- ઘરની આબરૂ બચાવવા ભાઈઓએ બેનને ફાર્મહાઉસ લઈ જઈ ઝેર પીવડાવ્યું
- પત્ની સાથે સૂતેલા પ્રેમીને જોઈ આર્મીમેને ગોળી મારી
5 જૂનથી ગુમ થયેલી સ્વીટી પટેલ કેસ 49 દિવસ બાદ, એટલે કે 24મી જુલાઈએ ઉકેલાઈ ગયો છે. આ કેસમાં સ્વીટી પટેલનો પોલીસ પતિ જ હત્યારો નીકળ્યો છે. આ સાથે જ એક મહિના સુધી સમગ્ર ગુજરાતમાં ગાજેલા આ કેસની મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકાયો હતો. જોકે સ્વીટી પટેલ મર્ડર કેસ જ નહીં, આ પહેલાં ગુજરાતમાં કોઈપણ ક્રાઈમ થ્રિલર ફિલ્મને ટક્કર મારે એવી ઘટનાઓ બની ચૂકી છે. એમાં સુરતનો દિશીત જરીવાલા મર્ડર કેસથી લઈને ભાવનગરના રૂસ્તમ ફિલ્મ જેવા જ મર્ડર કેસ સહિતના અત્યારસુધીના ચર્ચિત કેસો સામેલ છે. આ તમામ મર્ડર કેસમાં મોટા ભાગે પ્રેમસંબંધો જ કારણભૂત હતા, પરંતુ એની ખાસ વાત એ હતી કે આ કેસમાં આરોપીઓ લાંબા સમય સુધી પોલીસને ગોળગોળ ફેરવવામાં સફળ રહ્યા હતા.
પ્રેમસંબંધથી નારાજ પાલક મા-બાપની બેભાન અવસ્થામાં જ હત્યા
વર્ષ 2014માં વડોદરાના માંજલપુરમાં દંપતીની કરાયેલી હત્યા કેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. બંને પતિ-પત્નીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે જે દીકરીને દત્તક લઈ રહ્યાં છે એ જ ભવિષ્યમાં તેમનો જીવ લેશે. માંજલપુરની તિરુપતિ સોસાયટીમાં શ્રીહરિ પુરુષોતમ વિનોદ તેમનાં પત્ની સ્નેહાએ એક દીકરીને દત્તક લીધી હતી. ધો.10માં ભણતી આ કિશોરીને 21 વર્ષીય યુવક સપન પુરાણી સાથે પ્રેમ થયો હતો. આ સંબંધથી નારાજ પાલક માતા-પિતા યુવકથી દૂર રહેવા પુત્રીને વારંવાર જણાવતાં હતાં. એનાથી નારાજ કિશોરી અને સપને આડખીલીરૂપ બની રહેલાં બંને જણને પતાવી દેવાનો કારસો રચ્યો હતો. 3 ઓગસ્ટે રાત્રે પાલક પુત્રીએ રાતના જમવામાં ઘેનની ગોળીઓ ભેળવી હતી. બંને જણ સૂઈ ગયાની ખાતરી કરી કિશોરીએ પ્રેમીને ઘરે બોલાવી પ્રથમ માતાને બંનેએ તકિયા વડે ગૂંગળાવી દઈ પેટના ભાગે ચાકુના ઘા માર્યા હતા. ત્યાર બાદ પિતાને પણ ચાકુના ઘા મારી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ મા-બાપના મૃતદેહો સામે જ સગીરાએ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને પછી લાશની ઓળખ ન થાય એ માટે એસિડ પણ છાંટ્યું હતું. સગીરાના પ્રેમીને આજીવન કેદની સજા તેમજ રૂા.10 હજારનો દંડ પણ ફટકાયો હતો.
સરપ્રાઈઝ આપવા આવેલા પતિએ પત્નીના પ્રેમીને બાથરૂમમાં જ પતાવી દીધો
ભાવનગરમાં 2015માં વેલેન્ટાઇન ડેના દિવસે જ ખૂની ખેલ ખેલાયો હતો. ત્યાર બાદ સત્ય ઘટના પર આધારિત આવેલી બોલિવૂડ ફિલ્મ ‘રૂસ્તમ’એ ફરી લોકોને ફરી આ કેસની યાદ અપાવી હતી. ઘટનાની વાત કરીએ તો, આર્મીમેનને ફરજ અર્થે બહાર રહેવાનું થતું હોવાથી તેમણે તેમના મિત્ર દેવેન્દ્ર શર્માને પોતાની પત્ની તથા પુત્રીનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી, પરંતુ આર્મીમેનની પત્ની બેવફા નીકળતાં અને રખેવાળ કરતા પતિના મિત્ર દેવેન્દ્ર સાથે જ પ્રેમસંબંધ બંધાતાં આ સંબંધ છેક બેડરૂમ સુધી પહોંચી ગયો હતો. વેલેન્ટાઇન ડેની પૂર્વસંધ્યાએ તેઓ પત્નીને સરપ્રાઈઝ આપવા પહોંચેલા હતા, જ્યાં આર્મીમેનને તેની પત્ની અને તેના પ્રેમી દેવેન્દ્રને કઢંગી હાલતમાં જોઇને તેમણે પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ધડાધડ ફાયરિંગ કરતાં દેવેન્દ્ર શર્માનું નગ્ન અવસ્થામાં જ મોત થયું હતું. બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. આ કેસમાં આર્મીમેનને આજીવન કેસની સજા થઈ હતી.
વેલ્સીને છૂટાછેડા જોઈતા હતા, પતિએ કર્યો ઈનકાર તો પતાવી દીધો
સુરતના દિશીત જરીવાલા મર્ડર કેસ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધો હતો. પોતાના પિતરાઈ ભાઈના પ્રેમમાં પાગલ વેલ્સીએ પતિને ઘાતકી હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર કેસ પર નજર કરીએ તો, દિશીત જરીવાલા પત્ની વેલ્સી અને દીકરી સાથે સર્જન સોસાયટીમાં રહેતા હતા, પરંતુ વેલ્સીના પિતરાઈ ભાઈ સૂકતુ સાથે પ્રેમસંબંધ હતા, બંનેએ લગ્ન કરવા હતાં, આથી સૂકેતુએ પત્નીને છૂટાછેડા આપવા માટે તેના પર ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂકી હતી. વેલ્સીના અનેક ધમપછાડા છતાં દિશીતે તેને છૂટાછેડા આપ્યા ન હતા, આથી એક થવા માટે વેલ્સી અને સૂકેતુએ દિશીતની હત્યાનું કાવતરું રચ્યું હતું. 27મી જૂનની રાત્રિએ વેલ્સીએ ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો, સૂકેતુ મોદી અન્ય આરોપી ધીરેન્દ્ર સાથે પ્રવેશ્યો હતો અને રૂમમાં સૂઈ રહેલા દિશીત પર ઘાતક હથિયારો જોડે હુમલો કરી મર્ડર કર્યું હતું. ત્યાર બાદ સમગ્ર ઘટના લૂંટની લાગે એ માટે ઘરેણાં લૂંટયા હતા અને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ, વેલ્સીએ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં આખો ખેલ ઉઘાડો પડતાં તમામની ધરપકડ કરવામાં આવી હતી.
વૈભવી મોજ-શોખ અને બોયફ્રેન્ડની શંકામાં બહેનની હત્યા કરી
રાજકોટમાં પરિવારની આબરૂ બચાવવા માટે બે સગા ભાઈઓએ પોતાની બહેનની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પોતાના ગામ ભંગડામાં અગ્નિસંસ્કાર કરાવી નાખ્યા હતા. સમગ્ર મામલા પર નજર કરીએ તો, 28 વર્ષીય પૂનમના લગ્ન મુંબઈ થયા હતા, પરંતુ કમનસીબે તે લગ્ન એક દિવસ જ ટક્યા હતા અને તે બીજા દિવસે જ પિયર પરત આવી ગઈ હતી. અત્યંત સ્વરૂપવાન હોવાનો પૂનમને ગર્વ હતો અને પિતાની અઢળક સંપત્તિ હોવાથી તેને પોતાના વૈભવી મોજ-શોખ પૂરા કરવામાં પણ કોઈ રોકે તેમ નહોતું. આ ઉપરાંત હવે તે કોઈના કહ્યામાં રહેતી નહોતી અને મન ફાવે એ રીતે જ રહેતી હતી. આ કારણે પણ ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. જોકે પૂનમે તો જાણે નક્કી જ કરી દીધું હતું કે તેને ફાવે એ રીતે તે પોતાનું જીવન જીવશે અને ધારે એટલા બોયફ્રેન્ડ રાખશે. ફાઇનાન્સર બિશુ વાળાનું રાજકોટમાં મોટું નામ બહેનના લફરાને કારણે ખરાબ થતું હોવાનું બંને ભાઈ બિરેન અને રાજવીરને લાગતું હતું, જેથી તેઓ પૂનમને પોતાના ફાર્મહાઉસ લઈ ગયા અને ઝેરી દવાની પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જોતજોતાંમાં જ ખુશ્બૂએ રિવોલ્વરથી ફાયરિંગ કરી પ્રેમીને પતાવી દીધો
રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઇ ખુશ્બૂ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહના પ્રેમપ્રકરણ, હત્યા અને આપઘાતનો કેસ મહિનાઓ સુધી ચર્ચામાં રહ્યો હતો. કેસની વાત કરીએ તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતી એએસઆઇ ખુશ્બૂ અને પરિણીત કોન્સ્ટેબલ રવિરાજસિંહ વચ્ચે પ્રેમસંબંધ હતો, રવિરાજસિંહ પરિણીત હોવાને કારણે રાત્રે તેના ઘરે જતો હતો એ મુદ્દે પ્રેમીયુગલ વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી, 10 જુલાઇના આ મામલે ફરીથી બોલાચાલી થતાં ખુશ્બૂએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી પ્રેમી રવિરાજસિંહની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ એ જ રિવોલ્વરથી પોતે આપઘાત કરી લીધો હતો.
પતિએ સ્વીકાર્યું, સ્વીટીની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી
વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા વડોદરા જિલ્લા SOG પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ 5 ગત જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. એક મહિના પછી પણ સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરૂ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં. હાડકાંના નમૂના એકત્ર કરીને પોલીસે પીઆઇ દેસાઇ તથા તેમનાં પત્ની સ્વિટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલી ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. હાડકાં સ્વીટીનાં હોવાનું બહાર આવ્યું હતું, સાથે આ કેસમાં અંતે પીઆઈ પતિએ પોલીસ સમક્ષ તેણે જ સ્વીટીની હત્યા કરીને લાશ સળગાવી દીધી હોવાની કબૂલાત કરી છે. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે કે PIની બંને પત્ની એક જ સમયે વડોદરામાં હતી, જેને પગલે અજય દેસાઈ બંનેને સમય આપી શકતો ન હોવાથી તેણે સ્વીટીને કાયમ માટે ચૂપ કરી દીધી.
