- જે-તે જિલ્લાના પોલીસ દ્વારા રહેવાની વ્યવસ્થા કરવાના પ્રયાસો શરૂ કરાયા
ગુજરાત પોલીસની પીએસઆઇ અને લોકરક્ષક દળની ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ આગામી 3 ડિસેમ્બરથી રાજ્યનાં અલગ અલગ શહેરોમાં આવેલા 15 ગ્રાઉન્ડ પર શરૂ થવાની છે. વહેલી સવારથી જ ઉમેદવારોને ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે. જે ઉમેદવારનો રિપોર્ટિંગ ટાઈમ કોલલેટરમાં છે એ મુજબ સમયસર જિરીપોર્ટિંગ ગ્રાઉન્ડ પર કરવાનું રહેશે. જો રિપોર્ટિંગ ટાઈમ કરતાં ઉમેદવાર મોડા આવશે તો તેમને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે, જેથી ઉમેદવારોએ આગલા દિવસે રાતે જ જે શહેરમાં નંબર આવ્યો હોય ત્યાં પહોંચી જવાનું રહેશે. પોલીસ દ્વારા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.
મોડા આવનારા ઉમેદવારોને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે
લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી કે ઉમેદવારોને રિપોર્ટિંગ ટાઈમ પ્રમાણે મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. 6 વાગ્યાના રિપોર્ટિંગ ટાઈમવાળા ઉમેદવારને 7 વાગ્યાના ટાઈમવાળા ઉમેદવારથી પહેલાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ 7 વાગ્યાના ઉમેદવારોનો પ્રવેશ શરૂ થયા બાદ આવનારા છ વાગ્યાના ઉમેદવારને છેલ્લી બેચમાં દોડાવવામાં આવશે, જેથી ઉમેદવારોએ સવારે સમયસર ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.
12 મેદાન પર પુરુષ અને 3 મેદાન પર મહિલા ઉમેદવારોની પરીક્ષા
3 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી પીએસઆઇ અને લોકરક્ષક દળની ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે છે, જેમાં પુરુષ ઉમેદવારો માટે 12 અને મહિલા ઉમેદવારો માટે ત્રણ ગ્રાઉન્ડ પર ટેસ્ટ લેવામાં આવશે. ઉમેદવારોની દોડ માટેનો સમય વહેલી સવારે હોવાથી ઉમેદવાર આગલી રાત્રે જે-તે શહેરમાં પહોંચી જશે. ઘણા ઉમેદવારોને રહેવાની તકલીફ પડતી હોય છે, ખાસ કરીને મહિલા ઉમેદવારને આગલા દિવસે જે શહેરમાં નંબર હોય ત્યાં કોઈ સંબંધી ન રહેતા હોય તો બહાર રહેવું પડે છે.
સ્વૈચ્છિક સંસ્થાઓને મદદ માટે આગળ આવવા અપીલ
ઉમેદવારો આગલા દિવસે રાતે જ પહોંચી જવાના હોવાથી ઉમેદવારોને ગ્રાઉન્ડની બહાર કે રોડ પર રહેવું ન પડે એ માટે જે-તે જિલ્લાના પોલીસ અધિકારી મદદરૂપ થવાના ઉમદા હેતુથી રહેવાની વ્યવસ્થા કરવા પ્રયાસ કરી રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓને તેમાં જોડાવા લોકરક્ષક ભરતી દળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી અપીલ કરી છે
