જન્માષ્ટમી પછી મોંઘવારીએ આગ લગાડી:3 દિવસમાં ખાદ્યતેલમાં રૂ.60નો વધારો, શાકભાજી-દૂધ, રાંધણગેસ અને લાઇટ બિલે લોકોની જિંદગી દુષ્કર બનાવી

By Abhishek Raghuvanshi
6 Min Read

જન્માષ્ટમીના તહેવારો પૂરા થતાં જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતાં લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. દૂધ, ખાદ્યતેલ, રાંધણગેસ, શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. સિંગતેલમાં જ બે દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં દૂધના ભાવમાં પણ લિટરે 4 રૂપિયા જેવો વધારો થયો છે, આથી લોકો ‘જાએ તો જાહે કહા’ જેવો ઘાટ સર્જાયો છે. હાલમાં મગફળીની આવક અડધી છે, સામે ડિમાન્ડ છે અને સટ્ટાખોરોએ સંગ્રહખોરી કરતાં કૃત્રિમ તેજી ઊભી થઈ છે. પરિણામે, લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ચાલુ મહિનામાં તેલનો ભાવ એની ઐતિહાસિક સપાટીએ છે.

પ્રતીકાત્મક તસવીર.

રાંધણગેસ અને દૂધનો કમરતોડ ભાવ
9 દિવસ પહેલાં અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયા વધાર્યા હતા. નવા ભાવ પ્રમાણે 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. 31, જ્યારે 500 મિલી અમૂલ તાજાનો ભાવ રૂ. 25 અને 500 મિ.લી. અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ.27 પ્રતિ લિટર છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરાતાં વેચાણ કિંમતમાં ટકાવારીની દૃષ્ટિએ 4%નો વધારો સૂચવે છે. જોકે એ હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઓછો છે. જ્યારે પ્રાઈવેટ ડેરી ફાર્મમાં પણ દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધ્યો છે. ડેરી ફાર્મમાં એક લિટર દૂધનો ભાવ 46થી 70 રૂપિયા સુધી પહોંચ્યો છે તેમજ રાંધણગેસના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હાલ રાંધણગેસનો ભાવ 1060થી લઈ 1072 પર પહોંચ્યો છે.

અઠવાડિયામાં સીંગતેલમાં 75 રૂપિયા વધ્યા
રાજકોટ શહેરના સીંગતેલના વેપારી ભાવેશભાઈ પોપટે જણાવ્યું હતું કે, મગફળીની અછત અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની મિલ બંધ હોવાથી તેમજ સરકારી મગફળીના ઊંચા ભાવના કારણે સીંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે છેલ્લા એક અઠવાડિયામાં સીંગતેલમાં ડબ્બે 50થી 75 રૂપિયા ભાવ વધારો થયો છે. જેના કારણે આજે સીંગતેલનો ભાવ 2950થી 2980 રૂપિયા સુધી પહોંચી ગયો છે. હજુ આગામી એક મહિના સુધી આ ભાવ યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે. આગામી સમયમાં યાર્ડમાં જો નવી મગફળી આવક શરૂ થાય તો ભાવમાં ઘટાડો આવી શકે તેમ છે. અન્યથા ત્યાં સુધી ભાવ ઓછો થવાની શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે, આ સાથે કપાસિયા, પામોલીન તેમજ વનસ્પતિ ઘીના ભાવમાં ઘટાડો જરૂર થવા પામ્યો છે. પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લોકો સીંગતેલ ખાવાનું પસંદ કરતા હોય છે અને મગફળીની અછતના કારણે લોકોએ સીંગતેલના ભાવ વધુ આપવા પડી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

સોમવારે ખુલતી બજારે તેલનો ભાવ રૂ.2850 હતો
તહેવારના સમયે ભાવ બાંધણું હોવા છતાં ફરસાણ અને તેલ લોકોને મોંઘા ભાવનું ખરીદવું પડ્યું હતું. જ્યારે ખૂલતી બજારે ડિમાન્ડ નહીં હોય ત્યારે તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા ઠગારી નિવડી હતી. સોમવારે ખૂલતી બજારે તેલનો ભાવ રૂ. 2850 રહ્યો હતો. મંગળવારે રૂ.40નો ભાવવધારો આવ્યા બાદ બુધવારે રૂ.20નો વધારો આવ્યો હતો અને આમ બે દિવસમાં સિંગતેલમાં રૂ.60નો વધારો થયો હતો. જોકે માત્ર તહેવાર સમયે જ ભાવ બાંધણું કરીને સંતોષ માની લેતા તંત્રને તહેવાર પછી વધેલા ભાવ અંગે નજર અંદાજ કરે છે.

- Advertisement -

શાકભાજીના બે દિવસના ભાવ

શાકભાજીબુધવારગુરૂવાર
લીંબુ70-8040-50
બટેટા25-3525-35
ગુવાર80-10075-85
ડુંગળી25-3520-30
ટમેટા35-4535-45
રીંગણા40-5025-35
કોબીચ25-3535-45
ફ્લાવર25-3535-45
દૂધી15-2515-25
કારેલા25-3535-45
કાકળી20-3020-30
આદુ70-8075-85
મરચા25-3525-35

પામોલીન તેલમાં ભાવમાં ઘટાડો થયો છે
જાડી મગફળીનો ભાવ રૂ.1441 અને ઝીણી મગફળીનો ભાવ રૂ.1358 પર પહોંચ્યો છે. વેપારીઓના જણાવ્યાનુસાર નવી મગફળીની આવક હાલમાં અને દિવાળી પછી એમ બે વખત થતી હોય છે. બિયારણની ખરીદી સમયે વધુ મગફળી વેચાવા આવી હતી. જેથી જૂના સ્ટોકનો નિકાલ થઈ ગયો હોવાને કારણે અત્યારે તેની આવક ઓછી છે. બીજી તરફ પામોલીન તેલમાં ભાવમાં ઘટાડો થયો છે. પામોલીન તેલનો ભાવ રૂ.1910થી રૂ.1915 સુધીનો થયો છે. કપાસિયા તેલમાં રૂ.10નો ઘટાડો આવતા તેલનો ભાવ રૂ.2515 થયો છે.

સ્થાનિક રમેશભાઈ સભાયા

મોંઘવારી પર નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી
રાજકોટના સ્થાનિક રમેશભાઈ સભાયાએ જણાવ્યું હતું કે, મોંઘવારી દરેક વસ્તુમાં જોવા મળી રહી છે. લોકોની આવકનો સ્ત્રોત યથાવત છે, પરંતુ તેની સામે જાવક દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. શાકભાજી, દૂધ, તેલ, અનાજ, કઠોળ દરેક વસ્તુના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે ઘઉં સૌથી મોંઘા એટલે કે 500થી 600 રૂપિયા ભાવથી વેચાયા છે. જે અત્યાર સુધીનો હાઈએસ્ટ ભાવ છે. મોંઘવારી પર નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

એડિબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખે મોદીને પત્ર લખ્યો
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્ઝ એસોસિએસનના પ્રમુખ સમીર શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી છે. તેલ ઉદ્યોગને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ રદ કરવા વિશે બે માસ પૂર્વે નાણામંત્રી નિર્મલા સીતારામનને રજૂઆત કરી હતી. પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી. અમલદારશાહી જ ચાલતી હોય તેમ રિફંડ બંધ કરાયેલા છે. ખાદ્યતેલોના ઉંચા ભાવ પાછળનું એક કારણ આ પણ છે. કારણ કે તેલ ઉદ્યોગને પેકેજીંગમાં ટેક્સના મોટા તફાવતનો ભાર સહન કરવો પડે છે. પેકેજીંગ મટિરિયલ્સ-કેમિકલ્સ પર 18 ટકાનો GST છે. જ્યારે તેલ ઉદ્યોગ પર પાંચ ટકાનો છે. પેકેજીંગમાં તેલના વેચાણમાં પાંચ ટકા ટેક્સની વસુલાત થાય છે. 13 ટકાનો મોટો માર તેલ મીલરો પર પડે છે. આ વિસંગતતા દૂર કરવા ફરી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ આપવો જોઇએ.

Exit mobile version