- આ મુદ્દો ગંભીર હોવાથી કડક કાર્યવાહીની કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણીએ માગ કરી
- એક પછી એક કદાવર નેતાઓ MLA ગોવિંદ પટેલના સમર્થનમાં આવી રહ્યા છે
રાજકોટ પોલીસ કમિશનરે આરોપી પાસેથી રકમ વસૂલાય એમાંથી 30 ટકા કમિશન માગ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇએ રૂ.75 લાખ વસૂલ્યાનો આક્ષેપ કરી રાજ્યભરમાં ચકચાર મચાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાલ ગાંધીનગર જવા રવાના થયા છે. આજે તેઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રાજકોટ પોલીસના એક ડઝનથી વધુ તોડ પ્રકરણની ફરિયાદો આધાર પુરાવા સાથે રજૂ કરશે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું હતું કે હું CM અને પ્રદેશમાં આકરાં પગલાં લેવાની માગ કરીશ.
રાજકોટ પોલીસમાં મોટી સાફસૂફી થશે એવાં એંધાણ
ઉલ્લેખનીય છે કે એક સમયે હાંસિયામાં ધકેલાય ગયેલા MLA ગોવિંદ પટેલના સમર્થનમાં આજે એક પછી એક કદાવર નેતાઓ આવી રહ્યા છે. જ્યાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા બાદ કેબિનેટ મંત્રી અરવિંદ રૈયાણીએ આ મુદ્દે કડક કાર્યવાહીની માગ કરી છે. MLA પટેલની ગૃહમંત્રી સાથેની મુલાકાત બાદ રાજકોટ પોલીસમાં મોટી સાફસૂફી થશે એવાં એંધાણ મળી રહ્યાં છે.
સરકારે પગલાં ભરવા જોઇએઃ રાજ્યસભાના સાંસદ
વધુમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ મેં પણ પોલીસ વિરુદ્ધ ફરિયાદો કરેલી જ છે અને ગોવિંદભાઈ આ કેસને લઈને જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા ત્યારે હું તેમની સાથે હતો. ગોવિંદભાઇની આખી વાતને હું સમર્થન આપું છું. કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું છે. જમીનોના સેટલમેન્ટ કરવાનું છે અને હપતાખોરીનું કામ ચાલુ જ છે. ખરેખર ન થવું જોઈએ. સરકારે પગલાં ભરવા જોઇએ. મેં ઉપર ધ્યાન દોર્યું હતું કે કોઈની ફરિયાદ નથી લેતા. હવે આને સારી પોસ્ટ ન મળવી જોઈએ, બાકી સરકારને કાયદાની રૂએ જે પગલાં હોય એ લેવા જોઈએ.
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લખેલો પત્ર
આજથી 2 દિવસ પહેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો પત્ર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું હતું કે, રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.
15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશ સખિયાએ કર્યો હતો
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્સો માગ્યો હતો.
8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવી નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રમાણે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરી છે, જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના PI મારફત વસૂલ્યા છે, બાકીની 30 લાખની ઉઘરાણી જે-તે PI ફોનથી કરી રહ્યા હતા પરંતુ આ રકમ આવી નથી. ત્યાર બાદ આપના પાસે ફરિયાદ થતાં FIR દાખલ થઈ હતી, જેમાં બે આરોપીને પકડ્યા પણ ખરા, એક આરોપી ભાગતો ફરે છે અને આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે. આમ, પોલીસ કમિશનર આવા ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. આ અંગેની આપને આપેલી ફરિયાદ પછી અને FIR ફાડ્યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી તેમજ પોલીસ કમિશનરે લીધેલી 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલાં ભરો તેવી વિનંતી છે.