- શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને મુશ્કેલી
અમદાવાદમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ થયો હતો બીજી તરફ ઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મની નજીક દીવાલ ધરાશાયી થતા 5 મહિલા મજૂરો દટાયા હતાં. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તમામને બહાર કાઢી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન શીતલબેન (ઉ.વ.16), વનિતાબેન (ઉ.વ.19) અને કવિતાબેન (ઉ.વ.35)નું સારવાર દરમ્યાન મોત થયું છે. જ્યારે અસ્મિતાબેન (ઉ.વ.22) અને રિંકુબેન (ઉ.વ.19) સારવાર હેઠળ છે.

મજૂરો દીવાલ પાસે છાપરા બાંધીને રહેતા હતા
સોલા પોલીસ સ્ટેશનના PI એન. આર. વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રાથમિક ધોરણે વરસાદના કારણે દીવાલ પડી હોવાનું જણાય છે. મજૂરો દીવાલ પાસે છાપરા બાંધીને રહેતા હતા. સવારે વરસાદમાં દીવાલ ધરાશાયી થતાં 5 લોકો દટાયા હતા. જેમાં ત્રણ મહિલાઓના મોત થયાં છે જ્યારે બે સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ દશેશ્વર ફાર્મ નજીક દિવાલ પડી હોવાનો મેસેજ મળતાં અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં પાંચેક મહિલાઓ ફસાઈ હતી જેને અમે બહાર કાઢી અને બેભાન હાલતમાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. તેમના પરિવારજનોનો સંપર્ક કરી અને તેમને જાણ કરવામાં આવી હતી.

શ્રીનંદનગર SBI બેંકમાં 4 દિવસથી કામકાજ બંધ
અમદાવાદમાં વરસેલા ભારે વરસાદે વેજલપુર વિસ્તારની બકેરી સિટી તરફ જવાના રસ્તે શ્રીનંદનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં પાણી ફરી વળ્યા હતા. વેજલપુર વિસ્તારની બકેરી સિટી તરફ જવાના રસ્તે શ્રીનંદનગર SBI બેંકમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જેને લીધે બેંકમાં મોટાપાયે નુકસાન થયું છે. બેંકના મહત્વપૂર્ણ દસ્તાવેજોની સાથે સાથે કોમ્પ્યુટર સિસ્ટમને પણ અસર પહોંચી છે. જેથી સોમવારથી બેંકનું કામકાજ બંધ જોવા મળી રહ્યું છે.SBIની આ બ્રાન્ચમાં હજારો લોકોના ખાતા છે. જોકે બેંક બંધ હોવાથી આસપાસના લોકોને બેંકના કામ માટે નજીકની અન્ય જવાની ફરજ પડી રહી છે. બેંકનું કામકાજ બંધ હોવાથી અહીંના સ્ટાફને પણ નજીકની બ્રાન્ચમાં ડેપ્યુટેશન પર મોકલી દેવામાં આવ્યો છે. અહીં દેખરેખ માટે મેનેજર અને જરૂરિયાત પ્રમાણે જ મર્યાદિત કર્મચારીઓને રાખવામાં આવ્યા છે.

પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ગિરધરનગર શાહીબાગ અને અસારવા ચકલા બેન્ક ઓફ બરોડાની બહાર પણ પાણી ભરાયાં છે. બીજી બાજુ, વરસાદના પાણી ભરાતાં અખબારનગર અને મોટી વણઝાર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદમાં શરૂ થયેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેકબુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવો, એમ અમદાવાદના શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. શહેરના કેકે નગર વિસ્તારમાં ક્રોસિંગ રોડ પાસે ભારે વરસાદને કારણે સર્કલની વચ્ચોવચ્ચ પાણી ભરાઈ જવાથી સવારના સમયે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કેમિકલવાળા પાણીથી લોકોને ચામડીના રોગો થાય છે
અમદાવાદમાં વરસાદને કારણે ચામુંડા બ્રિજથી સરસપુર સુધી પાણી ભરાયાં હતાં. સર્કલથી ચારે તરફ જવાના રસ્તા પર પાણી ભરાયાં હતાં. શરૂઆતમાં પાણીમાં ફીણ પણ જોવા મળ્યું હતું. પાણી ભરવાના કારણે વાહન બંધ થતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. નજીકમાં હોસ્પિટલ હોવાથી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. રાહદારીઓ પણ કમર સુધી ભરાયેલા પાણીમાં ચાલતા જતા નજરે પડ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચામુંડા બ્રિજના છેડેથી સરસપુર સુધી વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત્ છે. આસપાસની મિલોમાંથી પણ કેમિકલવાળુું પાણી છોડવામાં આવે છે, જેને કારણે તેમને ચામડીના રોગ પણ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

ત્રણ દિવસથી ભારે અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ચાંદલોડિયા, ગોતા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગરમાં વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં સીઝનનો 50 ટકા વરસાદ વરસી ગયો
હજી તો ચોમાસું શરૂ જ થયું છે ત્યાં ગુજરાતમાં 50 ટકા વરસાદ ખાબકી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 17 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. કચ્છમાં 17 ઈંચ અને 97.76 ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં હજી સુધી સાત ઈંચ વરસાદ થયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 37 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વાંસદા, કપરાડા અને ધરમપુરમાં મેઘતાંડવની સ્થિતિ છે. બીજી તરફ, આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ધરમપુરમાં બે કલાકમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

50 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ
ગુજરાતમાં વરસાદને પગલે રાજ્યના 50 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ આપવામાં આવ્યા છે, 50 પૈકી 27 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે 12 ડેમમાં 80થી 90 ટકા પાણી ભરાતાં એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોય તેવા 11 ડેમ પર વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં બુધવારની સ્થિતિએ 21 ડેમ સંપૂર્ણ છલકાયા છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમમાં અત્યારે 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતમાં 21 ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ
ગુજરાતમાં 21 ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ 21 પૈકી સૌથી વધુ કચ્છમાં 13 ડેમ, દક્ષિણ ગુજરાતમાં 5, સૌરાષ્ટ્રમાં 3 ડેમનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક નથી, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 14.76 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 34.73 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 56.50 ટકા, કચ્છના 20 ડેમમાં 66.18, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 43.39 ટકા અને સરદાર સરોવર ડેમમાં 48 ટકા, એમ રાજ્યના કુલ 207 ડેમમાં 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં 1,60,363 એમસીએફટી જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 48 ટકા જેટલો છે.

વરસાદને કારણે 31,035 નાગરિકોને સ્થળાંતર
બુધવારે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર- SEOCમાં સમીક્ષા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટરોને માનવ મૃત્યુના કિસ્સામાં આશ્રિત પરિવારને રૂપિયા ચાર- ચાર લાખની સહાય ઝડપથી ચૂકવવા આદેશ આપ્યો હતો. મહેસૂલમંત્રીએ કહ્યું હતું કે બુધવારે બપોર સુધીમાં વરસાદને કારણે 31,035 નાગરિકને સ્થળાંતર કરવું પડયું હતું, જેમાં 575 નાગરિકોને રેસ્ક્યૂ કરાયા હતા. સ્થળાંતરિત થયેલા 23,945 અસરગ્રસ્તો પાણી ઓસરતાં હવે પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે. હાલમાં 7,090 નાગરિકો વિવિધ આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે. પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અને ખેડા જિલ્લામાં મૃત્યુ પામેલા પાંચ નાગરિકનાં પરિવારજનોને 20 લાખની સહાય ચૂકવાઈ છે.