
- ફતેગંજમાં રોમિયો રાજ: MSU હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આપવીતી વર્ણવી
- ગર્લ્સ હોસ્ટેલ બહાર છેડતી, પોસ્ટ જોઈ ઘણી યુવતીઓએ કહ્યું, અમારી સાથે પણ આવું બન્યું…
સંસ્કારી નગરીના ઉપનામ ધરાવતા શહેરમાં લાંછનરૂપ ઘટના બની છે. મ.સ. યુનિ.ની હોસ્ટેલમાં રહેતી 2 વિદ્યાર્થિની સેફ્રોન કોમ્પ્લેક્સ તરફના રોડ પર પગપાળા જઇ રહી હતી, ત્યારે બાઇક પર આવેલા 2 રોમિયોએ મોબાઇલમાં પોર્ન ક્લિપ બતાવી છેડતી કરી હતી. ડઘાઈ ગયેલી યુવતી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચી ત્યારે પોલીસે કહ્યું, આ રોડ પર સીસીટીવી નથી, એટલે કાયર્વાહી નહીં થાય, મેટર બંધ કરવી પડશે. રોમિયોની છેડતી અને પોલીસના ઉદ્ધત જવાબથી આઘાત પામેલી વિદ્યાર્થિનીઓ આખરે પરત ફરી હતી.
વિદ્યાર્થિનીઓને રસ્તામાં આંતરી પરેશાન કરાય છે
હોસ્ટેલ બહાર અસામાજિક તત્ત્વોની હેરાનગતિ વધી રહી છે. હોસ્ટેલમાંથી કામ અર્થે બહાર નીકળતી વિદ્યાર્થિનીઓને રસ્તામાં આંતરી પરેશાન કરાય છે. ઘણીવાર તારો ભાવ શું છે એમ કહી બીભત્સ ટિપ્પણી કરાય છે તો ઘણીવાર મોબાઇલ ફોન પર અશ્લીલ ક્લિપ બતાવીને સતામણી કરાય છે. એક પછી એક 2 દિવસમાં છેડતીનો ભોગ બનેલી યુવતીઓએ તાજેતરમાં આપવીતીની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતાં ઘણી યુવતીઓએ અમારી સાથે પણ આવું બન્યું હોવાનું કહ્યું હતું.
કિસ્સો : 1 પોલીસ સ્ટેશને ગયા તો ગુટકા ચાવતા પોલીસકર્મીએ કહ્યું, જાતની સુરક્ષા નથી કરી શકતા…
હું મ.સ.યુનિ.ની હોસ્ટેલમાં રહું છું. 19 જૂને સાંજે મારી સહેલી સાથે ચાલતાં જમવા માટે નજીકની રેસ્ટોરાંમાં જઈ રહી હતી. ત્યારે યુવક અમારી બાજુમાં આવીને કંઇક બોલ્યો હતો, જેને અવગણીને અમે આગળ ચાલવા લાગ્યાં હતાં. જોકે યુવકે ફરી અમારી પાસે આવીને તેના મોબાઇલમાં પોર્ન વીડિયો ચાલુ કરીને અમને બતાવવા લાગ્યો હતો. મેં તેને આંખ બતાવી જતાં રહેવા કહ્યું હતું, પરંતુ તે ત્યાં જ ઊભો રહ્યો હતો, એટલે અમે ચાલવા માંડ્યાં, ફરી તે આવીને વીડિયો જોવાની ફરજ પાડવા લાગ્યો હતો.
જેથી મારી સહેલીએ મોબાઇલમાં યુવકનો ફોટો પાડવાનો પ્રયાસ કરતાં ભાગી ગયો હતો. નજીકમાં ઊભેલા પોલીસકર્મચારી પાસે જઇ ઘટના અંગે જાણ કરી તો રિક્ષામાં બેસાડીને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં હાજર પોલીસકર્મીએ ગુટકા ચાવતાં ચાવતાં કહ્યું કે તમારે… છોકરીઓને આ જ તકલીફ છે, તમારી જાતની સુરક્ષા ખુદ કરી શકતા નથી.
જેથી મેં કહ્યું કે એટલે જ અમે ફરિયાદ કરવા આવ્યાં છીએ. અમારી અરજી લઇ એક દિવસ બાદ બોલાવી અમને કહેવાયું હતું કે આ વિસ્તારમાં સીસીટીવી ન હોવાથી કાયર્વાહી નહીં થઇ શકે (19 જૂને છેડતીનો ભોગ બનેલી યુવતી સાથે થયેલી વાતચીત અનુસાર)
કિસ્સો : 2 રોમિયો સરનામું પૂછવાને બહાને ઊભો રહ્યો ને પોર્ન ક્લિપ બતાવવા લાગ્યો
હું અને મારી મિત્ર 20 જૂને બપોરે બીબીએ ફેકલ્ટીમાં કામ અર્થે જઇ રહ્યાં હતાં. ત્યારે 30થી 32 વર્ષનો યુવક બાઇક પર અમારી પાસે આવીને ઊભો રહ્યો હતો. યુવકે સમા વિસ્તાર કહા પે હૈ એમ પૂછતાં અમે ખબર નથી એમ કહી ચાલવા માંડ્યું હતું. ત્યારે ફરી યુવક આવ્યો અને તેના મોબાઇલ ફોનમાં પોર્ન ક્લિપ ચાલુ કરી અમને બતાવીને પૂછ્યું હતું કે આ ખબર છે શું છે, જેથી હું અને મારી મિત્ર ત્યાંથી ભાગ્યાં હતાં.
ત્યાર બાદ અમે ફરિયાદ કરવા ફતેગંજ પોલીસ સ્ટેશન જતાં ‘રોડની કઇ બાજુ ચાલતાં હતાં’ એવા અટપટા સવાલો પૂછી સયાજીગંજ મોકલી આપ્યા હતા. ત્યાં ગયાં તો ફરી એ જ રામાયણ થઇ, આખરે શી ટીમ સાથે અમને ફતેગંજ પોલીસ સ્ટેશન મોકલતાં અરજી આપી હતી. થોડા દિવસ બાદ પોલીસે બોલાવી કહ્યું હતું કે સીસીટીવીમાં યુવક દેખાતો નથી, તમે નિવેદન લખાવી દો, અમે તપાસ બંધ કરીએ. (20 જૂને છેડતીનો ભોગ બનેલી યુવતી સાથે થયેલી વાતચીત અનુસાર)
ફરિયાદ કરવાનું કહેતાં યુવતીઓએ જ ઇનકાર કર્યો
જે જગ્યાએ ઘટના બની હોવાનું કહે છે ત્યાં સીસીટીવી કેમેરા નથી એટલે આરોપી પકડાયા નથી. ફરિયાદ કરવાનું કહેતાં યુવતીઓએ જ ઇનકાર કર્યો હતો. તેમની સાથે ગેરવર્તણૂક થઇ નથી, ગેરસમજ થઇ હતી. – આર. જી. જાડેજા, પીઆઇ, સયાજીગંજ
ફરિયાદો મળતાં પેટ્રોલિંગ વધારવાની સૂચના આપી છે
યુવતીઓની ફરિયાદો મળી રહી છે, જેથી દરેક શી ટીમને સૂચના અપાઇ છે કે તેમના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવું અને રખડતા રોમિયોની અટકાયત કરવી. – એ.આર.બોરિયાવા, પીઆઇ, શી ટીમ.