ઓવનથી શ્વાસ રુંધાયો:અમદાવાદના ઘાટલોડિયામાં પફ બનાવતા કારખાનામાં ઓવનની સ્વિચ ચાલુ રહી જતાં ગૂંગળામણથી ત્રણનાં મોત, ફાયર-પોલીસની ટીમ ઘટનાસ્થળે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • 15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું
  • હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર પાસે UKS નામના પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં કારખાનામાં ત્રણેય યુવક મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારખાનામાં ગૂંગળામણના કારણે તેઓનું મોત નિપજ્યા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. પીએમ બાદ સાચું કારણ જાણવા મળશે.

15 દિવસ પહેલા શરૂ થયું હતું કારખાનું
ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જતીન પટેલે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે કારખાનાના માલિકે આવીને ખોલતાં ત્રણ મજૂરો મૃત હાલતમાં પડ્યા હતા. કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીન આવેલું છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસ, એફએસએલ અને ફાયરની ટીમ તપાસ કરી રહી છે.

ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે

પ્રાપ્ત વિગતો મુજબ, કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી, જેથી ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની પોલીસની પ્રાથમિક જાણકારી મળી છે. ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન કારખાનાની અંદર રહેલા હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં.

બોપલ ગટર દુર્ઘટનામાં બે સગા ભાઈઓ અને કાકાનું મોત થયું

બોપલમાં ગટર સાફ કરવા ઉતરેલા બે ભાઈ, કાકાનું મોત
18 દિવસ પહેલા પણ બોપલ ડીપીએસ સ્કૂલની પાછળ આવેલી ગટરમાં કોઇ પણ પ્રકારની સેફટી વગર ઉતરેલા 2 સગા ભાઈ અને કાકા ગરકાવ થઇ ગયા હતા. જેમાંથી બે સગા ભાઈઓ અને કાકાનું મોત થયું છે. ગટરનું ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સંદીપ ગટરનું ઢાંકણું ખોલી રહ્યો હતો ત્યારે ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. જેથી ગૂંગળામણ થવાથી સંદીપ ગટરમાં પડી ગયો. સંદીપને બચાવવા માટે તેના કાકા ભરતભાઈ ગટરમાં ઉતરતા તે પણ ગટરમાં ગરકાવ થઇ ગયા હતા. તે બંનેને બચાવવા માટે રાજુ પણ ગટરમાં ઉતર્યો હતો.

- Advertisement -

ફાયર બ્રિગેડની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી હતી
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. રાજુ અને ભરતભાઈને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. થોડા સમય બાદ સંદિપ પણ મળી આવ્યો હતોપરંતુ તેનું પણ મોત થયું. બોપલ પોલીસે કોન્ટ્રાકટર અને લેબર સુપર વાઈઝર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version