- કોંગ્રેસ કહ્યું-રૂપાણીનું અસ્તિત્વ ખતમ કરવા ભાઈ અને ભાઉ વચ્ચે લડાઈ
- વિજય રૂપાણી હાજર ન હોવાથી પત્રિકામાં નામ નથીઃ મંત્રી રૈયાણી
રાજકોટમાં લક્ષ્મીનગરનું નાળુ દર વર્ષે ચોાસામાં વરસાદી પાણીથી ભરાય જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે આ નાળાને તોડી 42 કરોડથી વધુના ખર્ચે નવો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આજે આ અંડરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંડરબ્રિજમાંથી રોજના 3 લાખ લોકો અને 50 હજાર વાહનો પસાર થાય છે. અંડરબ્રિજ ખુલ્લો મૂકાતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. આ અંડરબ્રિજનું નામ CDS બિપીન રાવત રાખવામાં આવ્યું છે. જોકે આજે લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજનું નામ ન હોવાથી ફરીથી રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે.
દર વર્ષે ચોમાસામાં લક્ષ્મીનગર નાળુ ચાર મહિના બંધ રહેતું
દર વર્ષે ચોમાસામાં લક્ષ્મીનગરનું નાળુ ચાર મહિના બંધ રહેતું હતું. કારણ કે, થોડા વરસાદમાં આખેઆખું નાળું વરસાદી પાણીથી ભરાય જતું હતું અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે મશીનો પણ મૂકવામાં આવ્યા છે. આથી ભારે વરસાદમાં પણ તુરંત પાણીનો નિકાલ થઈ શકશે. ચોમાસામાં પણ હવે આ અંડરબ્રિજ ખુલ્લો રહેશે.
વિજય રૂપાણી હાજર ન હોવાથી પત્રિકામાં નામ નથીઃ અરવિંદ રૈયાણી
આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનું નામ ન હોવાને લઈને મંત્રી અરવિંદ રૈયાણીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, વિજય રૂપાણી હાજર રહેવાના ન હોવાથી તેમનું નામ લખવામાં આવ્યું નથી. મેયર ચેમ્બરમાંથી આ પત્રિકામાં કોનું નામ લખવું તેનો નિર્ણય લેવામાં આવતો હોય છે. બાકી વિજયભાઈ પક્ષ માટે આદરણીય જ છે.
રૂપાણીનું અસ્તિત્વ ખતમ કરવા ભાઈ અને ભાઉની લડાઈઃ કોંગ્રેસ
પત્રિકામાં રૂપાણીનું નામ ન હોવાને લઈને કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ અંડરબ્રિજનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આખા કામની અંદર તેઓની ગેરહાજરી જ દર્શાવે છે કે, તેઓને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા તે મુજબ જ આજે તેમને દરેક સ્થળેથી દૂર રાખવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ભાજપની આ આંતરિક લડાઈ છે, રૂપાણીનું અસ્તિત્વ જ ખતમ કરવા ભાઈ અને ભાઉ વચ્ચે લડાઈ ચાલી રહી છે
3 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ
લક્ષ્મીનગર બ્રિજ ખૂબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડિપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની બંને બાજુ 7.50 મીટર પહોળાઈ તથા 4.50 મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સરળતા રહેશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે શહેરના આશરે 3 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.
રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્વનું યોગદાનઃ CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે .રાજકોટ મહાનગરને આધુનિકતાનો રંગ આપવા માટે તેમજ લોકોની સુખાકારી માટે હજુ ઘણા પ્રકલ્પો ચાલી રહ્યા છે. રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્વનું યોગદાન છે. શહેરોમાં કોઈ એક જ બાબતના કાર્યો કરવાના બદલે રાજ્ય સરકારે સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસની નવી વ્યાખ્યા પ્રસ્થાપિત કરી લોકોની સર્વાંગી સુખાકારી ધ્યાનમાં રાખી કાર્યોનો પ્રારંભ કર્યો છે .
રાજકોટમાં 187 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરોના ગંદા પાણીનો નિકાલ તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે, ઉપરાંત શહેરો ટ્રાફિકની સમસ્યાથી મુક્ત થાય એ માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. રાજકોટ માટે જરૂરિયાત મુજબના ટી.પી.ડી.પી મંજૂર કરીને આયોજિત વિકાસ આપવાનો પણ આપણો નેમ છે તેમ જણાવી રાજકોટમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 187 કરોડના 170 કામો કરવાની પણ સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું .
લોકાર્પણમાં ભાજપના નેતાઓ અને આગેવાનો હાજર
લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. ધનસુખ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ, ડે.મેયર ડો.દર્શિતા શાહ, ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈન, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
