- 1લી જુલાઈથી નવી અને જુની સરકારના પદાધિકારીઓ તમામ તાલુકાઓ ખૂંદી વળશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે જૂલાઈના પ્રથમ પખવાડિયામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કર્યુ છે. 1લી જૂલાઈથી શરૂ થનારી આ યાત્રામાં 150થી વધુ વંદે ગુજરાત વિકાસ રથોમાં વર્તમાન અને પૂર્વ સરકારના પદાધિકારીઓ 15 દિવસમાં રાજ્યનો એક એક તાલુકો ખુંદી વળશે. આ યાત્રા થકી ભાજપ સરકાર ગુજરાતમાં બે દાયકામાં થયેલા વિકાસને નાગરીકો સુધી પહોંચાડશે.
1થી 15મી જૂલાઈ વચ્ચે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાશે
1થી 15મી જૂલાઈ વચ્ચે યોજનારી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આયોજન માટે કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS મુકેશ પુરીએ 13 જૂન સોમવારે સચિવાલયમાં હાઈ લેવલ બેઠક બોલાવી છે.ગુરૂવારે મોડી સાંજે ACS મુકેશ પુરીએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આયોજન અંગેની બેઠક સંદર્ભે સેક્રેટરીઓને પાઠવેલા પત્રમાં કહ્યુ છે કે, જે તે વિભાગ દ્વારા કરવામાં આવનાર વિવિધ પ્રવૃતિ, વિવિધ સહાય વિતરણ, વિકાસકાર્યોનું લોકાપર્ણ, યોજનાઓનો પ્રચાર, સાફલ્યગાથા જેવી માહિતી આપવાની રહેશે. તેના માટે દરેક વિભાગને પોતાના નોડલ ઓફિસર પણ નિયુક્ત કરવાના રહેશે. ACS મુકેશ પુરીએ આ યાત્રા ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે યોજાઈ રહ્યાનું જણાવ્યુ છે.
ભાજપના વિસ્તારકો 182 બેઠકો પર મતદારોનું વલણ જાણશે
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી વિસ્તારક યોજના તૈયાર કરાઇ હતી. છ માસ માટેના યુવા વિસ્તારકોએ પહેલા ફેઝમાં 104 વર્ગો યોજ્યા છે અને હવે જૂનના બીજા સપ્તાહમાં બાકી રહેલી વિધાનસભા વિસ્તારોમાં જશે. સમગ્ર 182 વિધાનસભા માટે આ વિસ્તારકો નીકળશે.જે 10,069 શક્તિકેન્દ્રોમાં 12,500 વિસ્તારકો જશે. આ તમામ શક્તિકેન્દ્રો પર જઈને પેજ સમિતિના પ્રમુખો, પેજ સમિતિના સદસ્યો, બૂથની સમિતિ, બૂથમાં રહેલા લાભાર્થીઓનો સંપર્ક કરશે.ભાજપના આ વિરાટ સંપર્ક અભિયાનમાં 51 હજાર બૂથ સુધી વિસ્તારકો ભાજપ સરકારના કાર્યક્રમો, યોજનાઓ, સંગઠનાત્મક બાબતો અંગે જનતા સુધી પહોંચાડવા પ્રયાસ થશે.
અમિત શાહે અલગ અલગ એજન્ડા પર સૂચન કર્યા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની તૈયારીઓને આખરી ઓપ આપવાની સાથે સાથે સરકાર અને સંગઠનની સજજતા તપાસવા અને ચૂંટણીપ્રચાર સહિતના વ્યૂહરચના નિશ્ચિત ભારતીય જનતા પક્ષની ચિંતન શિબિર યોજાઈ હતી. એમાં ભાજપના ચાણક્ય એવા અમિત શાહે માર્ગદર્શનની સાથે અલગ અલગ એજન્ડા પર સલાહ-સૂચન આપ્યા હતા.
ગુજરાતમાં આદિવાસી પટ્ટાની 40 બેઠક પર ભાજપને ચિંતા
ભાજપે નબળા બૂથો પર મજબૂત થવા માટે ધારાસભ્યો અને સાંસદોને કામે લગાડ્યાં છે. કમલમ ખાતે યોજાયેલી બુથ સશક્તિકરણ માટેની બેઠકમાં ચૂંટણીમાં જે બુથ માઈનસ હોય કે પ્લસ હોય તેના ડેટા નેતાઓને આપવામાં આવશે. તે ઉપરાંત તેના તારણો શોધવાનું પણ કામ સોંપાશે. ઓછા માર્જિન વાળા બુથો પર પ્રવાસ કરવા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને સૂચના આપી દેવાઈ છે. હવે નેતાઓએ ઓછા માર્જિન વાળા બુથો શોધીને તેમાં ફાયદો કરાવવો પડશે. બીજી તરફ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાની 40 સીટો પર ભાજપને ભય લાગી રહ્યો છે. કારણે કે ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સતત કામગીરી થઈ રહી છે.
