રાજકોટમાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. આવા સમયે આજી ડેમ અને ન્યારી ડેમનાં નવાં નીરને નિહાળવા લોકો ઊમટી રહ્યા છે, ત્યારે કેટલાંક તત્ત્વો ભીડને જોઇ સીનસપાટા કરવાની કુટેવ ધરાવતા હોય છે. આવા જ કેટલાક શખસોએ ન્યારી ડેમ પર કરતૂત કર્યાં હતાં. તેમનાં કરતૂતો જોઇને લોકો ચોંકી ગયા હતા. ત્રણ શખસે પોતાના કબજાની જીપ ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા. એક જીપ ચલાવતો હતો, જ્યારે અન્ય બે જીપમાં બંને સાઇડ ઊભા રહી હાકલા-પડકારા કરતા હતા. હાલ આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસ આ તત્ત્વોને શોધી તેને કાયદાનું ભાન કરાવશે કે કેમ એના પર મીટ મંડાઇ છે.
તંત્ર દ્વારા ડેમ નજીક ન જવાની સૂચના
નોંધનીય છે કે રાજકોટમાં મંગળવારે પડેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા ડેમ, તળાવ, સરોવર નજીક બિનજરૂરી પ્રવાસ ટાળવાની સૂચના જાહેર કરવામાં આવી હતી છતાં આવારા તત્ત્વોને જાણે જોખમી સ્ટંટ કરવાનું ઘેલું લાગ્યું હોય એમ ખુલ્લી જીપ પર સવાર થઈને જીપ ડેમની અંદર બોનેટ ડૂબે ત્યાં સુધી પાણીમાં લઇ ગયા હતા. એ સમયે તેના મિત્રો આ દૃશ્યોનું શૂટિંગ કરી રહ્યા હતા અને આસપાસ ઊભેલા લોકો પણ આ જોખમી સ્ટંટને નિહાળી રહ્યા હતા.

આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનો અને યુવતીઓ અવનવા અખતરા થકી જીવન જોખમમાં મૂકતા હોય છે. વાહનો પર સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવે છે. જોકે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાનો આવો ક્રેઝ ભારે પડી શકે છે. ઘણી વખત આવા સ્ટંટને કારણે અન્ય લોકોના જીવને પણ જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. ત્યારે રાજકોટમાં વાઇરલ થયેલો આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.