ગ્રાઉન્ડ મ્યુનિ.નું ને ગરબા પોલિટિકલ?:1 રૂપિયાના ટોકન ભાડે વડોદરા મ્યુનિ.એ 17 ગ્રાઉન્ડ આપ્યા, પણ આયોજકો તો પોલિટિકલી કનેક્ટેડ! ભક્તિ કરતાં રાજકીય હેતુ વધારે

By Abhishek Raghuvanshi
6 Min Read

વડોદરા શહેરના ગરબા આમ તો વિશ્વવિખ્યાત છે,. પરંતુ વડોદરામાં ગરબા માટે મ્યુનિ. કોર્પોરેશન પોતાના ગ્રાઉન્ડ ભાડે આપે છે, એને પણ રાજકારણનું ગ્રહણ લાગ્યું છે. મ્યુનિ.એ તો ગરબા-આયોજકોને રોજના 1 રૂપિયાના ટોકન ભાડે 17 ગ્રાઉન્ડ આપી દીધા છે. હવે આયોજકો આ ગ્રાઉન્ડમાં ભવ્યાતિભવ્ય ગરબા યોજીને તગડી કમાણી પણ કરે છે અને પોલિટિકલ ઉદ્દેશ પણ પાર પાડે છે. આયોજકો ભલે કહેતા હોય કે અમે “ન નફો ન નુકસાન’ના ધોરણે ગરબા યોજીએ છીએ, પરંતુ બીજી હકીકત એ પણ છે કે આ આયોજકો પોલિટિકલી કનેક્ટેડ છે. તેઓ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ જાળવવા અને રાજકારણીઓને ગરબાના મહેમાન બનાવી તેમનો પ્રચાર કરવા આ બધું કરે છે.

અંબાલાલ પાર્કના ગરબા-આયોજક ભાજપના કોર્પોરેટર
ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય મનોજ પટેલ સંચાલિત કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિયેશન 30 વર્ષથી અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડમાં ગરબા યોજે છે. કોર્પોરેશને તેમને 1 રૂપિયા ટોકન ભાડે આખું ગ્રાઉન્ડ આપ્યું છે. હવે અહીં ટ્રેડિશનલ ડ્રેસ સિવાયની મહિલાઓ તેમજ તમામ પુરુષો માટે રૂ. 1500નો સીઝન પાસ છે. આની કેટલી કમાણી થશે, ઉપરાંત સ્ટોલની કમાણી થશે એ ધારી શકાય છે, પરંતુ મનોજ પટેલ કહે છે, અમે તો સેવા માટે ગરબા કરીએ છીએ અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવતી યુવતી અને મહિલાને વિનામૂલ્યે પ્રવેશ આપીએ છીએ.

વડોદરામાં ગરબા.

ગરબાના આયોજનમાં ‘ન નફો ન નુકસાન’નો દાવો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાણી-પીણીના સ્ટોલ પણ સામાન્ય ભાડામાં આપવામાં આવે છે અને જે લોકો ખાણી-પીણીના સ્ટોલ રાખે છે તે લોકોને પણ વધુ ભાવ ન લેવા માટે સૂચના આપવામાં આવે છે. અમે જ્યારથી ગરબાની શરૂઆત કરી છે ત્યારથી “ન નફો ન નુકસાન” ધોરણે કરીએ છે. અમારો ગરબામાંથી કમાણી કરવાનો કોઈ ઇરાદો નથી, પરંતુ વડોદરાના ગરબાના શોખીનોને સારા ગરબા રમી શકે એવું આયોજન કરવાનો છે. અમારા ગ્રાઉન્ડમાં 5 હજાર જેટલા ખેલૈયાઓ એકસાથે ગરબા રમી શકે છે અને 15થી 20 હજાર લોકો બેસી શકે એવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.

નવરાત્રિ ફેસ્ટિવલનું આયોજન.

નવલખીના આયોજક યુનિ. સિન્ડિકેટના સભ્ય
નવલખી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ ફેસ્ટિવલનું આયોજન કરનાર મયંક પટેલ ક્રેડાઈના પ્રમુખ છે. તેઓ MS યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટ સભ્ય છે અને પોલિટિકલી કનેક્ટેડ છે. તેમણે જણાવ્યું હતું કે “કોરોના મહામારીનાં બે વર્ષ બાદ ગરબા થશે. સરકારે ગરબાની એન્ટ્રી ફીમાં GST લગાવ્યો છે, પરંતુ અમારા પાસના જે ભાવ છે એમાંથી જ અમે GST ભરીશું. એકસાથે 45 હજાર ખલૈયાઓ રમી શકે અને 17 હજાર જેટલા લોકો ગરબા જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.” બીજી તરફ, અહીં પણ એક પાસના હજારો રૂપિયા કિંમત છે. ફૂડ કોર્ટના સ્ટોલના ભાડાની આવક થશે એ અલગ. રોજ એક રાજકારણી મહેમાન બનીને આવશે તો તેમનો પ્રચાર પણ થશે.

- Advertisement -
મ્યુનિ. કોર્પોરેશન પોતાનાં ગ્રાઉન્ડ ભાડે આપે છે.

અમે બાળકોને રોજ રિટર્ન ગિફ્ટ આપીએ છે
અડુકિયો દડુકિયો ગરબાના આયોજક અને MS યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો. દિનેશ યાદવે જણાવ્યું હતું કે અમે માત્ર નાનાં બાળકોના ગાયક વૃંદ દ્વારા ગવાતા અને માત્ર બાળકો માટેના જ ગરબાનું આયોજન અડુકિયો દડુકિયો સાર્વજનિક બાળગરબા મહોત્સવનું આયોજન વર્ષ-2001થી કરીએ છીએ. આ વખતે શ્રીપાદનગર સોસાયટી ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડ કોર્પોરેશન દ્વારા રોજનો 1 રૂપિયો ટોકન ભાડાથી આપવામાં આવ્યું છે. અમારા ગરબામાં રમવા આવતાં તમામ બાળકોને રોજરોજ રિટર્ન ગિફ્ટ આપવામાં આવે છે.

રાજેશ આયરે, ભાજપના નેતા અને ગરબા આયોજક.

નિઝામપુરાના આયોજકનો ઘરના પૈસા કાઢ્યાનો દાવો!
નિઝામપુરા ન્યૂ સમા રોડ પર બાળ-ગોપાલ ગરબાનું આયોજન કરનાર જિતેન્દ્ર રાય પણ પોલિટિકલી કનેક્ટેડ છે. તેમણે જણાવ્યું હતું કે અમારા વિસ્તારના ખેલૈયાઓને પોતાનો વિસ્તાર છોડીને ગરબા રમવા જવું ન પડે એવા એકમાત્ર આશયથી અમે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. સામાન્ય ભાડું લઈને ખાણી-પીણીના સ્ટોલ આપવામાં આવે છે. ક્યારેક ગરબાના આયોજનમાં ઘરના પૈસા જોડવાનો વખત આવે છે. અમને નવરાત્રિ મહોત્સવનો શોખ હોવાથી આયોજન કરીએ છીએ, કમાવા નહીં.

ગુરુકૃપા ગરબાના આયોજક ડો. જ્યોતિર્નાથ.

‘અમારો ક્યાં કદી કમાવવાનો ઉદ્દેશ જ હતો’
પૂર્વ કાઉન્સિલર અને ભાજપના નેતા રાજેશ આયરેએ જણાવ્યું હતું કે અમે સાંઇનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના નામથી ઝાંસીની રાણી પાસેના ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરીએ છે. અમારા વિસ્તારના લોકોને વિસ્તારમાં જ સારા ગરબા વૃંદ સાથે ગરબા રમવા મળે એવું આયોજન કરવામાં આવે છે. અમારા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા રોજના 1 રૂપિયાના ટોકન ભાડાથી ગ્રાઉન્ડ મળે છે. ગરબા પાછળ કમાવવાનો કોઈ હેતુ હોતો નથી.

અમે લોકભાગીદારીથી ખર્ચ કાઢીએ છે
ગોત્રી-સેવાસી રોડ પર કાનાબારાની પાછળમાં ગુરુકૃપા ગરબાના આયોજક ડો. જ્યોતિર્નાથજીએ જણાવ્યું હતું કે અમે 30 વર્ષથી ગરબા યોજીએ છીએ. આ વખતે પણ કોર્પોરેશન દ્વારા રોજના 1 રૂપિયા ટોકન ભાડના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. અમે ન નફો ન નુકસાનના ધોરણે ગરબાનું આયોજન કરીએ છે. ગરબાનું આયોજન કરવા પાછળ એકમાત્ર ઉદ્દેશ સામાજિક એકતા વધે અને વડોદરાની નવરાત્રિ મહોત્સવની આગવી ઓળખ જળવાઇ રહે છે.

વિસ્તારમાં પ્રભુત્વ જાળવી રાખવા આયોજન કરે છે
ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતિ 1 રૂપિયાના ટોકન ભાડાથી આપવામાં આવતાં ગ્રાઉન્ડોમાં જે ગરબા-આયોજકો છે તે પૈકી મોટા ભાગના આયોજકો રાજકારણ પ્રેરિત હોય છે. આ ગરબાના આયોજનનો મુખ્ય હેતુ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ જાળવી રાખવાનો હોય છે. પરિણામે, તે લોકો ગરબાના આયોજન પાછળ વ્યાવસાયિક હેતુ હોતો નથી. જોકે જે લોકો ખાનગી ગ્રાઉન્ડોમાં ગરબાનું આયોજન કરતા હોય છે, જે પૈકી કેટલાક લોકો વ્યાવસાયિક ધોરણે ગરબાનું આયોજન કરે છે, પરંતુ ખર્ચની સામે જોઈએ તેટલી કમાણી થતી નથી

Exit mobile version