માલધારીઓની દૂધ-હડતાળ સફળ:આખા ગુજરાતમાં દૂધનો સવારથી જ કકળાટ, પિતૃઓનું શ્રાદ્ધ કરવા દૂધ માટે લોકોનાં વલખાં: દૂધ પાર્લરોને તાળાં, સપ્લાય ખોરવાયો

By Abhishek Raghuvanshi
8 Min Read

માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે મંગળવારે મોડી સાંજથી શરુ થયેલી દૂધની અછત બુધવારે સવારે તો રીતસર દૂધના કકળાટમાં તબદિલ થઈ ગઈ છે. આખા રાજ્યમાં ઠેર-ઠેર ‘દૂધ નથી’નાં પાટિયાં લાગી ગયાં છે. એટલું જ નહીં, રાજકોટ, સુરત સહિત ઘણાં ઠેકાણે દૂધ સપ્લાય કરતાં વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધમાં દૂધપાક માટે દૂધ મેળવવા લોકોને રીતસર વલખાં મારવાં પડ્યાં છે. દૂધનો સપ્લાય ચાલુ રહેશે એવી વાતો પોકળ સાબિત થવા વચ્ચે દૂધની આખો દિવસ તંગી રહેશે એ નક્કી છે.

રાજકોટ-સુરતમાં ટોળાએ હજારો લિટર દૂધ ઢોળી દીધું
ગુજરાત સરકાર સામે માલધારી સમાજના વડા ઘનશ્યામપુરી બાપુએ ક્યાંય દૂધ ન ઢોળવા અપીલ કરી છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં એરપોર્ટ રોડ તેમજ સુરતના કેટલાક વિસ્તારોમાં દૂધનો સપ્લાય કરી રહેલાને આંતરી તેમનું દૂધ ઢોળી દેવાયાની ઘટના બની છે. રાજકોટ અને સુરતમાં ટોળાં ગઈકાલ રાતથી જ દૂધનો સપ્લાય રોકવા મેદાને પડ્યા છે. આમાં આજે સવારથી જ દૂધ લઈને જતાં વાહનોને આંતરી ટોળાએ કેનમાં ભરેલું હજારો લિટર દૂધ રસ્તા પર વહેવડાવી દીધું હતું. જોકે ઘનશ્યામપુરી બાપુએ દૂધ ન ઢોળવા અપીલ કરતાં જણાવ્યું છે કે આને બદલે દૂધ ગરીબોને પિવડાવવું અથવા મંદિરોમાં આપવું અથવા ખીરનો દ્વારકાધીશ ભગવાનનો પ્રસાદ બનાવીને વિતરણ કરવું.

‘દાદાના શ્રાદ્ધ માટે સવારથી દૂધ માટે ધક્કા ખાઈએ છીએ’
વડોદરામાં રહેતાં સીમાબેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે “આમ તો દૂધ વિના ચલાવી લઈએ, એકાદ દિવસ ચા ના મળે તો વાંધો નહીં, પરંતુ આજે મારા દાદાનું શ્રાદ્ધ છે તો દૂધપાક બનાવવા દૂધની જરૂર પડે. અમે સવારથી જ ઘરના લોકો અલગ-અલગ જગ્યાએ દૂધ મળે એ માટે ધક્કા ખાઈ રહ્યા છીએ, પરંતુ વડોદરામાં ઠેર-ઠેર દૂધ નથી એવાં પાટિયાં લાગ્યાં છે. હવે શ્રાદ્ધપક્ષમાં જ દૂધની આવી અછત થાય તો કામ કઈ રીતે ચલાવવું. હવે અહીંથી એકાદ-બે કોથળી મળી જાય તોપણ થોડોક દૂધપાક બનાવીને કામ ચલાવી લઈશું.”

અમદાવાદમાં તો ગઈકાલ રાતથી જ દૂધનો સ્ટોક ખલાસ!
અમદાવાદ શહેરમાં તો ગઈકાલ રાતથી જ દૂધનો સ્ટોક ખલાસ થઈ ગયો હતો. લોકોએ ગઈકાલ સાંજથી જ દૂધની બલ્કમાં ખરીદી કરવા માંડી હતી. જે લોકોને સામાન્ય દિવસોમાં ચાર થેલી જોઈએ તેઓ 12-15 થેલી લઈ જતા હતા. સુપરમાર્કેટમાં તો ગઈકાલે બપોરનો જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. આ સ્થિતિમાં આજે દિવસભર અમદાવાદમાં દૂધનો કકળાટ રહેશે. અમદાવાદમાં કેટલાક દૂધ-વિક્રેતા સ્વૈચ્છિક દૂધનું વેચાણ ન કરવાનું પણ જણાવી રહ્યા છે. ત્યારે અમૂલ પાર્લર પર દૂધ મળી ગયું હોવાનું કેટલાક લોકો જણાવી રહ્યા છે. દૂધનો સપ્લાય જારી રહેશે એવી અમૂલ ડેરીના સત્તાવાળાઓએ કરેલી વાત પણ પોકળ સાબિત થઈ હતી.

- Advertisement -

દૂધનું પીલાણ કરી ઘી કાઢી લાડુ બનાવી ગાય-કૂતરાને ખવડાવશે
સુરતમાં અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં માલધારીઓએ રાતે બેઠકો કરી હતી, જેમાં એકસૂર સાથે લડાઈ લડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ડભોલી રોડના માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ નહીં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ માલધારીઓનું હજારો લિટર દૂધ એક જ જગ્યાએ એકત્રિત કરવામાં રહ્યું રહ્યું છે. માલધારીઓએ હજારો લિટર દૂધનું પીલાણ કરવા માટે મશીનની વ્યવસ્થા કરી છે. દૂધ પીલાણ દરમિયાન મલાઈ કાઢી ઘી બનાવાશે અને આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવીને સરકાર સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવશે.

માલધારી સમાજ લડી લેવાના મૂડમાંઃ મહાપંચાયત
સુરત માલધારી મહાપંચાયત સહકન્વીનર અશ્વિન રબારીએ જણાવ્યું હતું કે સરકાર માત્ર એક મુદ્દાને લઈને માલધારીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે, પરંતુ માલધારીઓ અન્ય 9 મુદ્દાની માગોને લઈને સરકાર સામે વિરોધ યથાવત્ રાખશે. આગામી સમયમાં ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા જે કાર્યક્રમો નક્કી થાય એ પ્રમાણે સુરતના માલધારીઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવશે. જોકે અમારો ઈરાદો કદાપી લોકોને તકલીફ પહોંચાડવાનો નથી. અમે પ્રજાની પડખે જ છીએ અને પ્રજાનું અહિત નથી ઈચ્છતા, પરંતુ અમારી માગો માટે આ સિવાય બીજો રસ્તો નથી રહ્યો.

રાજકોટમાં 1500 જેટલી ચાની દુકાનો આજે બંધ રહેશે
રાજકોટ ટી એસોસિયેશનના ઉપપ્રમુખ રઘુભાઇ ભૂવાએ જણાવ્યું હતું કે રાજકોટમાં નાનામોટા 1500 જેટલા ટી-સ્ટોલ આવેલા છે. એસોસિયેૉશન સાથે સંકળાયેલા વેપારીઓએ આજે બંધ પાળ્યું છે. સરકાર અમારી માલધારીઓની માગણી નહિ સંતોષે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખાલી ચાના વેપારીઓને નુકસાન નથી, અમારી સાથે સંકળાયેલા નાના-મોટા માણસોની રોજી રોટી પણ અટકી રહી છે, માટે સરકારને વિનંતી છે કે જલદીથી અમારી માગણી સંતોષી હકારાત્મક વલણ અપનાવે. આમ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ વિરોધ થશે.

સુરતમાં દૂધ લેવા માટે પડાપડી, સ્ટોક પૂરો થતાં ગ્રાહકો પરત ફર્યા
માલધારી સમાજ દ્વારા ડેરીઓમાં દૂધ ન ભરવા માટેની જાહેરાત કરાઈ હતી. મંગળવારે મોડી સાંજથી શરૂ થયેલો દૂધનો કકળાટ બુધવારે પણ જારી રહ્યો છે. માલધારી સમાજ દ્વારા દૂધ વેચાણ કરાશે નહીં અને બીજી તરફ જે ડેરીનું દૂધ આવ્યું એનો પણ સ્ટોક ખાલી થઈ ગયો છે. એને કારણે બુધવારે સ્થિતિ વધુ વણસી છે. દૂધ માટે સવારથી જ દૂધ પાર્લર કે અન્ય કરિયાણાની દુકાન પર લાઈનો લાગી હતી, પરંતુ દૂધનો સ્ટોક ન હોવાથી ગ્રાહકોએ ખાલી હાથે પરત પડ્યું હતું. દૂધ ન મળવાની શક્યતાને કારણે ગ્રાહકોએ પણ વધુ પ્રમાણમાં દૂધ ખરીદી લીધું હતું. એકને બદલે બે દૂધની થેલીઓ ખરીદતા ગ્રાહકો જોવા મળ્યા હતા. શહેરનાં કેટલાંક સ્થળ પર માલધારી સમાજના યુવકો દ્વારા સુમૂલ ડેરીના દૂધના ટેમ્પા અને રસ્તામાં રોકી લીધા અથવા દૂધનો સ્ટોક દુકાનોમાં ખાલી કરતાં અટકાવવામાં આવ્યા હતા.

વધુ સ્ટોક મગાવાયો છતાં દૂધ ખલાસ, અમૂલનું દૂધ હવે કાલે આવશે
દૂધની હડતાળને પગલે મંગળવારે સાંજથી જ રોજ કરતા લોકો વધુ દૂધ લઈ જતા જોવા મળ્યા. અમૂલ પાર્લર પર પણ લોકોની ભીડ જામી હતી. પાર્લર પર રેગ્યુલર કરતાં વધારે દૂધ મગાવ્યું છતાં મંગળવાર રાતથી જ દૂધ પૂરું થઈ ગયું છે. અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ભારે દૂધની અછત સર્જાઈ છે. શાહીબાગમાં આવેલી ભવાની ડેરીના મલિક અરુણ માળીએ જણાવ્યું હતું કે મેં રેગ્યુલર દૂધ મગાવવું એટલું જ મગાવ્યું હતું. મારું દૂધ રાતે 11 વાગ્યા સુધી વેચાય છે, પરંતુ આજે 8 વાગ્યાના અરસામાં જ દૂધ પૂરું થવા આવ્યું છે. લોકો જેટલું રોજ લઇ જાય એનાથી 2થી 3 ગણું દૂધ અત્યારે લઈને જઈ રહ્યા છે. ગિરધર ડેરીના મલિક ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, આમ તો દૂધની અછત નથી. ડેરીમાં આવતું છૂટક દૂધ બુધવારે નહીં આવે, અમૂલનું દૂધ પણ ક્યારે આવશે તે નક્કી નથી.

બરોડા ડેરીના પાર્લરો પણ ખાલી, આખા શહેરમાં ક્યાંય દૂધ નથી
મંગળવારે સાંજે બરોડા ડેરીના ઉપ-પ્રમુખ ગણપતસિંહે જણાવ્યું હતું કે બુધવાર સવાર માટે દૂધનું પેકિંગ થઈ ગયું છે અને એનું સવારે નિયમિત વિતરણ પણ થશે. પરંતુ આશ્ચર્યજનક રીતે બરોડા ડેરીના પાર્લરો સુધી બુધવારે સવારે દૂધ પહોંચ્યું જ નહોતું. ગ્રામ્ય વિસ્તારના વિવિધ પશુપાલકો પાસેથી આવતું દૂધ પણ અટકી ગયું હતું, જેથી દૂધની તંગી સર્જાઈ હતી. વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં બરોડા ડેરીનું દૂધ વેચતા એક વિતરકે નામ અને વીડિયો નહીં લેવાની શરતે જણાવ્યું છે કે અમને માલધારીઓએ કહી દીધું છે કે છૂટક કે પેકિંગમાં પણ અમે તમને દૂધ વેચવા નહીં દઈએ, સાથે જ આ વિસ્તારમાં જે ચાની કીટલીના ધારકો છે તેમને પણ કહી દેવામાં આવ્યું છે કે આવતીકાલે તમારી ચાની લારી ખુલ્લી રાખજો, પણ દૂધની કોઈપણ વસ્તુ ચા કે કોફી બનાવતા નહીં.

Exit mobile version