AMCની કામગીરીનો વિરોધ:અમદાવાદના ખાનપુર વિસ્તારમાં AMCની ટીમે દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરી, છાપરામાં રહેતા લોકોએ વિરોધ કર્યો

By Abhishek Raghuvanshi
3 Min Read
છાપરામાં વસતા લોકોએ વૈકલ્પિક સુવિધા માટે પણ રજુઆત કરી હતી
  • પોલીસે બળપ્રયોગ કરતાં લોકોએ પોતાનાં મકાનો ખાલી કર્યાં

અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં રાઈફલ ક્લબ પાસે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ દબાણો દૂર કરવા માટે પોલીસ-બંદોબસ્ત સાથે પહોંચી હતી. આ વિસ્તારમાં માકુભાઈ શેઠના છાપરા, ખારીવાડીના છાપરામાં દબાણ તોડીને એને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની ટીમ દ્વારા છાપરા વિસ્તારમાં દબાણો દૂર કરવાની શરૂઆત કરતાં ત્યાંના 50થી વધુ મકાનો ધરાવતા લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસે આ વિરોધ કરનારા લોકોની જરૂરી બળ વાપરીને અટકાયત કરી હતી. હાલમાં છાપરામાં વસતાં લોકોને તેમના ઘરની જગ્યા ખાલી કરવા માટે સમય આપવામાં આવ્યો છે. હવે બપોર બાદ દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

પોલીસે બળપ્રયોગ કરતાં લોકોએ પોતાનું મકાન ખાલી કર્યું.

પોલીસે બળપ્રયોગ કરતાં આખરે લોકોએ પોતાનાં મકાનો ખાલી કર્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખાનપુર વિસ્તારમાં માકુભાઈ શેઠના છાપરા, ખારીવાડીના છાપરામાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ દબાણો દૂર કરવા માટે પોલીસ-બંદોબસ્ત સાથે પહોંચી હતી. દબાણો તોડવા માટે ટીમ સ્થળ પર આવી પહોંચતાં જ ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ પોતાના મકાનમાંથી સામાન પણ બહાર કાઢ્યો નહોતો, પરંતુ પોલીસે બળપ્રયોગ કરતાં આખરે લોકોને મકાનો ખાલી કરવા પડ્યાં હતાં.

છેલ્લાં 50 વર્ષથી લોકો આ જગ્યા પર રહે છે.

સમય આપવામાં ન આવતાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે
સરકારી પ્લોટમાં છાપરા બાંધીને રહેતા લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ છેલ્લાં 50 વર્ષથી આ જગ્યા પર રહે છે અને હવે કેમ સરકાર ખાલી કરાવે છે? ખાનપુર વિસ્તારમાં માકુભાઈ શેઠના છાપરા સરકારી પ્લોટમાં ઊભા કરવામાં આવેલા હોવા છતાં આજે ખાલી કરાવવા કોર્પોરેશનની દબાણની ટીમ આવેલી છે પરંતુ ખુદ કોર્પોરેશનની ટીમે જ આ બોર્ડ મારેલું છે. દેવીપૂજકવાસ, ખારાવાડી, માકુભાઈ શેઠના છાપરા લખેલું બોર્ડ મારી દીધું છે. શું કોર્પોરેશનને ખ્યાલ ન હતો કે આ સરકારી પ્લોટ છે? કલેકટર ઓફિસ તરફથી ઓર્ડર છે, પરંતુ સમય આપવામાં ન આવતાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. કલેકટર ઓફિસના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી.

55 થી60 જેટલા મકાનો છે જેમાં દબાણ તોડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી

સીટી સર્વે સુપરિટેન્ડન્ટ આ અંગે શું કહે છે
આ અંગે સીટી સર્વે સુપરિટેન્ડેન્ટ.1- એચ.મોદીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા છેલ્લા એક વર્ષથી ચાલુ છે. તેમજ આ લોકોને નોટીસ પણ પાઠવવામાં આવી છે. ત્રણ મહિનાથી કાર્યવાહી ચાલુ છે. ગત 6 જાન્યુઆરીએ તેમને નોટીસ આપવામાં આવી હતી પરંતુ તેમણે સ્વીકારવાનો ઈનકાર કરતાં ફરીવાર 12 તારીખે તમામને રૂબરૂમાં ફરી નોટીસ બજવવામાં આવી હતી. ત્યાર બાદ દબાણ તોડવા માટે જાહેર નોટીસ દ્વારા પણ તેમને જણાવવામાં આવ્યું છે. બાદમાં આજની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અહીં 55 થી60 જેટલા મકાનો છે જેમાં દબાણ તોડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. તેમણે વૈકલ્પિક સુવિધા માટે પણ રજુઆત કરી હતી. પરંતુ અમારી કચેરી પાસે આ બાબતે સત્તા નહીં હોવાથી અમે કશું કરી શકીએ તેમ નથી.

- Advertisement -
Exit mobile version