રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ત્રણ દરવાજા ચોકમાં આવેલ ગાંધીજીના સ્ટેચ્યુમાંથી ચશ્મા ગુમ થઈ ગયા છે. સીસીટીવીથી સજ્જ અને લોકોની સતત અવરજવરવાળા વિસ્તારમાં જ કોઈ ચશ્મા ઉતારીને પલાયન થઈ જતા ભારે રોષ ફેલાયો છે. આથી તત્કાલ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ ઉઠી છે. બીજી તરફ રાજકોટમાં સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુમાં કોઈ ટીખળખોરે બન્ને પગ બાંધી દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
લોકોએ જવાબદારને પકડી કાયદાનું ભાન કરાવાની માગ કરી
ધોરાજી શહેરના હાર્દ સમા ત્રણ દરવાજા ચોક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. જોકે, આ સ્ટેચ્યુ પરથી ગઇકાલે કોઈ ટીખળખોરે બાપુના ચશ્મા ઉતારી લેતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં આધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત લોકોની અવરજવર પણ સતત થતી હોય છે. આમ છતાં કોણ ચશ્માં કાઢી ગયું તે કોઈને ખ્યાલ નથી, માટે તાત્કાલિક આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલા લઈને તેમને કાયદાનું ભાન કરાવવા ધોરાજીના લોકોએ માગ કરી છે.
રાજકોટમાં સુભાષચંદ્રના સ્ટેચ્યૂમાં કોઈએ પગ બાંધી દીધા
આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યૂ શહેરના પારેવડી ચોકમાં આવેલું છે, કોઇ માનસિક વિકૃત શખ્સે પ્લાસ્ટિકની દોરીથી સ્ટેચ્યૂમાં બંને પગ બાંધી દીધા હતા, સ્ટેચ્યૂની ચારેય દિશામાં આઇ-વે પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરા છે, છતાં વાહનચાલકોની ભૂલ શોધીને મેમા મોકલનાર પોલીસને આવી ગુસ્તાખી કરનાર શખ્સ કેમેરામાં દેખાયો નહોતો, એટલું જ નહીં પોતાને રાષ્ટ્રપ્રેમી બતાવવા જન્મજયંતી કે નિર્વાણદિને ફૂલહાર કરવા જતાં નેતાઓને પણ શહેરમાં મુકાયેલા સ્ટેચ્યૂની શું સ્થિતિ છે તેની કોઇ ચિંતા નથી, પરંતુ સ્ટેચ્યૂ પાસેથી પસાર થતાં લોકો આ દૃશ્ય જોઇને હચમચી ગયા હતા.
