેનો પીછો કરતો હતો તેમજ જો તું મારી સાથે વાત નહીં કરે તો સ્ટાફમાં અને સમાજમાં બદનામ કરી મારી નાખીશ એવી તે ધમકી આપતો હતો.

અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવામાં રાશિદ સંડોવાયેલો હતો
આ અંગે એ-ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જોશીએ જણાવ્યું હતું કે અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં કોન્સ્ટેબલ રાશિદ સંડોવાયો હોઈ, તેને મહિલા કોન્સ્ટેબલને ગળાટૂંપો આપ્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો એ અંગે પોલીસલાઇનમાં ચર્ચાઓ શરૂ થઇ હતી. બે દિવસ પહેલાં બનેલા બનાવની ટ્રાફિક એસીપીને જાણ થતાં તરત કોન્સ્ટેબલ રાશિદ શેખની ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ હતી.

ફોન પર વાત કરવા મહિલા કોન્સ્ટેબલને દબાણ કરતો
મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ, તે અને રાશિદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો. રાશિદે કચેરીમાંથી જ પોતાના મોબાઇલ નંબર મેળવ્યા હતા. બાદમાં તે અવારનવાર પોતાને રિંગ કરી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહિ, રોલકોલમાં પણ તે વાત કરવાનો પ્રયાસ કરતો હતો.

- Advertisement -
Exit mobile version