અરવલ્લીમાં મેઘો મહેરબાન:જિલ્લામાં 24 કલાકમાં સાડાનવ ઇંચ વરસાદ; ભિલોડા-મેઘરજમાં ઘૂંટણસમાં પાણી, હાથમતી-બુઢેલી અને લીલછા નદી બંને કાંઠે વહી

By Abhishek Raghuvanshi
2 Min Read
  • રસ્તાઓ નદીમાં ફેરવાયા, હજુ પણ મેઘાની મહેર અવિરત ચાલુ
  • નદીકાંઠાના ગામોને સતર્ક કરાયાં

હવામાન વિભાગની આગાહી મુજબ, અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ ખાબકતાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં છે. જોકે હજુ પણ મેઘાની મહેર અવિરત ચાલુ છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે.

નદી-નાળાં છલકી ઊઠ્યાં, હજુ પણ વરસાદ ચાલુ.

ભિલોડા-શામળાજીમાં ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આજે મંગળવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જૂના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે. મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીનાં બજારોમાં પાણી ભરાયાં છે.

શામળાજી-ભિલોડા પંથકના વિસ્તારોમાં પાણી ભરાયાં.

3 નદીમાં ઘોડાપૂર, કાંઠાનાં ગામોને સતર્ક કરાયાં
ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરાંત લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપૂર આવતાં ત્રણેય નદીએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જોકે ઘોડાપૂરને પગલે નદી કિનારાના 20થી વધુ ગામડાંને સતર્ક કરાયાં છે.

ઘોડાપૂરને પગલે નદી કિનારાનાં 20થી વધુ ગામડાંને સતર્ક કરાયાં.
Exit mobile version