જોખમી સ્ટંટ ભારે પડ્યો:સુરતમાં દોડતી બાઇક પર ચપ્પુ સાથે સ્ટંટ કરતા 3 યુવકોની ધરપકડ, સોશિયલ મીડિયા પર રીલ્સ મૂકવા વીડિયો બનાવ્યો હતો

By Abhishek Raghuvanshi
2 Min Read
https://timenews.today/img/2022/09/My-Video12-1.mp4

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો સમાજમાં હાવ અને ડર ઊભો કરવા માગતા હોય તેવા વીડિયો વાઇરલ થઈ સામે આવતા જોવા મળી રહ્યા છે. જાણે તેમને કાયદાનો કોઈ ડર જ ના હોય કે પોલીસનો કોઈ ખોફ જ ના હોય એવો માહોલ બનાવી વીડિયો વાઇરલ કરતા હોય છે. આવો જ એક વીડિયો સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ વાઇરલ કરતાં તેમને ભારે પડી ગયું છે અને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્રણ યુવકનો દોડતી બાઈક પર ચપ્પુ સાથે સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થતાં ધરપકડ કરવામાં આવી હતી.

સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો હતો.

લબરમૂછિયાને બાતમીને આધારે ઝડપી પાડ્યા
બે દિવસ પહેલાં જાહેર રોડ પર હાથમાં ચપ્પુ લઈ બાઈક પર જોખમી સ્ટંટ કરતાં ત્રણ અસામાજિક તત્વોનો વીડિયો વાઇરલ થયો હતો. એજે વીડિયો સુરતના ઉધના વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું, જેને આધારે ઉધના પોલીસે વીડિયો વિશેની તાપસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં વીડિયો પોતાના જ વિસ્તારનો હોવાનું જણાતાં એમાં દેખાતાં આવારા તત્ત્વોને પકડવા પોલીસના માણસોને કામે લગાડ્યા હતા. એમાં ઉધના પોલીસે વીડિયોમાં દેખાઈ રહેલા ત્રણેય આકાશ બહારે, શુભકરણ વિશ્વકર્મા અને હાર્દિક પરાડવા નામના લબરમૂછિયાને બાતમીને આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

સોશિયલ મીડિયા થકી ફેસમ થવા માટે કર્યું.

સોશિયલ મીડિયા પર રીલ્સ મૂકવા વીડિયો બનાવ્યો હતો
સુરતની ઉધના પોલીસે વીડિયોમાં દેખાઈ રહેલા ત્રણેય લબરમૂછિયાઓની ધરપકડ કર્યા બાદ આવું કૃત્ય શા માટે કરી રહ્યા છો એ વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા થકી ફેસમ થવા માટે કર્યું હતું. આ પ્રકારની રીલ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી. આરોપીના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર આવા પ્રકારના વીડિયો અને રીલ્સ ખૂબ જ ઝડપથી લોકો સુધી પહોંચે છે અને ટૂંકા જ સમયમાં મોટી પ્રસિદ્ધિ મળી જાય છે, જેથી આ પ્રકારનું કાર્ય કર્યું હતું.

Exit mobile version