- હરખલી કોતરના પાણી સંરક્ષણ દીવાલ તોડીને કબ્રસ્તાનમાં પ્રવેશ્યા
વડોદરા નજીક છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં પડેલા 22 ઇંચ જેટલા વરસાદે સમગ્ર બોડેલી પંથકમાં ભારે તારાજી સર્જી છે. પાણી ઉતર્યા બાદ હવે વરસાદે કરેલા ભારે નુકશાનના વરવા દૃશ્યો સામે આવી રહ્યા છે. જેમાં વરસાદે વેરેલી તારાજીમાં બોડેલીનું કબ્રસ્તાન પણ બાકાત રહ્યું નથી. ભારે વરસાદને પગલે બોડેલીના કબ્રસ્તાનમાં ભારે તારાજી સર્જાઇ છે. 100થી વધુ કબર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઇ હોવાનુ બહાર આવ્યું છે.

હરખલી કાંસના પાણી સંરક્ષણ દિવાલો તોડી કબ્રસ્તાનમાં ફરી વળ્યા
મળેલી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે. પરિણામે જિલ્લાના કેટલાંય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઇ છે. ખાસ કરીને બોડેલી તાલુકામાં પડેલા 22 ઇંચથી વધુ વરસાદે ચારેકોર તારાજી સર્જી છે. પાણી ઓસરતા હવે કયાં કેટલું નુકસાન થયું તે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. બોડેલીના રજાકનગર દિવાન ફળીયા, વર્ધમાન નગર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી સર્જાઇ હતી. તો બીજી તરફ બોડેલી ગામની મધ્યમાંથી પસાર થતા હરખલી કોતર કબ્રસ્તાન તેમજ સ્મશાન પાસેથી પસાર થતું હોય ધસમસતા પાણી કબ્રસ્તાનની ચારેકોર બનાવવામાં આવેલી સંરક્ષણ દિવાલો પૈકી ત્રણ દિવાલો તોડીને કબ્રસ્તાનમાં પ્રવેશી ગયા હતા.

યુવાનોએ કબ્રસ્તાનમાં યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી
કબ્રસ્તાનમાં પ્રવેશી ગયેલા હરખલી કોતરના પાણીમાં 100 ઉપરાંત કબરો તણાઇ ગઇ હતી. વરસાદી પાણી ઓસરી જતા મુસ્લિમ સમાજ દ્વારા બોડેલીના કબ્રસ્તાનનું નિરીક્ષણ કરતા કબ્રસ્તાનમા સંરક્ષણ દિવાલો તૂટી જતા ખૂબ મોટાપાયે નુકસાન અને પાણીના ધસમસતા પ્રવાહમાં 100થી વધુ કબર પાણીમાં તણાઇ જવાની ઘટના સામે આવી હતી. આ નુકસાનને પગલે બોડેલીના મુસ્લિમ યુવાનો દ્વારા કબ્રસ્તાનનું તાત્કાલિક સમારકામ શરુ કરી દેવામાં આવ્યું હતું.

પ્રભારી મંત્રી સહિત અગ્રણીઓએ કબ્રસ્તાનની મુલાકાત કરી
સામાજિક અગ્રણી અશરફભાઇ મેમણે જણાવ્યું હતું કે, કબ્રસ્તાનમાં બેસી ગયેલી કબરોને કબ્રસ્તાનની બહાર આવેલી જગ્યાએથી માટી ખોદી માટી પુરાણ કરવામાં આવી રહી છે. બોડેલી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર તેમજ ધારાસભ્ય અભેસિંહ તડવી છોટાઉદેપુર નગર પાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ પણ કબ્રસ્તાન વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાન પાસે તૂટી ગયેલ સંરક્ષણ દિવાલ બનાવવા સરકાર પાસેથી સહાય અપાવવા અપીલ કરાઈ હતી. કબ્રસ્તાનમાં અંદાજે 70થી 80 ટકા વ્યાપક નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.

સંરક્ષણ દીવાલ બનાવી આપવા હૈયાધારણ
પ્રભારી મંત્રી નિમિષા સુથારે કબ્રસ્તાનની આસપાસ સર્જાયેલી તારાજીની મુલાકાત લીધી હતી મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, બોડેલી પંથકમાં થયેલા ભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાઇ છે. જેમાં કબ્રસ્તાનને પણ ભારે નુકશાન થયું છે. વહેલી તકે બોડેલીના કબ્રસ્તાનની ચારે તરફ આવેલ દિવાલ નવી બનાવવા રકમ ફાળવી આપવાની મુસ્લીમ સમાજને હૈયાધારણા આપી છે.

સરકાર પાસે દિવાલ બનાવી આપવા માંગ કરી
છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ પણ બોડેલી કબ્રસ્તાનને થયેલા નુકસાનનો ક્યાસ મેળવ્યો હતો અને કબ્રસ્તાનની તૂટી ગયેલી સંરક્ષણ દિવાલ વહેલી તકે બનાવવામાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી હતી.