ICMRના સરવેનું તારણ:અમદાવાદના 82 ટકા લોકોમાં એન્ટિબોડી, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

By Abhishek Raghuvanshi
3 Min Read
ફાઇલ તસવીર
  • રાજ્યમાં કોરોનાનો નવો વાઈરસ આવવાની શક્યતા ઓછી
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના વડાએ મ્યુનિ.ના સરવેને ટાંકીને અમદાવાદમાં સૌથી વધુ એન્ટિબોડી હોવાનું કહ્યું
  • પૂર્વ તૈયારી – રાજ્યનાં 8500 ગામમાં 100 ટકા રસીકરણ થયું, વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ બુધવારે ત્રીજી લહેરની શક્યતાને નકારી દીધી છે ત્યારે ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પ્રોફેસર દિલીપ માવલંકરે જણાવ્યું છે કે, મ્યુનિ.ના સરવે અનુસાર અમદાવાદમાં 82 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે જ્યારે રાજ્યમાં આ આંકડો 75 ટકા સુધી પહોંચી ગયો છે તે કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર બિનઅસરકારક સાબિત થઈ શકે છે. જોકે પ્રોફેસરે એવી પણ ચેતવણી આપી છે કે, અત્યાર સુધી રાજ્ય અને દેશમાં કોરોનાના જેટલા પણ વેરિયન્ટ ડિટેક્ટ થયા છે તે કરતા વધુ પાવરફૂલ કોઈ વાઈરસ આવે તો જ ત્રીજી લહેર અસર કરી શકે છે, પરંતુ હાલ રાજ્યમાં નવા વાઈરસના અણસાર નથી. તેમણે જણાવ્યું કે, કોરોના થવાના કારણે ઘણા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે અને મોટાભાગના લોકોએ રસીનો પ્રથમ ડોઝ પણ મેળવી લીધો છે.

આઈસીએમઆરના સરવે મુજબ મુંબઈમાં 85 ટકા લોકોમાં એન્ટિબોડી બન્યા છે. દેશમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 79 ટકા જ્યારે કેરળમાં સૌથી ઓછા 45 ટકા લોકોમાં એન્ટિબોડી બની છે. એન્ટિબોડી તૈયાર થવામાં ગુજરાત ચોથા ક્રમે છે.

આરોગ્ય વિભાગના એડિશનલ ચિફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કહ્યું કે, એઈમ્સના ડાયરેક્ટરનું નિવેદન સુખદ છે તેમ છતા સંભવિત ત્રીજી લહેર માટે ગુજરાત સરકારની પૂરી તૈયારી છે. આરોગ્ય વિભાગ કોઈ જ રિસ્ક લેશે નહીં. સરકારે રસીકરણ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. રસીકરણમાં ગુજરાત દેશમાં નંબર 1 પર છે. 35 ટકા લોકોએ રસીના બંને ડોઝ જ્યારે 82 ટકાએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. રાજ્યના 8500 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યુ છે.

મધ્યપ્રદેશમાં સૌથી વધુ 79 ટકા સીરો પોઝિટિવિટી

- Advertisement -
રાજ્યસીરો પોઝિટિવિટી
મધ્યપ્રદેશ79%
રાજસ્થાન76.20%
બિહાર75.90%
ગુજરાત75.30%
છત્તીસગઢ74.60%
ઉત્તરાખંડ73.10%
ઉત્તરપ્રદેશ71%
આંધ્રપ્રદેશ70.20%
કર્ણાટક69.80%
તમિલનાડુ69.20%
ઓડિશા68.10%
પંજાબ66.50%
તેલંગાણા63.10%
જમ્મુ-કાશ્મીર63%
હિમાચલપ્રદેશ62%
ઝારખંડ61.20%
પશ્વિમ બંગાળ60.90%
હરિયાણા60.10%
મહારાષ્ટ્ર58%
આસામ50.30%
કેરાલા44.40%

​​​​​​શહેરમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મંગળવારે પણ એકેય દર્દીનું મૃત્યુ થયું નથી.

Exit mobile version