શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલી મોટેલ ધી વિલેજ હોટલ સામે રોડ પર કાર પાસે ઊભા રહી એક શખસ હવામાં ફાયરિંગ કરતો હોય એવો વીડિયો ફરતો થયો હતો, હવામાં ફાયરિંગના ધડાકા વીડિયોમાં સ્પષ્ટ સંભળાતા હતા, ભડાકા કરનાર વાજડીનો રમેશ ખિમાણિયા હોવાનું ખૂલ્યું હતું, આ મામલો પ્રકાશમાં આવતાં જ યુનિવર્સિટી પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે શોધખોળ શરૂ કરી
આ મામલે પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે હવામાં ફાયરિંગ કરનાર વાજડીનો રમેશ હોવાનું સ્પષ્ટ થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે તેના ઘરે મળી આવ્યો નહોતો.
આરોપી હથિયાર બતાવી લોકોને હેરાન કરતો
વીડિયો ફરતો થતાં જ લોકોમાં ચર્ચાતું હતું કે ભાજપ આગેવાનનો ભત્રીજો રમેશ ખિમાણિયા મેટોડા વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને હેરાન કરતો રહે છે, માથાભારે શખસ ત્રાસ આપતો હોવા છતાં તેની સામે અવાજ ઉઠાવવાની કોઇ હિંમત કરી શકતું નહોતું, હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર રમેશ ખિમાણિયાની જાહેરમાં સરભરા કરી પોલીસ તેને કાયદાનું ભાન કરાવે તેવી લોકોમાં માગ ઊઠી હતી.
