નવરાત્રિ ગ્રુપ ઓફ ધ ડે:22 વર્ષથી ગરબાના મેદાનને ગજવતું જલધારા ગ્રુપ, 25 કે 50 નહિ 150 મેમ્બરનો મેદાનને લાઇવ કરી દે એવો તરવરાટ

By Abhishek Raghuvanshi
4 Min Read
https://timenews.today/img/2022/09/My-Video14-1.mp4

ખેલૈયાઓનું ગ્રુપ નવરાત્રિના એકથી બે મહિના પહેલાં જ તૈયારીઓ કરે છે અને ત્યાર બાદ નવરાત્રિના નવ દિવસ અવનવાં સ્ટેપ સાથે ગરબા રમતા હોય છે, ત્યારે દિવ્ય ભાસ્કર તમને ખેલૈયાઓના ગ્રુપ ઓફ ધ ડે વિશે જણાવી રહ્યું છે. અમદાવાદીઓ ત્રણ વર્ષ બાદ નવલી નવરાત્રિમાં ગરબા રમવાની મજા માણી રહ્યા છે. ત્યારે શહેરમાં અનેક સ્થળે ગરબાનાં આયોજન થયાં છે, જેમાં પહેલા નોરતે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ગરબામાં એક ગ્રુપ સૌની આંખે ઊડીને વળગતું હતું. આ ગ્રુપમાં એક-બે કે ત્રણ નહીં, પરંતુ 150 જેટલા લોકો સામેલ હતા. મણિનગરના જલધારા ગ્રુપમાં 9 વર્ષની બાળકીથી લઈને 60 વર્ષ સુધીના લોકો હતા. ત્યારે આ 150 મેમ્બરનું ગ્રુપે 3 લાઈનમાં અવનવાં સ્ટેપ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

22 વર્ષથી ગ્રુપ ચાલે છે, 300 સુધી મેમ્બર હોય છે
નવરાત્રિના પ્રથમ દિવસે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા કર્ણાવતી ગરબામાં મણિનગર વિસ્તારના જલધારા ગરબા ગ્રુપના 20, 25, 50 નહીં, પરંતુ 150 જેટલા લોકો એકસાથે ગરબા રમ્યા હતા. ગ્રુપના ખેલૈયાઓએ ત્રણ લાઈનનો રાઉન્ડ બનાવી ગરબે ઘૂમ્યા હતા. આ ગરબામાં 9 વર્ષના બાળકથી લઈ અને 60 વર્ષ સુધીના લોકો ગરબે ઘૂમ્યા હતા. નાનાં બાળકો, યુવકો, યુવતીઓ અને મહિલાઓ પણ આ ગ્રુપમાં ગરબે ઘૂમ્યા હતા. મણિનગર જલધારા ગ્રુપ છેલ્લા 22 વર્ષથી ચાલે છે અને આ ગ્રુપમાં દર વર્ષે 300 જેટલા લોકો જોડાતા હોય છે. નવરાત્રિના નવ દિવસ અલગ અલગ ગ્રુપ બનાવીને તેઓ વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબા રમવા માટે જતા હોય છે. ગ્રુપમાં કામીક્ષા આસોડિયા તેમના નવ વર્ષના પુત્ર જૈનિષ સાથે ગરબા રમ્યા હતા.

9 વર્ષની બાળકી જલધારા ગ્રુપમાં મેમ્બર છે.

ગ્રુપ મેમ્બર માતા-દીકરીની જોડી ચાર વર્ષ ઈનામ જીતી
મણિનગર વિસ્તારમાં જ રહેતાં યોગીતાબેન પાટડિયા તેમની 18 વર્ષની પુત્રી વૈદેહી સાથે છેલ્લાં દસ વર્ષથી જલધારા ગ્રુપમાં ગરબા રમવા માટે જાય છે. માતા અને પુત્રીની અનોખી જોડી નવરાત્રિના નવ દિવસ અવનવાં અને અલગ અલગ સ્ટેપ કરીને ગરબે ઘૂમે છે. માતા અને પુત્રીની જોડી એટલી અનોખી છે કે તેઓ એક-એક સ્ટેપ એકસાથે જ કરે છે અને તેમને આજદિન સુધી ક્યારેય સ્ટેપમાં એકબીજાની ભૂલ પડી હોય એવું બન્યું નથી. માતા-પુત્રીની જોડીએ ચાર વર્ષ પહેલાં ઇનામ પણ જીત્યાં છે. મણિનગરના જલધારા વોટરપાર્કમાં ગરબા યોજાતા હતા તેમાં માતા-પુત્રીની જોડીએ ગરબામાં ઇનામ જીત્યું હતું. જ્યારે તેમની પુત્રી વૈદેહીએ બે વર્ષ પહેલાં મણિનગર વિસ્તારમાં જ એક પાર્ટી પ્લોટમાં યોજાયેલા ગરબામાં ઇનામમાં એલઇડી ટીવી પણ જીત્યા હતા.

માતા-દીકરીની જોડી જલધારા ગ્રુપમાં સાથે ગરબે ઘૂમે છે.

યોગીતા પાટડિયા 10 વર્ષથી ગ્રુપ મેમ્બર
યોગીતાબેન પાટડિયાએ જણાવ્યું હતું કે હું જલધારા ગ્રુપમાં છેલ્લાં દસ વર્ષથી ગરબા રમું છું અને મારી દીકરી અને હું બંને સાથે જ ગરબા રમીએ છીએ. આ ગ્રુપમાં ખૂબ જ સારી રીતે ગરબા શિખવાડવામાં આવે છે અને અમે નવરાત્રિના નવ દિવસ સારી રીતે ગરબા કરતા હોઈએ છીએ. છોકરીઓ માટે આ ગ્રુપ ખૂબ જ સેફ પણ છે. નવરાત્રિના નવ દિવસ અમે આ દિવસોની રાહ જોતા હોઈએ છીએ.

- Advertisement -
યોગીતા અને વૈદેહી પાટડિયા.

વૈદેહી નવરાત્રિની રાહ જુએ છે
યોગીતાબેનની પુત્રી વૈદેહીએ જણાવ્યું હતું કે મને ગરબાનો ખૂબ જ શોખ છે અને હું મારી માતા સાથે ગરબા રમું છું. અમે દર વર્ષે રાહ જોઈએ છીએ કે ક્યારે નવરાત્રિ આવે અને હું અને મારી માતા સાથે ગરબા રમીએ, એની રાહ જોતા હોઈએ છે. જલધારા ગ્રુપમાં અવનવાં સ્ટેપ દર વર્ષે શિખવાડવામાં આવે છે અને ગરબા રમવામાં ખૂબ જ મજા આવે છે. કોરોનાનાં બે વર્ષ પહેલાં મેં બમ્પર પ્રાઇઝ પણ ગરબામાં જીત્યું હતું.

નવ વર્ષના દીકરા જૈનિષ સાથે કામીક્ષા આસોડિયા.
જલધારા ગ્રુપના મેમ્બરની રાસની રમઝટ
ગ્રુપ મેમ્બરમાં ગરબા રમવાનો ઉત્સાહ.
ગરબા ઘૂમતા ખેલૈયાઓ
ગરબા રમતા ખેલૈયાઓ
Exit mobile version