
- ભોગ બનેલાં બાળકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, આચાર્ય રજા પર ઊતરી ગયો
સુરતના પુણાની સ્કૂલમાં માસૂમને નગ્ન કરી માર મારવાની ઘટના માત્ર એક ઘટના હોઈ શકે છે. આ પ્રકરણમાં શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ સભ્યને જે અજાણ્યા માણસે પેન ડ્રાઇવ મોકલી છે એમાં આવા 200 વીડિયો હોવાનું કહેવાય રહ્યું છે. શંકા છે કે કેટલાયે વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કરાયું હોઈ શકે.

દિવ્ય ભાસ્કરે પુણા જઈને પુરાવાની ચકાસણી કરી
જે રૂમમાં માસૂમ બાળકને માર મરાયો હતો, એમાં શારીરિક સંબંધ બાંધતા 2 શખસ દેખાય રહ્યા છે તે કોણ છે તેના વિશે કોઇ પુષ્ટિ થઈ નથી, પરંતુ દિવ્ય ભાસ્કરે પુણાની આ સ્કૂલનંબર 300માં જઇને પુરાવાની ચકાસણી કરી તો વીડિયોમાં આચાર્યનો જે રૂમ દેખાય રહ્યો છે એ અને અહિં જે આચાર્યનો રૂમ છે એમાં કેટલીયે સમાનતા છે. આ ગંભીર ઘટનાને લગભગ 3 મહિના સુધી દબાવી રાખી પાલિકા અને શિક્ષણ સમિતિ હવે એકશન કરવાનો ડોળ કરી રહી છે.

પ્રાથમિક રિપોર્ટ બાદ આચાર્ય નિશાંત વ્યાસને સસ્પેન્ડ
ગુરુવારે સમગ્ર ઘટના વીડિયો સાથે મીડિયામાં આવ્યા બાદ તેમજ શુક્રવારે આ મામલે રચાયેલી 3 સભ્યની તપાસ સમિતિના પ્રાથમિક રિપોર્ટ બાદ આચાર્ય નિશાંત વ્યાસને સસ્પેન્ડ કર્યાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું. દિવ્ય ભાસ્કર દ્વારા આરોપી સાથે સતત બે દિવસથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે ફોન જ ઉપાડતો નથી.
હજુ સુધી આ ગંભીર મામલે કોઈ સંજ્ઞાન લીધું નથી
જે શાળામાં તેની બદલી કરવામાં આવી છે ત્યાં સંપર્ક કરાયો તો ખબર પડી કે 2 દિવસ પહેલાં જ રજા પર ઊતરી ગયો છે. છેલ્લા બે દિવસથી સ્કૂલ બેગકાંડમાં જે રીતે પાલિકાએ આરોપીને ભાગી જવાની તક આપી તેવું જ આ મામલે પણ દેખાય રહ્યું છે. બાળ અધિકાર અને માનવ અધિકાર પંચે પણ હજુ સુધી આ ગંભીર મામલે કોઇ સંજ્ઞાન લીધું નથી. આ કેસમાં પહેલાંથી જ સમિતિના કારભારીઓ ભીનું સંકેલવામાં જણાતા હતા, જેથી શાસનાધિકારી વિમલ દેસાઇને ઠપકો આપવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
બાળકના જાતીય શોષણની જગ્યા અને પુણાની શાળા નં. 300ના આચાર્યની ઓફિસમાં સામ્યતા!
જાતીય શોષણપ્રકરણમાં તપાસ સમિતિએ શાળા નં. 300ના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લીધાં હતાં. એ વેળાએ દિવ્ય ભાસ્કરે કરેલા પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં વીડિયોમાં દેખાતું સ્થળ અને શાળાની કચેરીની ઘણી સામ્યતા મળી આવતી દેખાઈ હતી.

પેનડ્રાઇવમાં જાતીય શોષણના 200 વીડિયો: સુહાગિયા
પાલિકા કમિશનરને ફરિયાદ કરનાર શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે અમારી ઓફિસે અજાણી વ્યક્તિ પેનડ્રાઇવ મૂકી ગઈ હતી, એની સાથે એક કાગળ હતું. આ કાગળમાં ‘પેનડ્રાઇવ શિક્ષણ સમિતિના દરેક સભ્યને આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કાર્યવાહી થઇ નથી એટલે તમારા સુધી પેનડ્રાઇવ પહોંચાડી છે’ એવું લખાણ લખ્યું હતું.
પેનડ્રાઇવ જોતાં એમાં જાતીય શોષણના 200 વીડિયો હતા. વીડિયોમાં અલગ અલગ વિદ્યાર્થીઓ સાથે જાતીય શોષણ કરાયું હોવાનું દેખાય છે. કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં તો કેટલાક વગર યુનિફોર્મમાં છે. તમામ વીડિયો શાળા નંબર 300ના છે અને આચાર્ય ઓફિસ, વર્ગખંડ, બાથરૂમના પેસેજ પણ વીડિયોમાં દેખાતા હોવાનું સુહાગિયાએ જણાવ્યું હતું.
‘વિપક્ષ આવેદનપત્ર આપવા જતાં ચેરમેન જતા રહ્યા’
જાતીય શોષણકાંડમાં દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી સાથે આપના કાર્યકરો અને નગરસેવકો શિક્ષણ સમિતિની કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતા. દોષીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવીને કડક દાખલો બેસાડવા શિક્ષણ સમિતિ કચેરીએ દેખાવો થતાં ચેરમેન ધનેશ શાહ જતા રહ્યા હોવાનો આરોપ વિપક્ષે મૂક્યો છે.