AMCમાં પરંપરા બદલાઈ:​​​​​​​અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુરેન્દ્ર કાકાનો યુગ સમાપ્ત, ગોરધન ઝડફિયા અને પ્રદેશના નેતાઓની એન્ટ્રી

By Abhishek Raghuvanshi
3 Min Read
  • મેયરપદ માટે ગોરધન ઝડફિયાના ખાસ ગણાતા કિરીટ પરમારની વરણી કરી હતી
  • સુરેન્દ્ર કાકાના નજીકના ગણાતાં માત્ર ગીતાબેન પટેલ, જેમને ડેપ્યુટી મેયરનું પદ મળ્યું

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસનની શરૂઆત થઈ; ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકાનો યુગ સમાપ્ત જોવા મળી રહ્યો છે. સુરેન્દ્ર કાકાના કહેવા મુજબ, કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ પક્ષના નેતાની વરણી થતી હતી. જોકે આ ટર્મથી હવે સુરેન્દ્ર કાકાનું વર્ચસ્વ ઘટી ગયું છે.

પહેલા સુરેન્દ્ર કાકા કહે એ છે મેયર બનતા
બુધવારે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થઈ હતી, જેમાં આંતરિક નારાજગી સાથે હોદ્દેદારોની નિમણૂક થઈ હોવાને લઇ ચર્ચા જાગી છે. કોર્પોરેશનમાં ભાજપની સત્તા આવી છે ત્યારથી સુરેન્દ્ર કાકા કહે એ જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બનવાની પરંપરા પ્રદેશ હાઇકમાન્ડે તોડી મેયર તરીકે ગોરધન ઝડફિયાના ખાસ ગણાતા કિરીટ પરમારની વરણી કરી હતી. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે છેલ્લી ઘડી સુધી આંતરિક નારાજગી વચ્ચે હિતેષ બારોટની જાહેરાત કરાઈ હતી.

મેયર તરીકે ગોરધન ઝડફિયાના ખાસ ગણાતા કિરીટ પરમારની વરણી કરાઈ.

સુરેન્દ્ર કાકાના નજીકના ગણાતા કાઉન્સિલરો કપાયા
સુરેન્દ્ર કાકાના નજીકના ગણાતા કાઉન્સિલરોને સ્થાન મળ્યું નથી. એકમાત્ર ગીતાબેન પટેલ, જેમને ડેપ્યુટી મેયરનું પદ મળ્યું છે. ઘાટલોડિયાના જતીન પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવાની છેક છેલ્લી ઘડી સુધી ચર્ચા થઈ હતી, પરંતુ આખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા અને તેમના જ મત વિસ્તારમાંથી પહેલી જ ટર્મના જીતીને આવેલા હિતેષ બારોટને હાઇકમાન્ડ તરફથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પક્ષના નેતા તરીકે પણ શહેર ભાજપ-પ્રમુખ જગદીશ પંચાલના નજીકના ગણાતા ભાસ્કર ભટ્ટને સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોમાં પણ અનેકનાં નામો કાપી નજીકના લોકોની નિમણૂક કરાઈ છે.

સુરેન્દ્ર કાકાના નજીકના ગણાતાં માત્ર ગીતાબેન પટેલ, જેમને ડેપ્યુટી મેયરનું પદ મળ્યું.

હવે ટ્રાન્સપોર્ટ કમિટીમાં સ્થાન મળશે કે નહીંની ચર્ચા
આ ટર્મમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પદ માટે પાર્લમેન્ટરી બોર્ડથી કરાયેલી નિમણૂકમાં કેટલાક કાઉન્સિલરોની આંતરિક નારાજગી સામે આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન ન મળતાં હવે ટ્રાન્સપોર્ટ કમિટી અથવા અન્ય કમિટીના ચેરમેન કે કમિટીમાં સ્થાન મળશે કે કેમ એના પર સૌની નજર છે.

- Advertisement -
ડાબેથી અમિત શાહ અને અજય પટેલ સાથે હિતેષ બારોટની ફાઈલ તસવીર.

AMCની સત્તામાં અમિત શાહનો દબદબો
અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે હિતેષ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપનેતા બન્યા છે, જ્યારે દંડક તરીકે અરુણસિંહ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની મહાનગરપાલિકાની અંદર આ નિમણૂકોમાં ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહનો દબદબો રહ્યો છે, કારણ કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા અમદાવાદના વિસ્તારોમાંથી AMCની સત્તામાં મુખ્ય ત્રણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં શહેરના થલતેજ, નારણપુરા અને ચાંદખેડા વોર્ડમાંથી ત્રણ ઉમેદવારોને મોટું પદ આપવામાં આવ્યું છે. આ ત્રણેય વિસ્તારો ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા હોવાથી અમદાવાદ કોર્પોરેશનમાં અમિત શાહનો દબદબો રહ્યો છે.

Exit mobile version