જ્ઞાતિ-સમાજના નામે બનેલા ‘નેતાઓ’ને ઘેર તો બેસાડ્યા, પણ અંદરખાને ડર તો છે કે ભાજપને ઘેર ના બેસાડી દે

By Abhishek Raghuvanshi
7 Min Read
  • 2016માં પાટીદાર આનંદીબેનને હટાવી જૈન CM બનાવ્યા તો 2017માં જીતના ફાંફા પડ્યા હતા
  • પાટીદાર, કોળી-ઠાકોર સમાજનાચોક્કસ આગેવાનો જ વર્ષો સત્તા ભોગવતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટોની ફાળવણીના મામલે ભાજપ પ્રમુખ પાટીલે ધારાસભ્યોને ફરી ટિકિટ નહીં આપવાનું કઠોર નિવેદન કરીને 24 કલાકમાં જ ફેરવી તો તોળ્યું છે, પણ તેની પાછળનું ચોક્કસ રાજકીય ગણિત છે. આ ગણિત એવું છે કે, ભાજપને અંદરખાને એવો ડર હતો કે, જ્ઞાતિ સમીકરણોના આધારે નેતા બનેલાને ઘેર તો બેસાડ્યા પણ ફરી જો ટિકિટ આપવામાં નહીં આવે અથવા તેમના સમર્થકોને રિપીટ નહીં કરવામાં આવે તો જે તે સમાજના નેતાઓ પક્ષ પલ્ટો કરીને ભાજપને ઘેર બેસાડી શકે છે.

ઘરભેગા થયેલા દિગ્ગજો ભાજપને ઘરે બેસાડવા ગોઠવણમાં?
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી 100 કરતા ઓછી બેઠકો સામે 2022માં 150 બેઠકોની જંગી બહુમતી સાથે ફરી સત્તા પર બેસવા પક્ષના હાઇકમાન્ડે કઠોર નિર્ણય લઈ આખું મંત્રી મંડળ બદલી દીધું છે. જેમાં જ્ઞાતિ આધારિત ગણિત સાથે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ કે જેઓ સમાજ અને જ્ઞાતિના જોરે પક્ષ પર પ્રેશર બનાવી હોદ્દો મેળવનારાને ઘરભેગા તો કરી દીધા છે. પરંતુ આવા દિગ્ગજો ઘેર બેસીને ભાજપને ઘેર બેસાડવા ગોઠવણો કરી શકે તેવા ભયસ્થાનો વચ્ચે પણ નવા નેતાઓને સત્તા સોંપી દીધી છે.

અંદરખાને કોળી સમાજના નેતાઓ ભારે નારાજ
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોળી સમાજના નેતાઓ ભારે નારાજ થઈ રહ્યાં હોવાનો સૂર ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. ભાજપના જ પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ પક્ષની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી, આ જ રીતે પૂર્વ મંત્રી કુંવરજી બાવાળિયા સહિતના કેટલાક નેતાઓ અંદરખાને સમાજની બેઠકોમાં ભાજપ સામે નારાજગી જાહેર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ભાજપે ભૂપેન્દ્ર પટેલને CM બનાવી એક કાંકરે બે પક્ષી માર્યાં
ગુજરાતમાં એક સમયે પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવી જૈન સમાજનાં વિજય રૂપાણીને જ્યારે સત્તા સોંપવામાં આવી તે સમયે પણ ભાજપે હિંમતભર્યો નિર્ણય લીધો હોવાનો સંકેત આપ્યો હતો. પાટીદાર અનામત આંદોલન અને 2015માં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભાજપને ભારે ફટકો પડ્યો હતો.

- Advertisement -

માત્ર એટલું જ નહીં, ગ્રામ્ય અને અર્ધશહેરી મતદારોમાં પાટીદારો ભાજપની વિરૂદ્ધમાં મતદાન કર્યું હોવાનો સ્પષ્ટ સંકેત મળ્યો હતો. ત્યાર બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર વર્ચસ્વવાળી 15 બેઠકો ભાજપે ગુમાવી હતી. તેથી પાટીદારોના રોષનો સામનો કરવો પડશે તેવા સંકેતથી જ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયું છે. પાટીદારને મુખ્યમંત્રી બનાવી ભાજપે 14 ટકા જેટલા પાટીદાર મતદારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમાં પણ ભાજપે પાટીદાર નેતા, લેઉવા કે કડવા પટેલ સમાજ કહે તે નહીં અમો જેને પસંદ કરીએ તેનું પાટીદાર સમાજે નેતૃત્વ સ્વીકારવું પડે તેવી સ્થિતિ બનાવી એક કાંકરે બે પક્ષી માર્યાં છે.

સમાજના આગેવાને કોંગ્રેસમાંથી લાવી સીધા મંત્રી બનાવ્યા હતા
અગાઉના મંત્રીમંડળમાં પાટીદાર હોય કે કોળી કે કોઈ અન્ય સમાજનાં પ્રસ્થાપિત નેતાઓને એક સમયે ભાજપે જ જે તે સમાજને સાથે લેવા માટે આવા આગેવાનોને પક્ષમાં લઈને મંત્રીપદ આપ્યું હતું. જેમાં કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા બન્નેને તેમની સાથે જોડાયેલી વોટબેંકના આધારે જ પક્ષમાં લઈને કેબિનેટ મંત્રી બનાવાયા પણ નવી સરકારમાં આ બન્નેને પડતા મુકાયા હતા.

નીતિનભાઈને પડતા મુકી ઋષિકેશ પટેલને લાવી બેલેન્સ કર્યું
પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પડતા મુકાતા ઉતર ગુજરાતમાં કડવા પાટીદાર પર તેમના પ્રભાવને બેલેન્સ કરવા પહેલા બહુચરાજીમાંથી પૂર્વ ધારાસભ્ય રજની પટેલને પક્ષમાં મહામંત્રી બનાવાયા. પછી પૂર્વ આઈએએસ અધિકારી એમ.એસ.પટેલને ઉપપ્રમુખ અને વિસનગરનાં ધારાસભ્ય ઋષિકેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. તો ઠાકોર સમુદાયના દિલીપ ઠાકોરનું વર્ચસ્વ ઘટાડવામાં તેમને મંત્રીમંડળમાંથી પડતા મુકવાની સાથે પાલી દરબાર અને કાંકરેજના ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલાને કેબિનેટમાં લીધા છે. જે ઠાકોર-ઓબીસી સમુદાયનાં છે

ભરતસિંહની તાકાત સામે લડવા અર્જુનસિંહને ચૌહાણને મંત્રી બનાવ્યા
તો કોંગ્રેસના ભરતસિંહ તથા પ્રમુખ અમિત ચાવડાની તાકાતને બેલેન્સ કરવાના ખેડાના અર્જુનસિંહ ચૌહાણને મંત્રી બનાવાયા છે. કોળી સમાજમાં જે 51 ટકા મતદારો છે તેને બે આંચકા આપ્યા છે. કુંવરજી બાવળિયા અને પરસોતમ સોલંકીને પડતા મુકાયા છે. તેની સામે આ સમાજનાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, ભાવનગરના મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા અને કેશોદનાં દેવા માલમને મંત્રી બનાવ્યા છે.

રાદડિયાને ઘરે બેસાડી, રૈયાણીને લાવ્યા
આ ઉપરાંત સુરેન્દ્રનગરનાં સાંસદ મહેન્દ્ર મુંજપરા કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી છે. લેઉવા પટેલમાં જેતપુર-ધોરાજી-કંડોરણા પંથકમાં જયેશ રાદડિયા પાવરફૂલ ગણાય છે અથવા તેના સ્વ.પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાના કારણે તેઓને વજન મળ્યું હતું અને તેમને પડતા મુકી સામે રાજકોટનાં યુવા લેઉવા પટેલ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રી બનાવી મહત્વના ખાતા પણ આપ્યા છે.

પડતા મુકાયેલા નેતાઓની અવગણના સંભવતઃ નુકસાન કરી શકે
સુત્રો કહે છે કે આ ગણતરીપૂર્વકની ચાલ છે પણ જેઓ પડતા મુકાયા છે તેની ‘તાકાત’ની અવગણના સંભવતઃ નુકસાનન પણ કરી શકે છે. અને જો નવા મંત્રીઓ પોતે જ્ઞાતિ ઉપર પ્રભાવ ન સર્જી શકે તો પક્ષને 2022ની ચૂંટણીમાં મુશ્કેલી પડશે.

સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક
ગુજરાતમાં પાટીદાર વોટબેંક સૌથી પ્રભાવશાળી મનાય છે. પરંતુ હકીકત એ છે કે, જનસંખ્યાની દૃષ્ટિએ કોળી સમાજ 23 ટકા જેટલું પ્રભુત્વ ધરાવે છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 35-37 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 22થી 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10-12 બેઠક ગણી શકાય. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે.

ગુજરાતમાં કોળી મતદારોની ટકાવારી
ભાવનગર – 18%
સુરેન્દ્રનગર – 15%
જૂનાગઢ – 11%
અમરેલી – 12%
પોરબંદર – 11%
નવસારી – 10%
વલસાડ – 08%
ભરૂચ – 07%

કઈ જ્ઞાતિનું કેટલું પ્રભુત્વ
ગુજરાતમાં ઓબીસી સમાજની સૌથી વધુ 42 ટકા જેટલી વસતિ છે. એમાં ઠાકોર, કોળી જેવી જ્ઞાતિઓ પ્રભાવશાળી ગણાય છે. બીજા ક્રમે 14થી 15 ટકા સાથે આદિવાસી મતદારો છે, પરંતુ દક્ષિણ ગુજરાત, નર્મદા-ભરૂચ, ગોધરા અને સાબરકાંઠા વિસ્તાર પૂરતું તેમનું પ્રભુત્વ છે. ત્રીજા ક્રમે આશરે 13થી 15 ટકા સાથે પાટીદાર મતદારો છે, જે ગુજરાતમાં હંમેશાં પ્રભાવશાળી જ્ઞાતિ રહી છે. અનુસૂચિત જાતિ 7-8% વસતિ ધરાવે છે અને દરેક રાજકીય પક્ષ એને નોંધપાત્ર વોટબેંક તરીકે સ્વીકારે છે. ક્ષત્રિય સમાજ 6 ટકા જેટલો છે, પરંતુ તેમાં ઓબીસીમાં સમાવિષ્ટ ક્ષત્રિયોને પણ ઉમેરવામાં આવે તો આ પ્રમાણ વધુ વધી જાય છે. બ્રાહ્મણ, વાણિયા, લોહાણા, જૈન 4થી 7 ટકા છે અને આ જ્ઞાતિઓ મોટા ભાગે ભાજપની કમિટેડ વોટબેંક ગણાય છે

Exit mobile version