
ઈસરોના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેર તેમને પ્રમોશન ઈન્ટરવ્યુ દરમિયાન નાસ્તામાં મેળવીને આપવામાં આવ્યું હતું, જેને કારણે તેમનું 30થી 40 ટકા જેટલું બ્લડ લોસ થયું હતું. એનલ બ્લીડિંગ થતું હતું, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપન મિશ્રાના દાવા મુજબ તેમનો માંડ માંડ જીવ બચ્યો હતો. તપન મિશ્રાએ પોતાની સાથે થયેલી આ ઘટનાને ફેસબુક પર પોસ્ટ કરી છે.
ઘાતક કેમિકલ નાસ્તાની ચટણી સાથે મિક્સ કરાયું હતું
છેલ્લા લાંબા સમયથી આ રહસ્ય મેં કોઇને કહ્યું ન હતું કેમ કે દેશ માટે તે અપમાનજનક સ્થિતિ પેદા કરે તેમ હતું. પણ યુવાન વિજ્ઞાનીઓને પ્રેરણા અને હિંમત આપવા માટે મેં તે રહસ્યને જાહેર કરવાનું નક્કી કર્યું. ઇસરો ખાતે અમે ડો. વિક્રમ સારાભાઇનાં રહસ્યમય મોત વિશે ઘણું સાંભળ્યું છે. પણ મને ખ્યાલ ન હતો કે એક દિવસ હું પણ આવા રહસ્યનો ભાગ બનીશ. કેમ કે 23 મે 2017નાં રોજ ઇસરોનાં હેડક્વાર્ટર બેંગલોર ખાતે એક પ્રમોશન ઇન્ટરવ્યુ દરમિયાન મને આર્સેનિક ટ્રાયોક્સાઇડ નામનું ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન થયો હતો. આ ઘાતક કેમિકલ કદાચ લંચ પછી પીરસાયેલા નાસ્તાની ચટણી સાથે મિક્સ કરાયું હતું.
બે વર્ષ સુધી બ્લીડિંગ થયું
જે લંચ પછી ભરાયેલા મારા પેટમાં રહે અને ત્યાંથી સમગ્ર શરીરમાં ફેલાઇને બ્લડ ક્લોટિંગ કરે અને થોડી જ વારમાં મારું હાર્ટ-અટેકમાં મોત થાય. પણ મને સાઉથ ઇન્ડિયન ફૂડ ન ભાવતું હોઈ મેં લંચ લીધું ન હતું. મેં ચટણી સાથે થોડો નાસ્તો કર્યો જેથી મોટાભાગનું કેમિકલ પેટમાં વધુ ન ટકતાં સીધું મોટા આંતરડાથી થઇને મારા રેક્ટમમાં પહોંચ્યું અને ત્યાં ખૂબ ડેમેજ કર્યુ. પેટમાં થોડા બચેલા આર્સેનિકને લીધે બે વર્ષ સુધી મને એટલું બ્લીડિંગ થયું કે મેં 30થી 40 ટકા લોહી ગુમાવ્યું. મને ગંભીર શ્વાસની બીમારી, ચામડી પર ફોલ્લીઓ, ચામડી ઉતરવી, નખ ઉતરી જવા, ન્યુરોલોજીકલ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ થઇ. ઝાયડસ કેડિલા અમદાવાદ, ટાટા મેમોરીયલ મુંબઇ અને એઇમ્સ દિલ્હી હોસ્પિટલોએ બે વર્ષ મારી પાછળ ખૂબ મહેનત કરી. એઇમ્સના ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, તેમની કારકિર્દીમાં આસેસિનેશન ગ્રેડ મોલેક્યલર As2O3થી કોઇ બચ્યું હોય તેવો આ પ્રથમ કેસ છે.
હું દેશની સિક્યોરિટી અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો આભારી છું
મારા એક ડાયરેક્ટર સાથીએ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનાં ઓફિસરે જૂન મહિનામાં મને ઝેર અપાયા મુદ્દે મને જાણ કરી દેશની સિક્યોરિટી એજન્સીઓ મને વિવિધ શહેરોમાં લઇ ગઇ. જેથી હું સલામત રહ્યો. હું દેશની સિક્યુરિટી અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો આભારી છું. આ સમગ્ર ઘટનાને હું સરકારી તંત્રની મદદથી થયેલો આંતરરાષ્ટ્રીય એસ્પિયોનેજ એટેક (જાસૂસી હુમલો) ગણાવીશ. જેનો હેતુ મિલિટરી અને કોમર્શિયલ મહત્વ ધરાવતી સીન્થેટિક એપર્ચર રડાર બનાવતા સાયન્ટિસ્ટને પતાવી દેવાનો હોય. અથવા તો સિનિયોરિટીમાં નડતાં અવરોધને દૂર કરવા માટેની હોય. આ બેમાંથી જે પણ કારણ હોય, પણ તે દેશ માટે શરમ જનક છે. મેં મારી પીડા ઇસરોનાં સિનિયર્સને કહી. કિરણકુમારે મને સાંભળ્યો જ્યારે ડો. કસ્તુરીરંગન અને માધવન નાયરે નહીં. એ પછી પણ મને મારવાનાં પ્રયત્નો ચાલુ રહ્યાં.
ચંદ્રયાન 2ના લોન્ચના બે દિવસ પહેલાં જ હુમલો થયો
અમદાવાદ ખાતે 3 મે, 2018નાં રોજ સેક-ઇસરો ખાતે મોટો ધડાકો થયો જેમાં હું બચી ગયો. આ ધડાકામાં રૂ. 100 કરોડની લેબ નાશ પામી. જુલાઇ 2019માં એક ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર મારી ઓફિસમાં પ્રગટ થયા અને મોં ન ખોલવા માટે મારા દિકરાને યુએસની ઇન્સ્ટીટ્યુટમાં એડમિશન ઓફર કરી. મેં ના પાડતાં મારે સેકનું ડાયરેક્ટર પદ ગુમાવવું પડ્યું. 12 જુલાઇ, 2019નાં રોજ પણ મને હાઇડ્રોજન સાયનાઇડથી મારી નાંખવા પ્રયત્ન થયો. એનએસજી ટ્રેઇન્ડ મારા સિક્યુરિટી ઓફિસરને લીધે હું બચી ગયો. ચંદ્રયાન 2નાં લોન્ચનાં બે દિવસ પહેલાં જ આ હુમલો થયો. કદાચ હું તે ઇવેન્ટમાં હાજર ન રહું તે માટે. છેલ્લા બે વર્ષમાં મારા ઘરમાં કોબ્રા, ક્રેઇટ જેવા ઝેરી સાપ મળી આવે છે. સાપને ટાળવા દરેક 10 ફૂટે કાર્બોલિક એસિડનાં વેન્ટ હોવા છતાં તે સાપ મળી આવ્યા. એક દિવસ મારા ઘરમાંથી એલ આકારની ટનલ મળી આવી જ્યાંથી આ સાપ છોડાતાં હતાં.
એક વિજ્ઞાની તરીકે હું ઊભો નહીં થાઉં તો યુવાન વિજ્ઞાનીઓ પણ ડરી જશે
તપન મિશ્રાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર 2020માં મને ફરીથી આર્સેનિક આપીને મારવાનો પ્રયત્ન થયો. આ ઘટના પછી મેં નક્કી કર્યું કે હવે બહુ થઇ ગયું. જો એક વિજ્ઞાની તરીકે હું ઊભો નહીં થવું તો યુવાન વિજ્ઞાનીઓ પણ ડરી જશે. તેઓ દેશની સેવા નહીં કરે અને વિદેશ ભાગી જશે અને પૈસાથી વેચાઇ જશે. મને વિદેશની ખૂબ ઓફરો હતી. વિદેશી લોકો નથી ઇચ્છતાં કે ઇસરો અને તેના વિજ્ઞાનીઓ આગળ વધે. ઝૂકી પડવું સરળ છે અને ટટ્ટાર ઉભુ રહેવું અઘરું. મેં ઊભા રહેવાનું નક્કી કર્યું છે. 31 જાન્યુ. એ ઇસરો ખાતે મારો છેલ્લો દિવસ છે અને આ લોકો એવું ઇચ્છે છે તે પહેલા હું મરી જવું તો બધા રહસ્યો પૂરા થઇ જાય. પણ હું તેમ નહીં થવા દઉં.