- મોબાઇલ ફોનના વળગણે બે સગીરના જીવ લીધા
- ડિંડોલીમાં ફોન રિપેર ન થતાં કિશોરીનો આપઘાત
મોબાઈલ ફોનના વપરાશ બાબતે માતાએ ઠપકો આપતાં લિંબાયતમાં એક કિશોરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જ્યારે અન્ય એક બનાવમાં ડિંડોલીમાં મોબાઈલ ફોન રિપેર ન થતાં આવેશમાં આવીને કિશોરીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
માતાના ઠપકાથી માઠું લાગ્યું હતું
લિંબાયત મહાપ્રભુનગરમાં રહેતો કિયામુદ્દીન અનસારી સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમનો 17 વર્ષનો દીકરો અશરફ ધોરણ 10નો અભ્યાસ કર્યા બાદ ડ્રોપ લીધો હતો. હાલમાં જ તેણે ધોરણ 11માં પ્રવેશ લીધો હતો. અશરફ મોટા ભાગનો સમય મોબાઇલ ફોનમાં ગેમ રમવામાં અને સોશિયલ મીડિયામાં ગાળતો હતો. શાળાઓ શરૂ થવાની હોવાથી માતાએ મંગળવારે તેને ભણવામાં સમય આપવાનું કહીને મોબાઇલ ફોન જોવા બાબતે ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગી આવતાં અશરફે પોતાના ઘરના પહેલા માળે આવેલા રૂમમાં જઇને રૂમને અંદરથી બંધ કરી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં માતાના ઠપકાને કારણે કિશોરે પગલું ભર્યું હોવાનુું સામે આવ્યું છે.
મોબાઈલ ન મળતાં કિશોરી નાસીપાસ થઈ ગઈ હતી
બીજા બનાવમાં ડિંડોલી ગણેશનગર પાસે ખોડલકૃપા નગર સોસાયટીમાં રહેતા નિલેશ રમેશભાઇ સિમ્પી ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની 16 વર્ષની દીકરી ઉર્વશી ઉર્ફે ટીના ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હાલમાં તેણે અભ્યાસમાં ડ્રોપ લીધો હતો. ઉર્વશીને મોબાઇલ ફોનનું ભારે વળગણ હતું. તેણનો મોબાઇલ ફોન થોડો સમય પહેલાં બગડી ગયો હતો. મોબાઇલ ફોન રિપેર કરવા માટે દુકાનમાં આપ્યો હતો. જોકે મોબાઇલ જલદી રિપેર થઇને ન આવતાં તે નાસીપાસ થઇ ગઇ હતી અને ગઇકાલે સાંજે ઉર્વશી ઘરમાં એકલી હતી ત્યારે તેણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
લખનઉમાં સગીર દીકરાએ PUBG માટે માતાની હત્યા કરી હતી
લખનઉમાં PUBG ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી હતી. એ પછી તે માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. 10 વર્ષની બહેનને પણ ધમકાવીને રોકી રાખી હતી. મૃતદેહમાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થયા પછી તેણે આર્મીમાં અધિકારી એવા પિતાને ફોન કરીને જણાવ્યું કે તેણે માતાની હત્યા કરી છે. પિતાએ આ અંગે પોલીસને જાણ કર્યા પછી મંગળવારે રાતે પોલીસે શબને બહાર કાઢ્યું હતું.
