હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને રાજ્યના મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના બાકી જિલ્લાઓ, દીવ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં આજે વરસાદી માહોલ રહેશે. તો નાઉકાસ્ટ (Nowcastદ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગામી 3 કલાક માટે આગાહી કરી છે. તો છેલ્લા 24 કલાકમાં કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.
નાઉકાસ્ટની 10 વાગ્યાથી 3 કલાક માટે આગાહી
નાઉકાસ્ટે આગામી 3 કલાક માટે આગાહી કરી છે કે ગુજરાતના કચ્છ, પોરબંદર, દ્વારકા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અરવલ્લી જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ વાવાઝોડું અને 30- 40 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને સાબરકાંઠા રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
આજથી રવિવાર સવાર સુધી હવામાન વિભાગની આગાહી
આજે શનિવારે સવારે સાડાઆઠ વાગ્યાથી આવતીકાલે રવિવારે સવારે સાડાઆઠ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના તમામ જિલ્લા દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો સામેલ છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ અને તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
સીઝનનો 27 ટકા વરસાદ થઈ ચૂક્યો છે
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 276 મિમી એટલે કે 11 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના લખપતમાં નોંધાયો છે. 50 મિમી સુધી 12 તાલુકા, 51થી 125 મિમી 69 તાલુકા, 126થી 250 મિમી 88 તાલુકા, 251થી 500 મિમી 55 તાલુકા, 501થી 1000 મિમી 27 તાલુકામાં આખી સીઝનમાં નોંધાઈ ચૂ્કયો છે. સીઝન કુલ 235.44 મિમી રાજ્યમાં નોંધાયો છે, જે કુલના 27.69 ટકા થાય છે.
ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
