રાજકોટના યુવાને આગ પર હેન્ડસ્ટેન્ડ કરી શિલ્પા શેટ્ટીની દિલની ધડકનો વધારી, યુવાન હાથ પર સડસડાટ ચાલે છે

By Abhishek Raghuvanshi
6 Min Read
  • સરકારી વકીલએક સમયે ફી ભરવા પેસા નહોતા, હું 7 ધોરણ સુધી જ ભણ્યો છું, સો. મીડિયામાં હાથ પર ચાલવાનો વીડિયો નિહાળી હેન્ડસ્ટેન્ડ શરૂ કર્યું: સચિન નિમાવત
  • હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકે એવી સ્થિતિ થઇ ગઈ હતી છતાં મન મક્કમ કરીને ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચ્યો
  • અમેરિકાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવાનું સચિનનું સ્વપ્ન છે

ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ એક એવો રિયાલિટી શો છે, જેમાં દેશના અલગ અલગ ખૂણામાંથી આવતા લોકો પોતાનાં કારનામાંનું પ્રદર્શન કરતાં હોય છે. અહીં અમુક કન્ટેસ્ટન્ટનાં પર્ફોર્મન્સ એટલાં ખતરનાક હોય છે, જે જોઈને ભલભલાની આંખો પહોળી થઈ જતી હોય છે. ત્યારે રાજકોટના પણ એક યુવાને એવાં કરતબ કર્યાં કે ત્યાં હાજર જજ મોંમાં આંગળા નાખી ગયાં. આ કરતબ જોઈને શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને મનોજ મુંતશિરના હોંશ ઊડી ગયા હતા.

તમે પણ ચકિત થઈ જશો
વાત થઈ રહી છે રાજકોટના સચિન નિમાવતની.., જેણે માત્ર ધોરણ 7 સુધીનો જ અભ્યાસ કર્યો છે. એક સમયે સ્કૂલ ફી ભરવાના પણ ફાંફાં હતાં ત્યારે યુવકે પાનની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ સોશિયલ મીડિયામાં હાથ પર ચાલતા સ્ટંટનો વીડિયો નિહાળી હેન્ડસ્ટેન્ડ કરવાનું શરૂ કર્યું અને આજે સચિન દીવાલ પર, રેલિંગ પર, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે હાથ પર ચાલી શકે છે. તમે પણ એકવાર જોશો તો ચકિત થઇ જશો.

એક સમયે હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો
ગૌરવની વાત તો એ છે કે રાજકોટનો આ યુવક ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચી ગયો. જોકે ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવા સચિને ઘણી મહેનત પર કરવી પડી છે. હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકે એવી સ્થિતિ થઇ ગઈ હતી. એક સમય એવો પણ હતો, જ્યારે હાથ પર ઊભા રહેવાની વાત તો દૂર, હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો રહ્યો. લોકોએ તો કહ્યું પણ ખરા કે હવે સચિને જિમ્નેસ્ટિકને ભૂલી જ જવું જોઈએ. એમ છતાં સચિન હિંમત ન હાર્યો અને આજે અહીં સુધી પહોંચ્યો છે. અમેરિકાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચવાનું સચિનનું સ્વપ્ન છે.

લોહી નીકળતું તો પાણીની ડોલમાં હાથ બોળી દેતો
પોતાની આ સિદ્ધિ અંગે સચિને જણાવ્યું હતું કે એક સમયે સ્કૂલમાં 900 રૂપિયા ફી ભરવાની હતી, પણ જો એ આપું તો ખાઉં શું? ઘર ચલાવવામાં મોટો ખાડો પડે એટલે માંડી વાળ્યું. હાથ પર ચાલવાનો એક વીડિયો ઓનલાઇન જોઈને મેં હેન્ડસ્ટેન્ડ શરૂ કર્યું હતું, મને તરત જ ફાવટ આવી ગઈ. શરૂઆતમાં બે હાથ પર અને પછી એક હાથ પર શરૂ કર્યું. એના માટે કાંડા મજબૂત હોવા જરૂરી છે, નહીંતર વજનને કારણે કાયમી ખોટ આવી શકે છે. એના માટે ધૂળ ભરેલી ગૂણીમાં પંચ મારીને પ્રૅક્ટિસ કરી, જો લોહી નીકળે તો પાણીની ડોલમાં હાથ બોળી દેતો.

- Advertisement -

નાનકડો વીડિયો પોસ્ટ કર્યો
તેણે વધુમાં જણાવ્યું હતું કેએક વ્હોટ્સએપ ગ્રુપમાં મારો એક નાનકડો વીડિયો પોસ્ટ કર્યો અને જિમ્નેસ્ટિકના મેડમનો કોલ આવ્યો કે તમે બાળકોને ટ્રેનિંગ આપી શકો? મને ન તો અંગ્રેજી આવડતું, ન તો ટ્રેનિંગ આપવાની ખબર કે ન તો જિમ્નેસ્ટિક શું છે એની કોઈ ખબર હતી. પણ જયારે તેમણે મને સર કહીને બોલાવ્યો તો મને એમ લાગ્યું કે જે હું કરું છું એમાં કંઈક તો વાત છે. આ પ્રસંગે મને પહેલી વાર સન્માન મળ્યું.

હું 85 જગ્યાએ હેન્ડસ્ટેન્ડ કરી ચૂક્યો છું
તેણે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હું હેન્ડસ્ટેન્ડ 85 જગ્યાએ કરી ચૂક્યો છું, દીવાલ, રેલિંગ, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે કરી શકું છું. એક વખત હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકું એવી સ્થિતિ થઇ ગઈ. જોબ બંધ થઇ ગઈ અને પગાર પણ બંધ, જવાબદારી તો એટલી જ હતી. હાથ પર ઊભા રહેવાની વાત તો દૂર, હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો. ધીમે ધીમે અલગ અલગ વસ્તુઓ બાંધીને પ્રેક્ટિસ કરી. લોકોએ તો મનાઈ કરી દીધેલી કે હવે મારે જિમ્નેસ્ટિકને ભૂલી જ જવું જોઈએ. પાણીની બોટલ બાંધી, ટાયર બાંધ્યા એક ટાયરથી શરૂઆત કરી અને પછી વધારતો ગયો.

વિદેશોમાં હેન્ડસ્ટેન્ડની સ્પર્ધાઓ યોજાય છે
સચિને જણાવ્યું હતું કે ફરી પાછો જિમ્નેસ્ટિકમાં આવી ગયો અને ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટ સુધી પહોંચી ગયો. એક મિનિટ સુધીનો ગોલ રાખ્યો હોય અને 59 સેકન્ડ થઈ તો ફરીથી શરૂ કરતો. ક્યારેય પાછું વાળીને નથી જોયું, સતત કઠણ પરિશ્રમ કરું છું અને મને એકવાર માન મળ્યું છે એટલે હવે ફરીથી પાનના ગલ્લે નથી જવું. અહીં તો એટલો સ્કોપ નથી પણ વિદેશોમાં હેન્ડસ્ટેન્ડ, હેન્ડવોકની સ્પર્ધાઓ યોજાય છે એમાં ભાગ લેવો છે.

એક રમતમાં ચોક્કસ ભાગ લેવડાવો
તેણે જણાવ્યું હતું કે ઈન્ડિયાઝ ગોટ ટેલન્ટમાં આગળ વધવું છે. રાજકોટને કહીશ કે લોકો ગમે તે કહે, પણ તમારાં બાળકોને તેમના શારીરિક ધોરણને ધ્યાનમાં લઇને એક રમતમાં ચોક્કસ ભાગ લેવડાવો. ફિઝિકલ એક્ટિવિટીથી તેમનામાં શારીરિક જ નહિ, પણ માનસિક પણ જરૂરથી ફાયદો થશે, તેમનામાં આત્મવિશ્વાસ, ખેલદિલી અને સ્પોર્ટ્સમેનશિપ આવશે, જે જીવનમાં આગળ વધવા માટે જરૂરી છે. બધાએ અવ્વલ આવવું જરૂરી નથી, પણ ભાગ લેવો જરૂરી છે.

Exit mobile version