મહેફિલમાં ખુની ખેલ:ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણી રહેલા મિત્રો વચ્ચે માથાકૂટ થતા સામ્રાજ્ય ફાર્મ હાઉસના માલિકની ગોળી મારી હત્યા કરાઈ

By Abhishek Raghuvanshi
4 Min Read
  • એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિકને છાતીમાં ગોળી ધરબી દેતા તેનું મોત
  • બે મિત્રો ફરાર, અન્ય મિત્રોને પોલીસે કસ્ટડીમાં લીધા
  • મરનાર ભાવનગર જિલ્લા પંચાયતની ચુંટણી પણ લડયા હતા

ગાંધીનગરના સરગાસણ રોડ હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય ફાર્મ હાઉસમાં ગઈકાલે શુક્રવારે આઠ મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે મિત્રો વચ્ચે માથાકૂટ થતાં એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ માણીયાને છાતીમાં ગોળી ધરબી દેતા તેનું મોત નીપજ્યું છે. ત્યારે બે મિત્રો કારમાં મોડી રાત્રે ફરાર થઈ ગયા હતા. તેમજ અન્ય મિત્રોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. આ પ્રકરણમાં તલવાર વડે પણ હૂમલો કરાયો હતો જેમાં ફરાર થયેલા બે મિત્રો માંથી એકને વાગી હોવાનું પોલીસે નિવેદન આપ્યું છે.

આઠ મિત્રો દારૂ પીવા બેઠા હતા

ગાંધીનગરનાં હડમતિયા વિસ્તારમાં આવેલા સામ્રાજય પાર્ટી પ્લોટના માલિક પ્રવિણ કલ્યાણ માણીયા, જયદીપસિંહ ગોહિલ, તરુણસિંહ તેમજ સંતોષ ભરવાડ, હરપાલસિંહ જનક જયરાજસિંહ તેમજ મોહિત એમ આઠ મિત્રો ગઈકાલે દારૂની મહેફિલ માણવા બેઠા હતા.

પાર્ટી આપવા બાબતે તકરાર થઇ

- Advertisement -

પરમીટની મોંઘીદાટ વિદેશી દારૂની મહેફિલ માણતા સમયે પાર્ટી આપવા બાબતે થોડીક તકરાર થઇ હતી. જેથી તમામ મિત્રો અંદરો અંદર બાખડી પડ્યા હતા. એવામાં પ્રવિણભાઈ અને જયદીપસિંહ તેમજ તરુણસિંહ વચ્ચે વધારે માથાકૂટ થઇ હતી. ત્યારે જયદીપસિંહે પોતાની પાસેની રિવોલ્વર કાઢીને પ્રવીણસિંહની છાતીમાં ગોળી ધરબી દીધી હતી.

પોલીસે પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી

જેનાં કારણે પ્રવિણભાઈ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. ફાયરીંગ કર્યા પછી જયદીપ સિંહ અને તરુણસિંહ ઝાલા કારમાં ભાગવા લાગ્યા હતા. તે વખતે સંતોષ ભરવાડે તેમને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. જેથી જયદીપસિંહ અને તરુણસિંહે સંતોષને લાફા ઝીંકી દીધા હતા અને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. જેનાં કારણે સંજય ભરવાડને પણ ઇજા થઇ હતી

પ્રવીણ ભાઇને આશકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ છાતીમાં ગોળી વાગી હોવાથી તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. તેમજ સંજય ની પણ ત્યાં સારવાર કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં સેકટર – 7 પીઆઈ ડી એસ ચૌધરી, ઈન્ફોસિટી પીઆઈ પી પી વાઘેલા, લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલા, જે એચ સિંધવ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરવાં કવાયત હાથ ધરી હતી.

પોલીસે દારૂની મહેફિલ માણતા મિત્રોને કસ્ટડીમાં લઈ લીધા હતા. આ અંગે સેક્ટર 7 પીઆઈ ડી એસ ચૌધરીએ જણાવ્યું હતું કે, સિધ્ધરાજ ઝેડ પ્લસમાં રહેતા 57 વર્ષીય પ્રવીણ ભાઈ માણીયા મૂળ ભાવનગરના છે તેમજ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈકાલે રાત્રે સામ્રાજ્ય પાર્ટીપ્લોટમાં 8 મિત્રો દારૂ પીવા બેઠા હતા. તે દરમિયાન બગોદરા તારાપુરના જયદીપ સિંહ ગોહિલ તેમજ મૂળ સુરેન્દ્રનગરના તરુણ સિંહ ઝાલા સાથેની માથાકૂટ દરમિયાન જયદીપસિંહે લાયસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરીને પ્રવીણભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.

માથાકૂટમાં ખૂની ખેલ ખેલાયો

જયદીપસિંહ તેમજ તરુણ સિંહનું એક મકાન બોપલ વિસ્તારમાં પણ આવેલું છે જેઓ ગઈકાલે કાર લઈને દારૂ પીવા માટે આવ્યાં હતા. કોઈક બાબતે માથાકૂટ થતા ખૂની ખેલ ખેલાયો હતો. હાલમાં અન્ય મિત્રોની સંડોવણી છે કે નહીં તે બાબતે પૂછતાંછ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે પૈસાની માથાકૂટમાં થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરીંગમાં પ્રવીણભાઈનું મોત થયું હોવાની ચર્ચા વહેતી થઈ છે.

આ અંગે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈ ભાવનગર જિલ્લા પંચાયતની બે વખત ચૂંટણી કોંગ્રેસ તરફથી લડયા હતા અને હારી ગયા હતા. જેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. જમીન લેવેચ સિવાય રેતીની લીઝ પણ ચલાવતા હતા. તેઓ અવારનવાર દારૂની મહેફિલ યોજતા હતા. પરંતુ ગઈકાલ રાતની મહેફિલ તેમની અંતિમ મહેફિલ સાબિત થઈ છે.

Exit mobile version