- છેલ્લાં 20 વર્ષમાં ફિરોઝ ખાને સ્થિતિને બદથી બદતર થતી જોઈ છે
આજે બે દાયકા બાદ એવું કહેવામાં આવે છે કે ગોધરાકાંડ અને ત્યાર બાદનાં રમખાણોએ અનેક લોકોના આચાર-વિચાર બદલી નાખ્યા છે. આ ઘટના બાદ હજી એવા લોકો સમાજમાં છે, જેમના પોતાના સંબંધ આજે પણ યથાવત્ છે. અમદાવાદના ગુલબર્ગકાંડમાં પોતાનો પરિવાર ગુમાવી દેનાર ફિરોઝ ખાન કહે છે કે ભલે મારું સર્વસ્વ જતું રહ્યું, અમે આસમાનથી ફર્સ પર આવી ગયા છીએ, પરંતુ અમારા સંબંધ અને અમારી સાથે સંબંધ રાખતા લોકોમાં આજે પણ એ જ લાગણી છે અને તેમની સાથે આજે પણ અમારી મિત્રતા યથાવત્ છે. અમારા ઘરે ઇદ પર આવતા લોકોનું સરનામું બદલાયું છે, પણ લાગણી તો એની એ જ છે.
‘હજુપણ માનું નામ સાંભળી આંખો આંસુથી છલકાઈ જાય છે’
ફિરોઝ ખાન પઠાણ ગુલબર્ગ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ હંમેશાં પરિવારમાં લાડમાં ઊછર્યા હતા. તેમના લગ્નની તૈયારી થવાની હતી, પણ એ પહેલાં તેમના પરિવારનાં માતા સહિત સંખ્યાબંધ લોકો હિંસક ટોળાનો ભોગ બની ગયાં હતાં. તેમના લગ્નમાં તેમની માતાએ અનેક પ્રસંગો ઊજવવાની યોજના કરી હતી, પરંતુ આજે માનુ નામ સાંભળીને તેમની આંખો આંસુથી છલકાઇ જાય છે. ફિરોઝ ખાન દિવ્ય ભાસ્કર સાથે ગુલબર્ગ સોસાયટી આવ્યા હતા. તેમણે તેમની યાદ અને પોતાનું ઘર જે આજે ખંડેર બની ગયું છે એ બતાવ્યું હતું. આજે પણ સોસાયટીમાં પ્રવેશ કરતાં જ ફિરોઝ ખાન ભાવુક થઇ ગયા હતા. માતા પિતાએ આપેલા સંસ્કાર આજે પણ સાચવી રાખ્યા છે. તેઓ આજે પણ આ વિસ્તારના હિંદુ લોકો સાથે સબંધ રાખે છે.
‘ખબર ન હતી કે સુરત જઈને જિંદગી બદલાઇ જશે’
તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 2002માં મારા લગ્નની ઘડીઓ ગણાતી હતી. સંયુક્ત પરિવારમાં રહેતા મારા માટે તેમનાથી અલગ રહેવું શક્ય જ નહોતું. હું મારી માતાથી નારાજ થાઉ તો કાકી અને કાકી સાથે લડીને મોટી મમ્મી સાથે લાડ કરતો હતો, પરંતુ પરિવારમાં કોઈ રહ્યું જ નહીં. તેઓ કહે છે કે 28 ફેબ્રુઆરીએ કામથી સુરત ગયો હતો. ક્યારેય એવું વિચાર્યું નહોતું કે આ સફર બાદ મારી જિંદગી બદલાઇ જશે. હું મારી માતાને ક્યારેય જોઈ નહીં શકું. 28 ફેબ્રુઆરીના રોજ ગુલબર્ગ હત્યાકાંડમા મારા પરિવારના સભ્યોનાં મોત નીપજ્યાં હતાં, એમાં મારી માતા પણ સામેલ હતી.
‘આ 20 વર્ષમાં અમે આસમાનથી ફર્સ પર આવી ગયા’
તેમણે વધુમાં કહ્યું હતું કે મારા પરિવારના બચી ગયેલા સભ્યો રેફ્યુજી કેમ્પમાં હતા. મને ખબર નહોતી કે તેઓ બચ્યા છે કે નહીં. ધીમે ધીમે હું મારા પરિવારના બચી ગયેલા સભ્યોને મળ્યો હતો. ફિરોઝ જખાને જણાવ્યું હતું કે મેં ઝાફરી સાહેબના ઘરે અનેક નેતાઓ હસ્તીઓને આવતા જોયા છે, જેમાં પૂર્વ મંત્રી, મુખ્યમંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી પણ આવી ચૂક્યા હતા. અહીં આટલા બધા લોકો આવતા એટલે અમને ક્યારેય ડર ન હતો. દરેક ધર્મના લોકો સાથે ખૂબ સારા સંબંધ હતા. આજે 20 વર્ષ થઇ ગયાં છે, અમારી સ્થિતિ બદથી બદતર થતી જોઈ છે, પણ અમારી સાથે સંબંધ રાખતા લોકો અને મારા સબંધોમાં આજે પણ ફરક પડ્યો નથી. મારા ઘરે ઇદ પર આવતા લોકો આજે પણ આવે છે, પરંતુ આ જગ્યા આજે ગુલબર્ગ સોસાયટી નથી.
